૧૬૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ લક્ષ છોડી દઈને જ્ઞાનાનંદસ્વરૂપ નિજ ત્રિકાળી આત્મવસ્તુની દ્રષ્ટિ કરી તેમાં એકાગ્ર થતાં જે દશા પ્રગટે તે જ્ઞાનચેતના છે, અને આ જ્ઞાનચેતના ભવનો અંત લાવનારી છે.
અમેરિકામાં કોઈ જાય અને ત્યાં માસિક દસ-વીસ હજાર ડોલર મળે એટલે માની લે કે અમે સુખી; પણ બાપુ! એ ધૂળમાં (-ડોલરમાં, ધનમાં) ક્યાં સુખ છે? અજ્ઞાની પાગલ લોકો તેમાં સુખ માનો તો માનો, વાસ્તવમાં તો તેના લક્ષે જીવ દુઃખી જ છે, અહાહા...! સુખનો ભંડાર તો અંદર સુખધામ પ્રભુ નિજ જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છે. આવા નિજ સ્વરૂપની સન્મુખ થઈ તેના શરણમાં જતાં, તેમાં જ એકાગ્ર થતાં જ્ઞાનચેતના પ્રગટ થાય છે, અને તે ભવનો અંત કરનારી અને પરમ સુખની દેનારી છે; એને ધર્મ કહેવામાં આવે છે. બાકી પરના લક્ષે થનારા પુણ્ય-પાપના ભાવ તો ચારગતિમાં પરિભ્રમણ કરાવનારા દુઃખના ભાવ છે. શુભભાવ આવે એય દુઃખરૂપ જ ભાવ છે. સમજાણું કાંઈ...?
કોઈ પાંચ-પચીસ લાખ દાનમાં આપે અને ત્યાં રાગની મંદતા હોય તો તેને પુણ્યબંધ થાય, ધર્મ નહિ. વળી દાન આપતી વેળા મેં પૈસા આપ્યા એવું જો અંદર શલ્ય હોય તો તો એકલું પાપ જ બાંધે. બહુ આકરી વાત બાપા! પણ શું થાય? વસ્તુસ્થિતિ આવી છે. કદાચિત્ રાગની મંદતા કરી હોય તો તે વડે પુણ્યબંધ થાય; પણ બંધ જ થાય, ધર્મ નહિ; કેમકે તે શુભભાવ પણ આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે; અંદર સચ્ચિદાનંદ પ્રભુ વિરાજે છે તેને ઘાયલ કરનારો તે વિરુદ્ધ ભાવ છે. આવી વાત છે. સમજાણું કાંઈ..?
અહીં જેને જ્ઞાનચેતના પ્રગટ થઈ છે તે જ્ઞાની કહે છે- રાગરૂપી કર્મ અને તેનું ફળ-એ મારી ચીજ નહિ; હું તો જ્ઞાનસ્વરૂપ છું. સમસ્ત કર્મના ફળનો સંન્યાસ કરવાથી ચૈતન્ય જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્મતત્ત્વને હું અતિશયપણે ભોગવું છું. અહાહા...! કહે છે-શુભાશુભ ભાવ અને તેનાથી થતા હરખ-શોકના ભાવ-તેનો ત્યાગ કરીને હું ચૈતન્યલક્ષણ એક નિજતત્ત્વને અતિશયપણે અનુભવું છું. અહાહા...! જાણવું-દેખવું એક જેનું લક્ષણ છે એવા આનંદના નાથ પરમાનંદસ્વરૂપ પ્રભુ નિજ આત્મસ્વરૂપને હું સંચેતું- વેદું છું, ભોગવું છું. આવી વાત!
અરે! ૮૪ લાખ યોનિમાં અવતાર ધરીધરીને અનંતકાળ એ રઝળી મર્યા છે! મોટો અબજોપતિ પણ અનંતવાર થયો અને ભટકતો ભિખારી પણ અનંતવાર થયો. ઢોરમાં અને નરકમાં પણ અનંતવાર જન્મ્યો. ભાઈ! તારા જન્મ-મરણના દુઃખની શું કથની કહીએ? ક્યાંય પણ તને આત્માની સુખ-શાન્તિ ન મળ્યાં; કેમકે સુખનો ભંડાર તો પોતે છે તેની નજર કરી નહિ.
અરે ભાઈ; તું વિચાર તો ખરો કે તું કોણ છો? અહીં કહે છે-હું તો ચૈતન્ય