આ તો અંતરનો મારગ બાપા! સ્વાનુભવથી પ્રાપ્ત થાય, પણ કાંઈ વાદવિવાદે પાર પડે નહિ. અહા! જગતમાં જીવો અનેક પ્રકારના છે, લબ્ધિના અનેક પ્રકાર છે, ઊંધાઈના અનેક પ્રકાર છે; હવે ત્યાં કોની સાથે ચર્ચાવાદ કરીએ?
અહીં કહે છે-જ્ઞાનચેતના સદા આનંદરૂપ છે, સ્વના અનુભવનરૂપ છે. ચોથા ગુણસ્થાનથી જ્ઞાનચેતના ઉત્પન્ન થાય છે. તેને જ્ઞાનીજનો સદા ભોગવો-એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. આવી વાત છે.
આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે, તેથી જ્ઞાનને કર્તાભોક્તાપણાથી ભિન્ન બતાવ્યું; હવેની ગાથાઓમાં અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે. તે ગાથાઓની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ-
‘इतः इह’ અહીંથી હવે (આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં હવેની ગાથાઓમાં એમ કહે છે કે-) समस्त–वस्तु–व्यतिरेक–निश्चयात् विवेचितं ज्ञानम्’ સમસ્ત વસ્તુઓથી ભિન્નપણાના નિશ્ચય વડે જુદું કરવામાં આવેલું જ્ઞાન, ‘पदार्थ–प्रथन–अवगुण्ठनात् कृतेः विना’ પદાર્થના વિસ્તાર સાથે ગૂંથાવાથી (અનેક પદાર્થો સાથે, જ્ઞેયજ્ઞાન સંબંધને લીધે એક જેવું દેખાવાથી) ઉત્પન્ન થતી (-અનેક પ્રકારની) ક્રિયા તેનાથી રહિત ‘एकम् अनाकुलम् ज्वलत्’ એક જ્ઞાનક્રિયામાત્ર, અનાકુળ (-સર્વ આકુળતાથી રહિત) અને દેદીપ્યમાન વર્તતું થકું, ‘अवतिष्ठते’ નિશ્ચળ રહે છે.
અહાહા...! જોયું? પદાર્થોથી ભિન્ન પડેલું જ્ઞાન અનેક પ્રકારની વિભાવની ક્રિયાથી રહિત છે અને જ્ઞાનક્રિયાથી સહિત છે. હવે લોકો રાડુ પાડે છે કે ક્રિયાનો લોપ ક્યોેર્, લોપ કર્યો. પણ કઈ ક્રિયા બાપુ? વિભાવ-ક્રિયાનો લોપ છે. સ્વભાવક્રિયા-જ્ઞાનક્રિયા તો છે, પુણ્યપાપરૂપ વિભાવક્રિયાનો નિષેધ-ત્યાગ છે. અહાહા...! સ્વરૂપમાં એકાગ્ર થતાં ઉત્પન્ન થયેલી જ્ઞાનક્રિયા આકુળતાથી રહિત અનાકુળ દેદીપ્યમાન વર્તે છે. આ સાધક દશા છે.
રાગનું કરવું ને રાગનું ભોગવવું એ દુઃખરૂપ છે. માટે પર્યાયબુદ્ધિ છોડી અનંત- ગુણરત્નાકર પ્રભુ અંદર અવિચલ બિરાજે છે ત્યાં જા. એ તારો દેશ છે.
ભાવાર્થઃ હવેની ગાથાઓમાં જ્ઞાનને સ્પષ્ટ રીતે સર્વ વસ્તુઓથી ભિન્ન બતાવે છે.