૧૬૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
૩. વિભાવથી ભિન્ન પડી અંદર ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતાનો અભ્યાસ કરવો તે સ્વભાવ ક્રિયા છે, ધર્મની ક્રિયા છે. આનું નામ ચારિત્ર છે.
પર જીવોની દયા પાળવી તે ચારિત્ર એમ નહિ; બાપુ! પરની દયા તો કોણ કરી શકે છે? પરને કોણ બચાવી શકે છે? સામા જીવનું આયુષ્ય હોય તો બચે છે, બાકી કોણ બચાવે? ભાઈ! તું (-આત્મા) જેવડો અને જેટલો છું તેવડો ને તેટલો માની ને તેમાં ઠરે તે સાચી દયા છે, સ્વદયા છે. સ્વદયા તે સાચી દયા, બાકી તો વ્યવહાર છે. મુનિરાજને પણ પર દયાનો ભાવ આવે, પણ તે પુણ્ય છે, ધર્મ નહિ, વાસ્તવિક દયા નહિ. અહીં ચારિત્રવંત ધર્મી પુરુષ કહે છે- શુભાશુભભાવની ક્રિયામાં વિહાર કરવાથી મારી વૃત્તિ નિવૃત્ત છે. અહા! સ્વદેશમાં-નિજ ચૈતન્યધામમાં-વિહાર કરવાનું છોડી પુણ્ય-પાપરૂપ પરદેશમાં હવે અમે કેમ ભટકીએ?
બેનશ્રીના વચનામૃતમાં આવે છે કે- વિભાવ તે અમારો દેશ નહિ, એ તો પરદેશ છે. અહીં ધર્મી પુરુષ કહે છે- નિજાનંદમય સ્વદેશને છોડી વિભાવરૂપ પરદેશમાં વિહાર કરવાથી અમારી વૃત્તિ નિવૃત્ત છે. હવે આવી વાત સાંભળવાય મળે નહિ તે બિચારા શું કરે? સ્વરૂપ સંપદાની ખબર વિના તેઓ બિચારા રાંકા દુઃખી છે. આ અબજોપતિ બધા રાંકા દુઃખી છે હો. બહુ આકરી વાત બાપા!
આ તો ચારિત્રની વ્યાખ્યા છે. સ્વરૂપમાં અંદર રમવું તેનું નામ ચારિત્ર છે. આત્મા (-પરિણતિ) આત્મારામમાં ચરે-રમે તેને ચારિત્ર કહીએ. ધર્મી પુરુષ કહે છે- ‘अचलस्य मम’ એમ આત્મતત્ત્વના ભોગવટામાં અચળ એવા મને, ‘इयम् काल–आंवली’ આ કાળની આવલી કે જે ‘अनन्ता’ પ્રવાહરૂપે અનંત છે તે, ‘वहतु’ આત્મતત્ત્વના ભોગવટામાં જ વહો -જાઓ. (ઉપયોગની વૃત્તિ અન્યમાં કદી પણ ન જાઓ).
જુઓ, આ ધર્માત્માની ભાવના! તે અનંતકાળ પર્યંત સ્વસ્વરૂપમાં જ રહેવાની ભાવના કરે છે.
‘આવી ભાવના કરનાર જ્ઞાની એવો તૃપ્ત થયો છે કે જાણે ભાવના કરતાં સાક્ષાત્ કેવળી જ થયો હોય; તેથી તે અનંતકાળ સુધી એવો જ રહેવાનું ચાહે છે. અને તે યોગ્ય જ છે; કારણ કે આ જ ભાવનાથી કેવળી થવાય છે. કેવળજ્ઞાન ઉપજવાનો પરમાર્થ ઉપાય આ જ છે.’
જુઓ, આ અંતર-રમણતાની ચારિત્રની વાત છે. સમ્યગ્દર્શન પછી અંદર જેને સ્વરૂપ-રમણતાની જમાવટ થઈ છે તે એવો તૃપ્ત-તૃપ્ત થયો છે કે ભાવના કરતાં કરતાં જાણે સાક્ષાત્ કેવળી જ થયો હોય. હવે તેને સ્વસ્વરૂપમાંથી બહાર નીકળવું જ ગમતું નથી; અનંત કાળ સ્વરૂપમાં જ રહેવા ચાહે છે. પં. જયચંદજી કહે છે- તે યોગ્ય જ