ધ્યાવે છે.” અહાહા...! શુદ્ધોપયોગના ફળમાં જે પરમાનંદમય દશા પ્રગટી તેમાં સાદિ અનંતકાળ તેઓ મગ્ન રહે છે. આવી વાત! સમજાણું કાંઈ...?
(સકળ કર્મોના ફળનો ત્યાગ કરી જ્ઞાનચેતનાની ભાવના કરનાર જ્ઞાની કહે છે કેઃ) ‘एवं’ પૂર્વોક્ત રીતે ‘निःशेष–कर्म–फल–संन्यसनात्’ સમસ્ત કર્મના ફળનો સંન્યાસ કરવાથી ‘चैतन्य–लक्ष्म आत्मतत्त्वं भृशम्’ भजतः सर्व–क्र्रियान्तर–विहार–निवृत्त–वृत्तः’ હું ચૈતન્ય જેનું લક્ષણ છે એવા આત્મતત્ત્વને અતિશયપણે ભોગવું છું અને તે સિવાયની અન્ય સર્વ ક્રિયામાં વિહારથી મારી વૃત્તિ નિવૃત્ત છે (અર્થાત્ આત્મતત્ત્વના ભોગવટા સિવાયની અન્ય જે ઉપયોગની ક્રિયા-વિભાવરૂપ ક્રિયા-તેમાં મારી પરિણતિ વિહાર કરતી નથી-પ્રવર્તતી નથી);
અહાહા......! જ્ઞાની કહે છે કે..... , જ્ઞાની એટલે? નિજ ચૈતન્યસ્વભાવના આશ્રયે જેણે અંદર જ્ઞાનચેતના પ્રગટ કરી છે તે જ્ઞાની છે.
ભાઈ! આ શરીર તો જડ માટી-ધૂળ છે. ભગવાન આત્મા એનાથી ભિન્ન ચીજ છે. મરી જાય ત્યારે દેહથી ભિન્ન એમ નહિ, અત્યારે પણ દેહથી આત્મા ભિન્ન વસ્તુ છે. અરે, મરે કોણ? જડ કે ચેતન? કોઈ જ મરતું નથી; ફક્ત દેહની (પરમાણુની) અવસ્થા બદલી જાય છે. હાડ-માંસનું પોટલું છે તે બદલીને મસાણની રાખ થાય છે; બસ. તે કાંઈ આત્મા નથી. વળી પર્યાયમાં થતા વિકારી ભાવોથી પણ અંદર શુદ્ધ ચૈતન્ય તત્ત્વ ભિન્ન છે. બાપુ! વિકારવાળો અજ્ઞાનીએ પોતાને માન્યો છે. એ તો એની મિથ્યા કલ્પના છે, ભ્રમ છે, વસ્તુ ક્યાં એવી છે? ભગવાન સર્વજ્ઞદેવ ફરમાવે છે કે તારું ચૈતન્યતત્ત્વ અંદર કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન છે. વિકારી ભાવમાં એકાગ્ર થઈ ને ચેતવું તે કર્મચેતના છે, ને તેમાં હરખ-શોક થાય તે કર્મફળચેતના છે; બન્ને દુઃખદાયક છે. અહાહા...! એ બન્નેથી ભિન્ન પડી અંદર ચિન્માત્ર નિજ સ્વરૂપના આશ્રયે જ્ઞાનચેતના પ્રગટ કરી છે તેને જ્ઞાની કહીએ.
આત્મા વસ્તુ ત્રિકાળ છે, તેનો જ્ઞાનાનંદસ્વભાવ પણ ત્રિકાળ છે. અહા! આવા નિજ સ્વભાવનું ભાન કરી અંતર-એકાગ્રતાથી આનંદની રમતમાં જોડાવું તેનું નામ જ્ઞાનચેતના છે. જુઓ, ઈન્દ્રિયના વિષયોને આત્મા ભોગવતો નથી, કેમકે તેઓ જડ માટી-ધૂળ છે. પણ ભોગ-વિષય મારા છે, મને તેમાં ઠીક છે એવો જે ભાવ-અભિપ્રાય છે તે મહાપાપ છે. તે વિકારી ભાવનું વેદન તે પાપનું વેદન છે, દુઃખનું વેદન છે. અહા! તેના તરફનું