ગાથા ૨૩-૨૪-૨પ ] [ ૮પ શું કરે છે ભગવાન? એ પરને કોણ કરી શકે? એની વાત તો બહુ દૂર રહો, પણ એ પરના થવા કાળે તને જે રાગ થાય એ રાગ તે હું છું અને એ રાગ લાભદાયક છે એમ જો તું માને છે તો તું આત્મઘાતી છે. ચાહે લાખો મંદિર બંધાવી કરોડો રૂપિયા ખર્ચ્યા હોય તોપણ આ મિથ્યા માન્યતા વડે તું આત્મઘાતી-મહાપાપી છે.
હવે દ્રષ્ટાંત આપીને સમજાવે છેઃ-‘જેમ પરમ અવિવેકથી ખાનારા હસ્તી આદિ પશુઓ સુંદર આહારને તૃણ સહિત ખાઈ જાય છે એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ, છોડ.’ જેમ હાથીને ચુરમું (લાડવો આપ્યો) આપ્યું હોય અને ઘાસના પૂળા આપ્યા હોય તો પૂળા અને ચૂરમું ભેગું કરીને ખાય પણ ભેદ પાડે નહિ કે આ ચુરમું છે અને આ ઘાસ છે. (આ મીઠાશવાળું ચુરમું છે અને મોળાસ્વાદવાળું આ ઘાસ છે એમ સ્વાદના ભેદથી બન્નેમાં ભેદ પાડતો નથી.) તેમ અજ્ઞાની જીવ જ્ઞાનાનંદસ્વભાવી આત્માની બાજુમાં (નિકટમાં) જે રાગ થાય છે એનાથી લાભ માને છે અને રાગ મારી ચીજ છે એમ એ રાગનો અનુભવ કરે છે. પરંતુ જ્ઞાનને (રાગથી) જુદો પાડીને આનંદનો અનુભવ કરતો નથી. રાગનો અનુભવ તો દુઃખનો-આકુળતાનો અનુભવ છે. તેથી અહીં કહે છે કે તું એવા રાગના અનુભવને છોડ. અંદર જે જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા વિરાજે છે તેનો અનુભવ કર તો તને આનંદનો-સુખનો અનુભવ થશે.
અહાહા! અમૃતનો સાગર ભગવાન અંદર જ્ઞાન અને આનંદથી છલોછલ ભરેલો છે. તેનો અનુભવ છોડીને પર સંયોગમાં-સ્ત્રીના વિષયમાં, આબરૂમાં, ધનદોલતમાં, બાગ-બંગલામાં મને ઠીક પડે છે, મઝા પડે છે, મીઠાશ આવે છે એમ જે માને છે એ તો આત્મઘાતી છે જ. અહીં તો અંદર જે શુભરાગનો વિકલ્પ ઊઠે છે તેને પોતાનો માની એકમેકપણે અનુભવે છે, એ વિકલ્પ જ હું છું અને એથી મને લાભ (ધર્મ) છે એમ જે માને છે તે પણ આત્મઘાતી છે, હિંસક છે, ભલે પછી એ જૈન દિગંબર સાધુ હોય, પંચમહાવ્રત પાળતો હોય, જંગલમાં રહેતો હોય અને હજારો રાણીઓ છોડી હોય. ભગવાન! ધર્મ કોઈ જુદી ચીજ છે.
પ્રશ્નઃ– સમકિતી તો ભોગવે ને?
ઉત્તરઃ– ભાઈ, તને ખબર નથી. સમક્તિીને છન્નુ હજાર રાણીઓ, છ ખંડનું રાજ્ય, ચક્રવર્તીપણું અને કોઈને તીર્થંકરણપણું પણ હોય પણ એને એ ભોગવતો નથી. સમક્તિીને જે વિકલ્પ આવે છે એને તે હળાહળ ઝેર માને છે. કાળો નાગ દેખીને જેમ થાય એમ એને એ ઉપસર્ગ માને છે, એમાં એને રસ કે આનંદ આવતો નથી. ચક્રવર્તી હોય એ મણિરત્નોજડિત હીરાના સિંહાસન પર બેઠો હોય અને હજારો ચમરબંધી રાજાઓ એને ચામર ઢોળતા હોય પણ એમાં કયાંય એને આત્માનો આનંદ ભાસતો નથી. હા, એને રાગ આવે છે, હજુ આસક્તિ (ચારિત્રમોહજનિત) પણ છે, પણ એમાં એને સુખ