Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3617 of 4199

 

૧૬૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ છે, એને નવું બંધન થતું નથી. આ સમયસાર તો મોટો દરિયો છે બાપા! જ્ઞાનીને કિંચિત્ અશુદ્ધતા થાય છે, પણ તત્કાલ તે ખરી-નિર્જરી જાય છે, તેને નવીન બંધ થતો નથી. આવી ઝીણી વાત છે.

આત્મામાં અનંતા ગુણ અને પર્યાયનાં અનંતાં પાસાં છે. વિકારી-અવિકારી પર્યાયોનો સમુદાય તે દ્રવ્ય-એમ મોક્ષમાર્ગપ્રકાશકમાં સાતમા અને નવમા અધિકારમાં કહ્યું છે. અહા! શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે. અશુદ્ધ પર્યાય પણ અંદર દ્રવ્યમાં છે, તે દ્રવ્યની વસ્તુ છે. પૂર્વે અશુદ્ધતા હતી, ને વર્તમાન અશુદ્ધતા છે એમ જે ન માને તેને (-તે નિશ્ચયાભાસીને) આ કહ્યું છે કે શુદ્ધ પર્યાયો અને અશુદ્ધ પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે. અહો! મોક્ષમાર્ગપ્રકાશકમાં સ્યાદ્વાદ શૈલીથી તત્ત્વનું સ્વરૂપ-દ્રવ્ય-પર્યાયની શુદ્ધતા-અશુદ્ધતા જેમ જે રીતે છે તેમ અત્યંત સ્પષ્ટ કરવામાં આવેલ છે. અહો! સમકિતી જીવનું જ્ઞાન- શ્રદ્ધાન યથાતથ્ય હોય છે. ત્યાં રહસ્યપૂર્ણ ચિટ્ઠીમાં કહ્યું છે કે-તીર્યંચના જીવનું સમકિત અને સિદ્ધનું સમકિત સમાન છે; બેના સમકિતમાં ફરક નથી. સ્થિરતામાં ફેર છે.

અહીં કહે છે- ચારિત્રવંત ધર્મી પુરુષ ‘स्वतः एव तृप्तः’ પોતાના સ્વરૂપથી જ તૃપ્ત છે, અર્થાત્ અતીન્દ્રિય આનંદનો મહાસાગર તેને પર્યાયમાં ઉછળે છે. કિંચિત્ રાગ થાય તેને તે માત્ર જાણે જ છે. અહા! નિજ નિર્મળ જ્ઞાનાનંદ-સ્વભાવનો અનુભવી જ્ઞાની પૂર્વકર્મના ફળમાં જોડાતો નથી. સ્થિરતાભર્યા આચરણમાં રમતા મુનિવરને વર્તમાનમાં રમણીય સુખનો અનુભવ વર્તે છે, અને ભવિષ્યમાં તેનું ફળ આવે તે પણ રમણીય નિષ્કર્મ પૂરણ સુખમય દશા છે. હવે ચારિત્રની આવી વાત છે, ત્યારે લોકો ચારિત્રને દુઃખદાયક માને છે. એમ કે ચારિત્ર ધારવું તે લોઢાના ચણા ચાવવા જેવું કષ્ટદાયક છે. અરે ભાઈ! તને ચારિત્રના વાસ્તવિક સ્વરૂપની ખબર નથી, જો તો ખરો, મુનિપદ અંગીકાર કરનારો દીક્ષાર્થી માતા પાસે આજ્ઞા માગવા જાય ત્યારે એમ કહે છે કે-જનેતા! હું આનંદને સાધવા વનવાસ જાઉં છું; માતા! મને રજા દે. માતા! હું કોલકરાર કરીને કહું છું કે સ્વરૂપની રમણતામાં સ્થિર થઈને હું પરમ સુખની સિદ્ધિને પામીશ; માતા! હવે હું બીજી માતા નહિ કરું, બીજી માતાની કૂખે હવે હું નહિ અવતરું. ભાઈ! ચારિત્ર તો આવા પરમ સુખનું દેનારું છે.

ચારિત્ર કોઈ અલૌકિક ચીજ છે બાપુ! અતીન્દ્રિય આનંદના સ્વરૂપમાં રમવું તે ચારિત્ર છે. સ્વરૂપની રમણતાની ઉગ્રતા તે તપ છે. આ બહારના ઉપવાસ કરે તે તપ એમ નહિ. સ્વરૂપની રમણતાનો ઉગ્ર પુરુષાર્થ કરે ત્યાં ઈચ્છાનો સહેજે અભાવ વર્તે તેનું નામ તપ છે. જેમાં અતિ પ્રચુર આનંદનું વેદન છે એવી સ્વરૂપલીનતા તે ચારિત્ર છે અને તે આનંદની ધારા વર્દ્ધમાન થતી થકી મુક્તિ-પૂર્ણાનંદની દશા થઈ જાય છે. કહ્યું ને અહીં કે- વર્તમાન કાળમાં ચારિત્ર રમણીય સુખમય અને ભવિષ્યકાળમાં તેનું ફળ