છે, કેમકે આ જ ભાવનાથી કેવળી થવાય છે. વ્રત, તપ, આદિ ક્રિયાકાંડના વિકલ્પથી કાંઈ કેવળજ્ઞાન પ્રગટતું નથી. સ્વરૂપનો અનુભવ, તેનો અભ્યાસ અને સ્વરૂપરમણતાની જમાવટ-બસ આજ એક ઉપાય છે. હવે કહે છે. --
‘બાહ્ય વ્યવહારચારિત્ર છે તે આના જ સાધનરૂપ છે; અને આના વિના વ્યવહાર ચારિત્ર શુભકર્મને બાંધે છે, મોક્ષનો ઉપાય નથી.’
બાહ્ય વ્યવહારચારિત્ર છે તે આના જ સાધનરૂપ છે-એટલે શું? કે જેને અંતરંગમાં સ્વરૂપની રમણતારૂપ સાધન પ્રગટયું છે તેને સહચરપણે રાગાંશ વિદ્યમાન હોય છે તેને વ્યવહારથી સાધન કહીએ છીએ. આ (વ્યવહાર) સાધનથી સાધ્ય પ્રગટે છે એમ અર્થ નથી. સાધ્ય નામ મોક્ષનું સાધન તો સ્વરૂપરમણતા જ છે. પણ રાગાંશને તેનો સહચર વા નિમિત્ત જાણી તેને વ્યવહારથી સાધન કહેવામાં આવે છે; તે કાંઈ વાસ્તવિક સાધન નથી. સમજાણું કાંઈ...?
વાસ્તવિક સાધન વિના વ્યવહારચારિત્ર કાંઈ જ નથી, અર્થાત્ તે શુભકર્મને જ બાંધે છે. અહાહા...! અંતરંગમાં શુદ્ધ સ્વરૂપના આશ્રયે સ્વાનુભવ અને સ્વરૂપલીનતા થયા વિના વ્રત, તપ આદિ જે રાગના પરિણામ છે તે પુણ્યબંધનું જ કારણ થાય છે, તે ભવબંધનું જ કારણ થાય છે, તે કાંઈ મોક્ષનો ઉપાય નથી.
અહા! પોતાના સ્વરૂપના ભાન વિના કોઈ રાજ્ય છોડે, રાણીઓ છોડે, પંચમહાવ્રતનું પાલન કરે, પણ એ બધી ક્રિયા બંધનું-સંસારનું જ કારણ થાય છે. અંદર આત્મા પોતે વીતરાગસ્વભાવી છે તેમાં લીનતા-સ્થિરતા થતાં ચારિત્ર પ્રગટે છે. તેને સહચરપણે મંદરાગ હોય છે તેને વ્યવહાર સાધન કહેવામાં આવે છે. પરંતુ સમકિત થયા વિના એકલા ક્રિયાકાંડ-વ્રત, તપ, ભક્તિ આદિ સંસારનું જ કારણ બને છે; તે મોક્ષનું કારણ નથી.
આત્મા અતીન્દ્રિય આનંદનું દળ છે. તેનો અનુભવ કરવો અને તેની લીનતા કરવી તે મોક્ષમાર્ગ છે. તે વિનાના કોરા ક્રિયાકાંડ તે મોક્ષનો ઉપાય નથી, બંધનનો માર્ગ છે. આવી ચોકખી વાત છે. ભાઈ! વ્રતાદિના રાગને કોઈ મોક્ષનું કારણ માને તો તે અજ્ઞાની છે. અહીં આ સ્પષ્ટ કહે છે કે-આત્માના અનુભવ વિના વ્યવહારચારિત્ર શુભકર્મને બાંધે, પુણ્યને બાંધે; તેનાથી ભવ મળશે, મોક્ષ નહિ. આવી વાત છે.
ફરી કાવ્ય કહે છેઃ-
‘पूर्व–भाव–कृत–कर्म–विषद्रुमाणां फलानि यः न भुंक्ते’ પૂર્વે અજ્ઞાનભાવથી કરેલાં જે કર્મ તે કર્મરૂપી વિષવૃક્ષોનાં ફળને જે પુરુષ (તેનો સ્વામી થઈને) ભોગવતો નથી અને