ગાથા ૨૩-૨૪-૨પ ] [ ૮૩ અનુભવે છે. અજ્ઞાનીને જે પુણ્ય-પાપના વિકલ્પ ઊઠે તેને વશ એ થઈ ગયો છે. તેથી તે સ્વપરની જુદાઈ ન કરતાં બન્નેને એકરૂપ કરે છે. એકેન્દ્રિય અવસ્થાથી માંડીને પંચેન્દ્રિય દ્રવ્યલિંગી મુનિને જે શુભભાવ થાય તે સઘળા અસ્વભાવભાવ છે. તે સર્વ અસ્વભાવભાવને તે પોતાના છે એમ માને છે.
પ્રશ્નઃ– કેટલાક કહે છે ને કે- ‘એ શુભભાવ સાધન છે અને નિશ્ચય વસ્તુ સાધ્ય છે?
ઉત્તરઃ– ભાઈ, એમ નથી. જો એમ હોય તો એનો અર્થ તો એમ થયો કે અચેતન રાગ સાધન અને ચૈતન્યસ્વભાવ તેનું સાધ્ય. અથવા રાગ જે અજીવ છે તે સાધન અને એનાથી સાધ્ય જીવસ્વરૂપ (વીતરાગતા) પ્રગટે છે. અથવા રાગ જે દુઃખસ્વરૂપ છે તે સાધન અને તેનાથી આનંદ પ્રગટે તે સાધ્ય. ભાઈ, વસ્તુ બહુ ઝીણી છે એટલે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અહીં તો અંદરના ઉપયોગને અને રાગને ભિન્ન પાડવો જોઈએ, પણ અજ્ઞાની તેમ કરતો નથી એમ કહે છે.
અહાહા! એકલો જ્ઞાયક-જ્ઞાયક-જ્ઞાયક સત્ય પ્રભુ-એને અજાણક એવા જે રાગાદિ અચેતન દુઃખરૂપ ભાવ એનાથી ભિન્ન પાડી અનુભવવો એ સૂક્ષ્મ છે, કઠણ છે. પંડિત રાજમલજીએ એ જ વાત કળશટીકામાં ૧૮૧ માં કળશમાં કહી છે. ત્યાં કહ્યું છે કે- “ભાવકર્મ જે મોહ-રાગ-દ્વેષરૂપ-અશુદ્ધ ચેતનારૂપ-પરિણામ, તે અશુદ્ધ પરિણામ વર્તમાનમાં જીવની સાથે એકપરિણમનરૂપ છે, તથા અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં જીવ વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે, તેથી તે પરિણામોના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે, તોપણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં ભિન્ન પ્રતીતિ થાય છે.”
અજ્ઞાની આનંદસ્વરૂપ ભગવાન આત્માથી વિરુદ્ધ રાગાદિ દુઃખરૂપ અસ્વભાવભાવોને, ભેદ કરવાની શક્તિ તેને આથમી ગઈ હોવાથી મારાપણે-એકપણે છે એમ કરતો થકો પુદ્ગલદ્રવ્યને તે મારું છે એમ અનુભવે છે. અહીં જડ પુદ્ગલને અનુભવવાની વાત નથી પણ રાગ જે પુદ્ગલરૂપ છે તેને અનુભવે છે એમ કહે છે. જીવને પોતાની વિકારી દશા અનુભવમાં આવે છે તેથી અહીં વિકારને પુદ્ગલ કહી દીધા છે. ભગવાન ચૈતન્યદેવના આનંદનો અનુભવ નહિ, પણ રાગનો અનુભવ છે તેને અહીં પુદ્ગલનો અનુભવ કહ્યો છે. આવી વાત છે, ભાઈ. એને કોઈ એમ કહે કે આ તો નિશ્ચયની એકલી વાત કરે છે. પણ આ નિશ્ચય એટલે સાચું જ આ છે. શુભ રાગ કરતાં કરતાં શુદ્ધ થાય, શુદ્ધનું સાધન શુભ એ તો બધાં આરોપિત કથન છે. ભાઈ, નિશ્ચયથી તો શુભરાગ અચેતન છે. ગાથા ૬ માં એ વાત આવી ગઈ છે કે એક જ્ઞાયકભાવ અનેકરૂપ શુભ-અશુભ ભાવોના જડ સ્વભાવે પરિણમતો નથી. જો એ પરિણમે તો જીવ જડ થઈ જાય. ચૈતન્ય ઉપયોગ-સ્વરૂપ ભગવાન આત્મા જો રાગના સ્વભાવે પરિણમે તો તે અચેતન જડ થઈ જાય.