ગાથા ૨૩-૨૪-૨પ ] [ ૮૧ પુણ્ય-પાપના અનેક પ્રકારના જે અસ્વભાવભાવો થાય છે એને વશ અજ્ઞાનીની અનાદિની દ્રષ્ટિ છે. જુઓ, ભગવાન આત્મા ચૈતન્યતત્ત્વ જ્ઞાનઉપયોગનું દ્રળ છે, જ્ઞાનાનંદસ્વરૂપી દળ છે, એની નિકટમાં આઠ પ્રકારના કર્મરજકણોનો અનેક પ્રકારનો સંબંધ છે. એ સંબંધ ઉપર એની દ્રષ્ટિ હોવાથી એને રાગ-દ્વેષ અને વિકારી ભાવોનો વેગ વહે છે. એ વેગના ભાવમાં રમતો ‘એ વેગનો જે ભાવ છે તે મારો છે’ એમ માનવાથી એને ચૈતન્ય જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે.
ભગવાન જ્ઞાયકભાવસ્વરૂપ આત્માનો ચૈતન્યઉપયોગ તો સ્ફટિકની જેમ નિર્મળ છે. એ ઉપયોગમાં અતિ નિકટના જે અસ્વભાવભાવો-રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, વ્રત, તપ, દાન, ભક્તિ તથા કામ, ક્રોધ આદિ તે જણાય છે. એ જણાતાં એ અસ્વભાવભાવો જ હું છું એમ અજ્ઞાની માને છે. ઝીણી વાત છે, ભાઈ! આ વ્યવહાર રત્નત્રયના વિકલ્પ, દેવ- ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતનો રાગ, ઇત્યાદિ જે બધા વ્યભિચારી ભાવો તે ચૈતન્યના ઉપયોગથી ભિન્ન છે, અચેતનરૂપ છે છતાં અનાદિ અજ્ઞાનથી અજ્ઞાની કર્મની નિકટતાથી ઉત્પન્ન થયેલા એ અસ્વભાવભાવોને પોતાના માની તે હું છું એમ માને છે.
પ્રશ્નઃ– એને શું આ અણ-ઉપયોગરૂપ અસ્વભાવભાવો છે એની ખબર નથી?
ઉત્તરઃ– હા, ખબર નથી. એને ભાન નથી તેથી તો તે અપ્રતિબુદ્ધ છે.
જેમ સ્ફટિકમણિમાં લાલ, પીળા આદિ ફૂલની નિકટતાથી લાલ, પીળી આદિ ઝલક (ઝાંય) જે ઊઠે છે એને લઈને એની સફેદાઈ (નિર્મળતા) ઢંકાઈ ગઈ છે, તિરોભૂત થઈ ગઈ છે; તેમ ચૈતન્યસ્વરૂપ જ્ઞાન ઉપયોગમય વસ્તુ જે આત્મા તેનો સ્વભાવ એ પુણ્ય-પાપ આદિ અસ્વભાવભાવોને લઈને ઢંકાઈ ગયો છે. એણે અનંતકાળમાં વ્રત, તપ, દયા, દાન, ભક્તિ ઇત્યાદિ તો અનંતવાર કર્યાં છે. પરંતુ એ તો બધો રાગભાવ છે, કર્મની નિકટતાના વશે થયેલો અસ્વભાવભાવ છે. એ સર્વ રાગાદિ મલિનભાવમાં પોતાનું અસ્તિત્વ સ્વીકારવાથી એને ચૈતન્યરત્ન નિર્મળાનંદ ઉપયોગસ્વરૂપ આત્મા ઢંકાઈ ગયો છે.
હવે કહે છે- ‘અત્યંત તિરોભૂત (ઢંકાયેલા) પોતાના સ્વભાવભાવપણાથી જેની સમસ્ત ભેદજ્ઞાનરૂપી જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે. અહાહા! એકલો જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયકભાવ જે નિર્મળ શુદ્ધ ઉપયોગમયસ્વભાવભાવ છે તે રાગાદિ પુણ્ય-પાપના પરિણામને વશ થયો થકો ઢંકાઈ ગયો છે અને તેથી એની સમસ્ત ભેદજ્ઞાનજ્યોતિ અસ્ત થઈ છે. એટલે આ રાગાદિ તે હું નહિ, પણ આ ઉપયોગ છે તે હું છું એવા ભેદને પ્રકાશનારી ભેદજ્ઞાનજ્યોતિ એને અસ્ત થઈ ગઈ છે. અહાહા! ‘હું તો ચૈતન્યસ્વરૂપ છું’ એવો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ જે ઊઠે એ હું નહિ કેમ કે એ વિકલ્પ તો અજીવ છે, અચેતન છે, અણ-ઉપયોગરૂપ છે, પુદ્ગલ છે. આ ભેદજ્ઞાન છે. આવો માર્ગ માણસ સમજે નહિ