જે આવે તે પણ રમણીય નિષ્કર્મ સુખમય દશાંતર છે. અહો! ચારિત્રવંત પુરુષ અંતર- લીનતાના અતિ ઉગ્ર પુરુષાર્થ વડે પૂર્વે સંસાર દશામાં કદીય થઈ ન હોતી એવી વિશિષ્ઠ પ્રકારની સર્વકર્મરહિત સ્વાધીન સુખમય પૂર્ણાનંદની દશાને પામે છે. અહા! એક શ્લોકમાં કેટલું ભર્યું છે! ભગવાનની દિવ્યધ્વનિનો સાર ભર્યો છે.
‘જ્ઞાનચેતનાની ભાવનાનું આ ફળ છે. તે ભાવનાથી જીવ અત્યંત તૃપ્ત રહે છે- અન્ય તૃષ્ણા રહેતી નથી, અને ભવિષ્યમાં કેવળજ્ઞાન ઉપજાવી સર્વ કર્મથી રહિત મોક્ષ- અવસ્થાને પામે છે.’
જુઓ, રાગમાં એકાગ્ર થવું તે કર્મચેતના છે અને હરખ-શોકમાં એકાગ્ર થવું તે કર્મફળચેતના છે. તેનાથી ભિન્ન અંદર ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વભાવી ચિન્માત્ર વસ્તુ છે તેમાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે. તે જ્ઞાનચેતનાની ભાવનાનું, કહે છે, આ ફળ છે કે તે ભાવનાથી જીવ અત્યંત તૃપ્ત રહે છે; અહા! તેના અંતરંગમાં સ્વરૂપરમણતા વડે અતીન્દ્રિય આનંદનાં એવાં ઝરણાં ઝરે છે કે તેને અન્ય તૃષ્ણા રહેતી નથી. આ ચારિત્ર દશાની વાત છે.
ભાઈ! છઠ્ઠા ગુણસ્થાને મહાવ્રતનો વિકલ્પ આવે તે પ્રમાદ છે, તે જગપંથ છે. કોઈને એમ થાય કે ચોથે ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને આસ્રવ-બંધ નથી એમ કહો છો ને વળી છઠ્ઠે ગુણસ્થાને વ્રતાદિના વિકલ્પ જગપંથ! આ કેવું?
અરે ભાઈ! ચોથે ગુણસ્થાને આસ્રવ-બંધ નથી એમ કહ્યું એ તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીના અભાવની અપેક્ષાએ કહ્યું છે. અને છઠ્ઠે ગુણસ્થાને મહાવ્રતના વિકલ્પ આવે તે પ્રમાદ છે તે અપેક્ષા તેને જગપંથ કહ્યો. મુનિરાજને જેટલી અંતરંગમાં નિર્મળતા પ્રગટી છે તે તો મોક્ષમાર્ગ જ છે, અને જેટલો પ્રમાદ-રાગાંશ વિદ્યમાન છે તેને જગપંથ કહ્યો. રાગ છે તે જગપંથ છે. ભાઈ! આ સમજવાનો આ અવસર છે.
આત્માના સ્વરૂપમાં એકાગ્ર થાય તે જ્ઞાનચેતના સુખમય છે, આનંદમય છે. અતીન્દ્રિય આનંદના સ્વાદવાળી તે જ્ઞાનચેતના વડે જીવ એવો તૃપ્ત છે કે તેને બીજી કોઈ તૃષ્ણા રહેતી નથી. જુઓ, આ પંચમ આરાના મુનિરાજ આ કહે છે. તેઓ કહે છે કે આ દેહ છૂટીને અમે સ્વર્ગમાં જાશું, પણ અમને તેની તૃષ્ણા નથી. અમે અમારા સ્વરૂપમાં અતિ તૃપ્ત છીએ, અમને ભવસુખની તૃષ્ણા નથી. અહો! આવા મુનિવરો સ્વરૂપમાં ઉગ્રપણે તલ્લીન પ્રવર્તીને કેવળજ્ઞાન ઉપજાવી કર્મરહિત સ્વાધીન સુખમય એવી પરમ ઉત્કૃષ્ટ મોક્ષદશાને પામે છે. મુનિવરો મહાવ્રતની ક્રિયાને કરતાં