જેનું લક્ષણ છે એવું આત્મતત્ત્વ છું. શું કીધું? આ રળવા-કમાવાના ભાવ જે તને થાય છે તે પાપતત્ત્વ છે, ને દયા, દાનના ભાવ પુણ્યતત્ત્વ છે. અને એનાથી ભિન્ન અંદર ચૈતન્યના ઉપયોગસ્વરૂપ આત્મતત્ત્વ છે. ભાઈ! ભગવાન કેવળી દેવાધિદેવ અરિહંત પરમાત્માએ ઈન્દ્રો ને ગણધરોની ઉપસ્થિતિમાં ધર્મસભામાં ફરમાવેલી આ વાત છે. જુઓ, જ્ઞાની પુરુષ કહે છે-હું ચૈતન્યલક્ષણ એક આત્મતત્ત્વને અતિશયપણે ભોગવું છું. જુઓ, આ ધર્મની રીત!
અરે, અજ્ઞાની જનો રાતદિવસ (પુણ્ય-પાપના વિકલ્પોની) મજુરી કર્યા કરે છે, પણ પોતાની જરાય દરકાર કરતા નથી. તેથી ઘણા જીવો તો બિચારા મરીને ઢોરમાં ચાલ્યા જાય છે. પુણ્ય-પાપના ભાવ મારા-એમ સ્વભાવ વિરુદ્ધ આડોડાઈ કરીને! એ આડોડાઈના ફળમાં શરીર પણ આડાં ઢોરનાં મળે છે. અને માંસ ખાનારા, મદિરાનું સેવન કરનારા ને શિકાર ખેલનારા બધા હિંસક જીવો નરકમાં જાય છે. ત્યાં તેઓ અતિ તીવ્ર અસહ્ય દુઃખો ભોગવે છે. આવા હિંસક લોકોની નરકમાં પાર્લામેન્ટ મળે છે, ત્યાં તેઓ પરસ્પર વેર વસુલ કરે છે ને તીવ્ર દુઃખ સહે છે. વળી કોઈ જીવો દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વિશેષ શુભભાવ વડે મરીને સ્વર્ગે જાય છે. ત્યાં પણ મિથ્યાદર્શન વડે તેઓ દુઃખી જ છે. કાંઈક સરળતા હોયને પુણ્ય ઉપજાવે તો જીવ મરીને મનુષ્યપણું પામે છે. આ ચારેય ગતિમાં જીવ ભમ્યાં જ કરે છે ને દુઃખી થયા કરે છે જ્યારે ધર્મી પુરુષ કહે છે- અમે તો પુણ્ય-પાપથી રહિત થઈને એક આત્માના આનંદને ભોગવીએ છીએ, અમે અતિશયપણે સુખી છીએ. આવે છે ને કે--
અહા! ચૈતન્યલક્ષણે લક્ષિત નિજ શુદ્ધાત્માને ધર્મી પુરુષ અનુભવે છે; તે મહા સુખી છે. અહા! આત્મતત્ત્વના ભોગવટા સિવાયની અન્ય જે ક્રિયા-વિભાવક્રિયા તેમાં ધર્મી પુરુષની પરિણતિ વિહાર કરતી નથી, પ્રવર્તતી નથી. અહા! ધર્મી કહે છે- જેટલા પુણ્ય-પાપના ભાવ છે તે વિકારી ભાવ મારી ભોગવવાની ક્રિયાથી અનેરા છે, જુદા છે; તે દુઃખના ભાવમાં મારી વૃત્તિ વિહાર કરતી નથી; અતીન્દ્રિય આનંદને ભોગવવા સિવાયની અન્ય હરકોઈ ક્રિયામાં મારી વૃત્તિ વિહાર કરતી નથી.
જુઓ ક્રિયાના ત્રણ પ્રકાર છેઃ ૧. શરીર, મન, વાણીની ક્રિયા તે જડની ક્રિયા છે; તેને આત્મા કરતો નથી. ૨. પુણ્ય-પાપના ભાવ થાય તે વિભાવ ક્રિયા છે, તે દુઃખરૂપ છે; જ્ઞાનીની વૃત્તિ તે ક્રિયાથી નિવૃત્ત છે.