૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨
રાગાદિ ભાવ એ પુદ્ગલની જાત છે, અચેતન છે, દુઃખરૂપ છે. એને પોતે આનંદ-સ્વરૂપી ચૈતન્યભગવાન હોવા છતાં પોતાનો માને એનું નામ મિથ્યાત્વ છે. એવા મિથ્યાત્વી અપ્રતિબુદ્ધને હવે સમજાવવામાં આવે છે. જુઓ કોઈ એમ કહે કે આ સમયસાર તો મુનિને માટે છે તો અહીં આચાર્ય કહે છે કે એવા અપ્રતિબુદ્ધને સમજાવવામાં આવે છે.
પ્રશ્નઃ– અપ્રતિબુદ્ધ મુનિને સમજાવવામાં આવ્યું છે એમ કહો તો?
ઉત્તરઃ– અપ્રતિબુદ્ધ મુનિ હોય જ નહિ. જેને આત્મજ્ઞાન નથી, આત્મનુભવ નથી તે મુનિ કેવા?
અહીં ‘એવા અપ્રતિબુદ્ધ’ એમ લીધું છે. એવો કોણ અપ્રતિબુદ્ધ છે? તો કહે છે કે જેને કર્મનિમિત્તના વશે જે અસ્વભાવભાવ ઉત્પન્ન થયો તેને પોતાના માને છે એવા અપ્રતિબુદ્ધને સમજાવવામાં આવે છે કેઃ-
‘હે દુરાત્મન્! આત્માનો ઘાત કરનાર! જુઓ, ‘હે દુરાત્મન્’ એ કરુણાનો શબ્દ છે હોં. પરંતુ ‘હે આત્મન્’ એમ ન કહેતાં ‘દુરાત્મન્’ એમ કેમ કહ્યું? એમ કહી આચાર્ય એમ સમજાવે છે કે ભાઈ! આનંદનો નાથ ભગવાન તું જ્ઞાનસ્વરૂપે છે ને. તારું સત્ત્વ તો જ્ઞાનસત્ત્વ છે, તારું સત્ત્વ કાંઈ પુણ્ય અને રાગાદિ નથી. તું અનંતવાર જૈનનો સાધુ થયો અને નવમી ગ્રૈવેયક ગયો. ત્યાં પણ તું રાગથી લાભ માનનારો, રાગને પોતાનું સ્વરૂપ માનનારો હતો. રાગથી ભિન્ન માનવાની તારી સ્વરૂપદશા હતી જ નહિ. અરેરે! તારી જાત તો જ્ઞાનાનંદસ્વરૂપ ચેતન છે. તેને ભૂલીને તેં રાગાદિ કજાતને પોતાની માની! આમ જીવની અનાદિથી મિથ્યાદશા છે એ બતાવવા ‘દુરાત્મન્!’ એમ સંબોધન કર્યું છે. એમાં આચાર્યની કરુણા જ છે.
વળી ‘આત્માનો ઘાત કરનાર! એમ સંબોધન કર્યું છે ને? ત્યાં એમ કહ્યું કે-હે ભાઈ! તેં નિજ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માને ભૂલીને દયા, દાન, વ્રતાદિના ક્રિયાકાંડને પોતાનું સ્વરૂપ માન્યું છે. પણ એ સર્વ ક્રિયાકાંડ રાગસ્વરૂપ હોવાથી આત્માનો ઘાત કરનારા છે. દુઃખદાયક છે. આત્માના સુખનો નાશ કરવાવાળા છે. ભાઈ! જીવતી જાગતી જ્યોતિ ઉપયોગસ્વભાવે વિરાજે છે તેનો અનાદર કરી હું રાગ છું એમ માનીને તેં તારા આત્મસ્વભાવનો ઘાત કર્યો છે, હિંસા કરી છે. ‘હું રાગ છું’ એવી રાગ સાથે એકપણાની માન્યતા જ મહા હિંસા છે એમ દર્શાવવા આચાર્યદેવે ‘આત્માનો ઘાત કરનાર! એમ સંબોધન કર્યું છે. અહાહા! આચાર્યદેવની શું શૈલી છે! વસ્તુની વસ્તુ છે. કાંઈ વસ્તુ અવસ્તુ થઈ નથી. પણ વસ્તુને ન સ્વીકારતાં વસ્તુમાં જે નથી એવા વિકલ્પને-રાગાદિને સ્વીકારવાથી વસ્તુનો અનાદર થયો. તે જ આત્માની હિંસા છે. ઘાત છે.
હવે આવી ખબર ન મળે અને કહે કે અમે જીવોની દયા પાળીએ, વ્રત પાળીએ અને ભક્તિ કરીને મંદિરો બંધાવીએ અને તેમાં મૂર્તિઓ સ્થાપીએ ઇત્યાદિ. પરંતુ આ