૧૪૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ ભગવાન આત્મા છે તે એકને જ હું વેદું છું. સમકિતીને જ્યાં સુધી સ્થિરતા ન હોય ત્યાં સુધી નિમિત્તના સંબંધે કોઈ ભાવ થાય તો પણ તે એનો દેખનાર-જાણનાર જ રહે છે. અહીં તો વિશેષ સ્થિરતા જામી છે તેની વાત છે. તો કર્મનું ફળ તેને આવતું જ નથી. ભાઈ! આનો અભ્યાસ કરવો જોઈએ. અન્યથા અનેક શલ્ય ઉંધા ઘર કરી ગયા હોય છે. અટકવાના અનેક બહાનાં છે, છૂટવાનો તો એક જ માર્ગ છે, તે આ-કે અંતરમાં જવું, આત્મદ્રષ્ટિ અને આત્મલીનતા કરવી.
હવે રસનામકર્મની પાંચ પ્રકૃતિની વાત કરે છેઃ- ‘હું મધુરરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯૬.
‘હું આમ્લરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯૭.
‘હું તિક્તરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯૮.
‘હું કટુકરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૯૯.
‘હું કષાયરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૦૦.
અહાહા...! ભગવાન આત્મા મહાન્ બાદશાહ છે. તે અનંતગુણોનો ધણી પ્રભુ છે. તેના પ્રત્યેક ગુણમાં અનંત ગુણનું રૂપ છે. અહા! અનંત ધર્મત્વ નામની આત્મામાં એક શક્તિ છે. બીજા અનંતગુણ છે તેમાં દરેકમાં બીજા અનંતગુણનું રૂપ છે. જ્ઞાનમાં, દર્શનમાં, આનંદમાં, વીર્યમાં, અસ્તિત્વમાં, વસ્તુત્વમાં એમ પ્રત્યેકમાં બીજા અનંત ગુણનું રૂપ છે. જેમકે જ્ઞાન ગુણમાં અસ્તિત્વનું રૂપ છે. જ્ઞાનગુણ તે અસ્તિત્વ એમ નહિ, પણ જ્ઞાન અસ્તિ છે એમ જ્ઞાનમાં અસ્તિત્વનું રૂપ છે. સૂક્ષ્મ વાત ભાઈ! અહાહા...! આવો અનંતગુણનો સમુદ્ર પ્રભુ હું આત્મા છું, તે એકને જ, ધર્મી પુરુષ કહે છે, હું અનુભવું છું, કર્મપ્રકૃતિના ફળને હું ભોગવતો-અનુભવતો નથી. આવી વાત!
હવે ગંધનામકર્મની પ્રકૃતિના બે ભેદ કહે છેઃ- ‘હું સુરભિગંધનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૦૧.
‘હું અસુરભિગંધનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૦૨.