૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ ભાસતું નથી. એ રાગને એકપણે પોતાપણે અનુભવતો નથી. એ (રાગાદિ) અનાત્મામાં આત્મા માનતો નથી.
જેમ હસ્તી આદિ પશુઓ સુંદર આહારને તૃણસહિત ખાય છે એમ ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્માને તું રાગસહિત અનુભવ કરે છે તો તું ઢોર જેવો છે એમ કહે છે. સર્વથા એકાન્તવાદીઓના ૧૪ ભંગો-એકાન્ત નિત્ય-અનિત્યાદિના ૧૪ શ્લોકો (ર૪૮ થી ર૬૧) સમયસારમાં આવે છે. ત્યાં એ એકાન્તવાદીઓને વિવેકહીન પશુ કહીને સંબોધ્યા છે. અહા! જેને નિજસ્વભાવનું ભાન નથી અને એકાન્તદ્રષ્ટિથી માને કે આ રાગ તે હું છું તો તે પશુ જ છે. એનું ફળ પણ અંતે પશુ એટલે નિગોદ જ છે. માટે આચાર્ય કરુણા કરીને કહે છે કે પશુ જેમ સુંદર આહારમાં ઘાસને ભેળવીને ખાય તેમ આ સુંદર જ્ઞાયકસ્વભાવી આત્મા સાથે રાગને ભેળવીને ખાવાના સ્વભાવને તું છોડ, છોડ. રાગથી ભિન્ન એક સુંદર જ્ઞાયકભાવનો અનુભવ કર. એ અનુભવ આનંદરૂપ છે, સુખરૂપ છે.
હવે કહે છે કે-‘જેણે સમસ્ત સંદેહ, વિપર્યય, અનધ્યવસાય દૂર કરી દીધાં છે અને જે વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવાને એક અદ્વિતીય જ્યોતિ છે એવા સર્વજ્ઞ- જ્ઞાનથી સ્ફૂટ (પ્રગટ) કરવામાં આવેલ જે નિત્ય-ઉપયોગસ્વભાવરૂપ જીવદ્રવ્ય તે કેવી રીતે પુદ્ગલદ્રવ્યરૂપ થઈ ગયું કે જેથી તું આ પુદ્ગલદ્રવ્ય મારું છે એમ અનુભવે છે?’
જુઓ, સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ અરિહંતદેવને સમસ્ત સંદેહરહિત નિઃસંદેહ, કોઈપણ પ્રકારની વિપરીતતા રહિત અવિપરીત અને કોઈપણ પ્રકારના અનધ્યવસાય એટલે અચોક્કસતા રહિત ચોક્કસ જ્ઞાન થયું છે. અહાહા! ચૈતન્યસૂર્ય સર્વજ્ઞદેવ ભગવાનને એક સમયમાં લોકાલોકને જાણનારી કેવળજ્ઞાનરૂપ અદ્વિતીય જ્યોતિ પ્રગટ થઈ છે. ભગવાન તીર્થંકરદેવે કેવળજ્ઞાનમાં આ જીવ કેવો છે તે જોયો છે અને દિવ્યધ્વનિમાં કહ્યો છે. અહીં કહે છે કે ભગવાન સર્વજ્ઞદેવના જ્ઞાનમાં તો એમ આવ્યું કે આ જીવદ્રવ્ય નિત્ય-ઉપયોગ-સ્વભાવરૂપ છે. અહાહા! નિત્ય જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક એમ ઉપયોગસ્વભાવરૂપ જીવ છે. આ ત્રિકાળીની વાત છે હોં. જેને સર્વજ્ઞપણું ઉપયોગરૂપે પ્રગટ થયું એ અરિહંત પરમાત્માએ આત્માને નિત્ય-ઉપયોગસ્વરૂપ જ જોયો છે.
ભગવાન સર્વજ્ઞદેવે જોયું છે કે આ આત્મા વસ્તુ છે. તે નિત્ય- ઉપયોગસ્વભાવમય એટલે જાણવા-દેખવાના સ્વભાવરૂપ ચેતન છે. એવા આત્માને વર્તમાનપર્યાયમાં નજરમાં ન લેતાં તારી નજર રાગ ઉપર ગઈ અને માનવા લાગ્યો કે રાગ તે હું, રાગ તે મારી વસ્તુ. પરંતુ રાગ તો જડ અચેતનરૂપ પુદ્ગલમય છે. તો તે રાગ મારો એટલે પુદ્ગલદ્રવ્ય મારું-એમ પુદ્ગલદ્રવ્ય તારું કેવી રીતે થઈ ગયું? ભગવાન કેવળીએ તો તારા આત્માને જાણવા-દેખવાના સ્વભાવરૂપે જ જોયો છે, અને તું કહે છે કે રાગ તે હું; તો જે ચૈતન્ય ઉપયોગથી વિરુદ્ધભાવ-અચેતન રાગસ્વરૂપ તે તું કેમ થઈ શકે? (ન થઈ શકે)