આચાર્યદેવ કહે છે કે આ સમયસાર ગ્રંથની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે- મારી પરિણતિ રાગાદિ રહિત શુદ્ધ થાઓ. ટીકા કરવામાં પરદ્રવ્ય ઉપર લક્ષ છે. એક તરફ એમ કહે કે પરદ્રવ્ય ઉપર લક્ષ કરે તો રાગ થયા વિના રહે નહીં. મોક્ષપાહુડમાં ૧૬મી ગાથામાં કહ્યું છે કે ‘પરદવ્વાઓ દુગ્ગઈ’. (એટલે પરદ્રવ્ય ઉપર લક્ષ જશે તો રાગ થશે અને તેથી આત્માની દુર્ગતિ થશે એટલે ચાર ગતિમાં ભ્રમણ થશે.) ટીકાના શબ્દો છે તે પરદ્રવ્ય છે. પરદ્રવ્ય પર લક્ષ જાય તો રાગ તો છે; પરતું જોર વિકલ્પ ઉપર નથી, જોર ધ્રુવસ્વભાવ ઉપર છે માટે આ ટીકાથી મારી પરિણતિ રાગ રહિત શુદ્ધ થાઓ એમ અપેક્ષાથી કહ્યું છે. ઉપદેશનો વિકલ્પ ઊઠે છે એ રાગ છે; રાગ છે એટલું બંધન છે. રાગની દિશા પર તરફ છે, રાગની દશા મેલી છે; પણ મારું જોર દ્રવ્યસ્વભાવ ઉપર હોવાથી મને શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થશે એમ કહ્યું છે. પરિણતિમાં પરમ વિશુદ્ધિ થાઓ, બીજી કોઈ ચાહના નથી. ટીકા કરવાથી મારી ખ્યાતિ વધે કે પ્રશંસા થાય કે લોક અભિનંદન આપે એ ચાહના નથી. હું ટીકાના ફળમાં લાભ, ખ્યાતિ, પૂજાદિ ચાહતો નથી. આ પ્રકારે આચાર્યદેવે ટીકા કરવાની પ્રતિજ્ઞા લીધી અને ગર્ભિતપણે એના ફળની પ્રાર્થના કરી.