૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ અને દયા પાળવી અને વ્રત પાળવાં એમ લઈને બેસી જાય. પણ એથી શું લાભ? એ તો (ચાર ગતિમાં) રખડવાનું છે. (એ શુભભાવથી) પહેલાંય રખડતો હતો, અત્યારેય રખડે છે અને ભવિષ્યમાં પણ રખડનાર છે. અહાહા! ભગવાન ચૈતન્યચિંતામણિ નિર્મળ જ્ઞાનજ્યોતિ અનાદિઅનંત નિત્ય ધ્રુવ સ્વભાવભાવરૂપ જે આત્મા તેનાથી ભિન્ન કર્મની નિકટતાથી ઉત્પન્ન અસ્વભાવભાવો ઉપર એની દ્રષ્ટિ હોવાથી એ અનાદિ પર્યાયબુદ્ધિ છે. તેથી એને રાગ અને જ્ઞાયકની ભિન્નતા કરનારી ભેદજ્ઞાનજ્યોતિ અસ્ત થઈ ગઈ છે.
અહીં કહે છે કે નિર્મળ ઉપયોગસ્વરૂપ ભગવાન આત્માને કર્મનું નિકટપણું છે. નિકટપણું એટલે એકક્ષેત્રાવગાહ. નિયમસાર ગાથા ૧૮ ની ટીકામાં આવે છે કે-નિકટવર્તી અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી આત્મા દ્રવ્યકર્મનો ર્ક્તા છે-એમ અહીં પણ નિકટપણું કહ્યું છે. ભગવાન આત્માના એકક્ષેત્રાવગાહમાં જડ રજકણો (ધૂળ) અતિ નિકટ છે. એ અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવભાવો-એમ કહ્યું છે ને? પ્રવચનસારમાં પણ ‘દોડતા પુણ્ય અને પાપ’-એમ આવે છે. ‘વેગપૂર્વક વહેતા’ અને ‘દોડતા’ એનો એક જ અર્થ છે કે એક પછી એક ગતિ કરતા ચાલ્યા જતા. એટલે એક પછી એક વેગથી વહેતા એટલે પર્યાયમાં એક પછી એક થતા એ પુણ્ય-પાપના ભાવો તે અસ્વભાવભાવો છે. એ અસ્વભાવભાવ અને આત્માના ઉપયોગમય સ્વભાવને ભિન્ન પાડવાની શક્તિ એને અસ્ત થઈ ગઈ છે, આથમી ગઈ છે તેથી અજ્ઞાની-અપ્રતિબુદ્ધ છે. એની દ્રષ્ટિમાં સ્વભાવભાવનો અભાવ (તિરોભાવ) થયો છે તેથી અસ્વભાવભાવનો સત્કાર-સ્વીકાર થયો છે. તેથી તે અધર્મરૂપ દ્રષ્ટિ છે. અજ્ઞાનીને ભેદજ્ઞાનજ્યોતિ આથમી ગઈ હોવાથી તેને નિર્વિકાર પરિણામ ન થતાં રાગાદિ વિકાર જ ઉત્પન્ન થાય છે.
હવે કહે છે કે-‘અને મહા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે.’ જુઓ વસ્તુનો સ્વભાવ જ્ઞાયકભાવ છે. એનું એને મહા અજ્ઞાન છે. તેથી પોતે પોતાથી જ વિમોહિત છે. કર્મના કારણે એને મોહ થયો છે એમ નથી. અજ્ઞાનીને પર્યાયમાં જે અસ્વભાવભાવોની ઉત્પત્તિ થઈ છે તે પોતાના અજ્ઞાનને લઈને થઈ છે, પણ કર્મના કારણે નહિ.
આમ અસ્વભાવભાવથી-રાગાદિથી સ્વભાવરૂપ જ્ઞાયકને ભિન્ન પાડનારી ભેદજ્ઞાનશક્તિ જેને બીડાઈ ગઈ છે તેથી પોતે પોતાથી જ વિમોહિત છે-‘એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વપરનો ભેદ નહીં કરીને પેલા અસ્વભાવભાવોને જ પોતાના કરતો, પુદ્ગલ દ્રવ્યને “આ મારું છે” એમ અનુભવે છે.’ ભગવાન જ્ઞાયક આત્મા જે નિર્મળ, ઉપયોગસ્વરૂપ પરમ પવિત્ર જીવસ્વભાવે છે તે સ્વ અને આ રાગાદિ ભાવ જે મલિન, અણઉપયોગરૂપ અપવિત્ર અજીવસ્વભાવે છે તે પર-એમ સ્વપરનો ભેદ નહીં કરીને પેલા અસ્વભાવભાવોને-દયા, દાન, વ્રત, ભક્તિ, પુણ્ય અને પાપ ઇત્યાદિ વિકારી વિભાવોને એ પોતાના છે એમ અજ્ઞાની