૧૬૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ કરતાં મોક્ષ પામે છે એમ નહિ, પણ તેને ઓળંગી જઈને સ્વરૂપમાં તૃપ્ત થયા થકા સ્વરૂપમાં જ ઠરી જઈને પરમાનંદદશાને પામે છે. આ વસ્તુસ્થિતિ છે.
‘પૂર્વોક્ત રીતે કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગની ભાવના કરીને અજ્ઞાનચેતનાના પ્રલયને પ્રગટ રીતે નચાવીને, પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, જ્ઞાનચેતનાને નચાવતા થકા જ્ઞાનીજનો સદાકાળ આનંદરૂપ રહો’ - એવા ઉપદેશનું કાવ્ય હવે કહે છેઃ-
‘अविरतं कर्मणः तत्फलात् च विरतिम् अत्यन्तं भावयित्वा’ જ્ઞાની જનો, અવિરત પણે કર્મથી અને કર્મના ફળથી વિરતિને અત્યંત ભાવીને (અર્થાત્ કર્મ અને કર્મફળ પ્રત્યે અત્યંત વિરક્તભાવને નિરંતર ભાવીને), ‘अखिल–अज्ञान–सञ्चेतनायाः प्रलयनम् प्रस्पष्टं नाटयित्वा’ (એ રીતે) સમસ્ત અજ્ઞાનચેતનાના નાશને સ્પષ્ટપણે નચાવીને, ‘स्व–रस–परिगतं स्वभावं पूर्ण कृत्वा’ નિજ રસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, ‘स्वां ज्ञानसञ्चेतनाम् सानन्दं नाटयन्तः इतः सर्वकालं प्रशम्–रसम् पिबन्तु’ પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી સદાકાળ પ્રશમરસને પીઓ. (અર્થાત્ કર્મના અભાવરૂપ આત્મિક રસને-અમૃતરસને-અત્યારથી માંડીને અનંતકાળ પર્યંત પીઓ. આમ જ્ઞાનીજનોને પ્રેરણા છે.)
પુણ્ય-પાપના ભાવનું કરવું તે કર્મચેતના અને તેનું ફળ જે હરખ-શોક તેને ભોગવવું તે કર્મફળચેતના-તે બન્નેની નિવૃત્તિને નિરંતર ભાવીને, એ રીતે સમસ્ત અજ્ઞાનચેતનાના નાશને સ્પષ્ટ નચાવીને, નિજરસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી સદાકાળ પ્રશમરસને પીઓ, વીતરાગભાવના રસને પીઓ. જુઓ, આ પૂર્ણાનંદની પ્રાપ્તિની વિધિ. અહા! વિકલ્પના રસ તો ઝેરના પ્યાલા છે; સંસારમાં રખડતાં તે અનંતકાળ પીધા. હવે, કહે છે. અજ્ઞાનચેતનાનો નાશ કરી, સહજ નિજ સ્વભાવ-જ્ઞાનાનંદ સ્વભાવના પૂર્ણ આલંબન વડે પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા સદાકાળ ચૈતન્યરસને-અમૃતરસને અનંતકાળ સુધી પીઓ. આચાર્ય મહોદયની જ્ઞાનીજનોને આ પ્રેરણા છે.
‘પહેલાં તો ત્રણે કાળ સંબંધી કર્મના કર્તાપણારૂપ કર્મચેતનાના ત્યાગની ભાવના (૪૯ ભંગપૂર્વક) કરાવી. પછી ૧૪૮ કર્મ પ્રકૃતિના ઉદયરૂપ કર્મફળના ત્યાગની ભાવના કરાવી. એ રીતે અજ્ઞાનચેતનાનો પ્રલય કરાવીને જ્ઞાનચેતનામાં પ્રવર્તવાનો ઉપદેશ કર્યો.