છે. એ જ્ઞાનચેતના સદા આનંદરૂપ-પોતાના સ્વભાવના અનુભવરૂપ-છે. તેને જ્ઞાનીજનો સદા ભોગવો-એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.’
શું કહે છે? કે પૂર્વે જે પુણ્ય-પાપના ભાવ થયા હતા, વર્તમાન થાય છે ને ભવિષ્યમાં થશે- તે કર્મચેતના છે. તેનો મન-વચન-કાયાથી, કૃત-કારિત-અનુમોદના ઈત્યાદિ વડે ૪૯ ભંગપૂર્વક ત્યાગ કરાવ્યો. કર્મ એટલે અહીં જડકર્મની વાત નથી. પુણ્ય- પાપના ભાવ થાય તે કર્મ નામ કાર્ય, -તેની ચેતના અર્થાત્ તેનું કર્તાપણું તે મિથ્યાત્વભાવ છે. વળી તેનું ફળ જે હરખ-શોક તેનું વેદન-ભોગવવું તે ઝેરનું વેદન છે. તેનો ત્યાગ કરાવ્યો છે. કર્મચેતના અને કર્મફળચેતના તે શયનદશા છે, દુઃખની દશા છે; અને જ્ઞાનચેતના તે જાગૃત દશા છે, આનંદરૂપ દશા છે. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાનચેતના જાગ્રત દશા છે; તે જ્ઞાનચેતના પ્રગટતાં અજ્ઞાનચેતનાનો વિલય થાય છે, અભાવ થાય છે. અહીં કહે છે- આ રીતે અજ્ઞાનચેતનાનો પ્રલય કરાવીને જ્ઞાનચેતનારૂપ સદા પ્રવર્તો. આવી વાત છે.
મૂળ તો શુભ-અશુભ ભાવ તે આત્માનું કોઈ નિજ સ્વરૂપ નથી; એ તો વિભાવ અર્થાત્ વિરુદ્ધ ભાવ છે, અને વિભ્રમ તેનું મૂળ છે. શું કીધું? આ પુણ્ય-પાપના ભાવ થાય તેનું વિભ્રમ મૂળ છે. હવેની ગાથામાં આ વાત આવે છે. પુણ્ય-પાપના ભાવ થાય છે આત્માની પર્યાયમાં, માટે તે આત્મા છે એમ કહીએ. મતલબ કે શુભ-અશુભભાવ થાય તેને પરદ્રવ્ય સાથે સંબંધ નથી, પરદ્રવ્ય એનું કર્તા નથી. ભ્રમણા જ વિકારી ભાવ ઉત્પન્ન થવાનું મૂળ છે, તેનાથી પુણ્ય-પાપના ભાવની ઉત્પત્તિ છે. ભ્રમણા ગયા પછી વિકારી ભાવ ઉત્પન્ન થતા નથી. પછી તો તે જ્ઞાનનું જ્ઞેય છે. પર્યાયદ્રષ્ટિ-ભ્રમણા છોડી, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકતાં પુણ્ય-પાપના ભાવ દૂર થઈ જાય છે, પછી વિશેષ વિશેષ સ્થિર થતાં ચારિત્ર થાય છે- એમ અહીં સિદ્ધ કરવું છે.
જુઓ, ભગવાન આત્મા અનંતગુણમણિ-ખાણ ચૈતન્યરત્નાકર પ્રભુ છે. તેમાં અનંત ગુણ-શક્તિઓ છે, પણ વિકારને ઉત્પન્ન કરે એવી કોઈ શક્તિ નથી. અહાહા...! વસ્તુના સ્વભાવમાં શુભાશુભ ઉત્પન્ન થાય એવી કોઈ શક્તિ નથી.
તો પછી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે તેનું શું? પર્યાયબુદ્ધિથી-ભ્રમણાથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. પોતાના ત્રિકાળી શુદ્ધ એક ચૈતન્ય-સ્વરૂપનું એને જ્ઞાન-શ્રદ્ધાન નથી એ ભ્રમણા છે. વર્તમાન પર્યાયમાત્ર હું છું એ એની ભ્રમણા છે. એ ભ્રમણા જ રાગદ્વેષની-વિકારની ઉત્પત્તિનું કારણ છે.
અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ ત્રણલોકનો નાથ છે. એની એક સમયની પર્યાયમાં ત્રણકાળ ત્રણલોકને જાણવાનું સામર્થ્ય છે. અહાહા...! એની એક સમયની પર્યાય સ્વ-પર સહિત અનંતા દ્રવ્ય-ગુણ-પર્યાયને-પૂરા લોકાલોકને જાણે એવા