૧૭૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ સામર્થ્યવાળી છે. હવે આવા સામર્થ્યવાળી પોતાની પર્યાયની જેને ખબર નથી તે પર્યાયવાન નિજદ્રવ્યના અનંતા સામર્થ્યને શું જાણે? અહા! એક સમયની વર્તમાન પર્યાય પાછળ અંદર બેહદસ્વભાવભરેલું ત્રિકાળી સત્ત્વ પડયું છે, તે ત્રિકાળી સત્ને જેણે અંતર્દષ્ટિ કરી જાણ્યું તેને દ્રવ્યદ્રષ્ટિ થઈ છે. તેને મિથ્યાત્વ-ભ્રમણા નથી, તે સમ્યગ્દ્રષ્ટિ છે. તેને પુણ્ય-પાપના ભાવ ઉત્પન્ન થતા નથી; અર્થાત્ તેને હવે કર્મચેતનાનો ને કર્મફળચેતનાનો દ્રષ્ટિમાં ત્યાગ થયો છે; અને તેના ત્યાગની ભાવના કરીને જ્ઞાનચેતનામાં પ્રવર્તવાનો અહીં ઉપદેશ છે.
અહા! કેવી છે જ્ઞાનચેતના? સદા આનંદરૂપ-પોતાના સ્વભાવના અનુભવરૂપ છે. જ્ઞાનચેતના નિજ સ્વભાવના અનુભવરૂપ સદા આનંદરૂપ છે એ અસ્તિથી વાત કરી, નાસ્તિથી કહીએ તો તે શુભાશુભને કરવા-ભોગવવાના ભાવના અભાવરૂપ છે. અહાહા..! આત્મા ચૈતન્યરત્નાકર પ્રભુ છે. તે પુણ્ય-પાપરૂપ વિભાવને કેમ કરે? જ્ઞાનાનંદના અનુભવરૂપ જ્ઞાનચેતનાને છોડી તે વિભાવને-શુભાશુભને કેમ કરે? આચાર્ય કહે છે- જ્ઞાનીજનો જ્ઞાનચેતનાને સદા ભોગવો; આનંદરસને સદા પીઓ.
બેનશ્રીના વચનામૃતમાં આવે છે ને કે- “જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે. જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે.” તે વિચારે છે-
“આ વિભાવભાવ અમારો દેશ નથી. આ પરદેશમાં અમે ક્યાં આવી ચડયા? અમને અહીં ગોઠતું નથી. અહીં અમારું કોઈ નથી, જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્ય આદિ અનંતગુણરૂપ અમારો પરિવાર વસે છે તે અમારો સ્વદેશ છે. અમે હવે તે સ્વરૂપ-સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને નિરાંતે વસવું છે જ્યાં બધાં અમારાં છે.”
લ્યો, હવે બાયડી-છોકરાં ને ધન-સંપત્તિ વગેરે તો ક્યાંય રહી ગયાં; ને પુણ્ય- પાપના ભાવ પણ ક્યાંય વિલીન થઈ ગયા. ખરેખર ભગવાન આત્માની એ કાંઈ ચીજ જ નથી. એ તો પર્યાયબુદ્ધિના ભ્રમથી ઉત્પન્ન થતા હતા તે સ્વાત્મબુદ્ધિ-દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ થતાં ક્યાંય દૂર થઈ ગયા. સમજાણું કાંઈ...?
સંવર અધિકારમાં તો એમ આવ્યું છે કે-વિકારની ઉત્પત્તિનું અને ત્રિકાળી ધ્રુવનું- બન્નેનું ક્ષેત્ર ભિન્ન છે, બન્નેના કાળ ભિન્ન છે, બન્નેના સ્વભાવ ભિન્ન છે. અરે ભાઈ! તારી મોટપની શી વાત કરીએ? ભગવાન સર્વજ્ઞદેવ પણ તારી મોટપની વાત વાણીમાં પૂરી કહી શક્યા નહિ. આવે છે ને કે-