ગાથા ૨૩-૨૪-૨પ ] [ ૮૭ એવું અચેતનપણું ચૈતન્યને કેમ શોભે? (ન જ શોભે.) શું તું માને તેથી તું રાગરૂપે થઈ ગયો કે જેથી તું આ પુદ્ગલદ્રવ્ય મારું છે એમ અનુભવે છે?
પર્યાયમાં રાગનો અનુભવ એ તો પુદ્ગલનો અનુભવ છે. અહીં પુદ્ગલ એટલે પેલા જડ (સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા) નહિ પણ અણઉપયોગસ્વરૂપ દયા, દાન, વ્રતાદિના પરિણામ જે પોતાને કે પરને જાણતા નથી તેથી જડ, અચેતન છે એની વાત છે. એ રાગાદિ પરિણામ ચૈતન્યઉપયોગસ્વરૂપથી ભિન્ન ચીજ છે. અહીં કહે છે કે ભગવાને તો તને ઉપયોગસ્વરૂપે જોયો છે તો હું આ રાગસ્વરૂપે છું એવી જૂઠી માન્યતા કયાંથી લાવ્યો? ઝીણી વાત છે, બાપુ! સંપ્રદાયમાં તો આ વ્રત પાળો અને દયા કરો એટલે ધર્મ થઈ ગયો એમ કહે, પણ ભાઈ, માર્ગ જુદો છે. વસ્તુ આત્મા દ્રવ્ય- પર્યાયસ્વરૂપ છે. ત્યાં પર્યાય ધ્રુવ ઉપયોગરૂપ નિત્યાનંદસ્વભાવને લક્ષ કરી ન ઉપજે તો ધર્મ કેવી રીતે થાય? વર્તમાન પર્યાયે ઉપયોગમાં દયા, દાન, વ્રતાદિના રાગને લક્ષમાં લઈ અને એ રાગ તે મારું અસ્તિત્વ એમ માન્યું તો એ તો પુદ્ગલનો અનુભવ થયો. ભગવાન આત્માનો અનુભવ તો રહી ગયો.
હવે કહે છેઃ-‘જે નિત્ય-ઉપયોગસ્વભાવરૂપ જીવદ્રવ્ય તે કેવી રીતે પુદ્ગલદ્રવ્યરૂપ થઈ ગયું કે જેથી તું આ પુદ્ગલદ્રવ્ય મારું છે એમ અનુભવે છે? કારણ કે જો કોઈપણ પ્રકારે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્યરૂપ થાય અને પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્યરૂપ થાય તો જ “મીઠાનું પાણી” એવા અનુભવની જેમ “મારું આ પુદ્ગલદ્રવ્ય” એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે; પણ એમ તો કોઈ રીતે બનતું નથી.’
શું કહે છે? મીઠું (લવણ) વરસાદમાં ઓગળી જાય અને બીજી મોસમમાં એ પાણીથી ભિન્ન થઈને મીઠું (લવણ) થઈ જાય. હવે મીઠું દ્રવતાં જેમ મીઠાનું પાણી અનુભવાય છે તેમ તું આનંદનો નાથ ચૈતન્યસ્વરૂપ જ્ઞાનરસકંદ ભગવાન આત્મા દ્રવીને- ઓગળીને રાગરૂપે થઈ ગયો શું? (ના) જેમ મીઠું દ્રવીને પાણી થાય એમ ભગવાન ઉપયોગસ્વરૂપ આત્મા પોતાના ઉપયોગની સત્તા છોડીને અણ-ઉપયોગરૂપ એવા રાગરૂપે થાય તો ‘મારું આ પુદ્ગલદ્રવ્ય’ એવી તારી અનુભૂતિ વ્યાજબી ગણાય. દયા, દાન, વ્રતાદિનો કે ગુણ-ગુણીના ભેદરૂપ વિકલ્પનો ઇત્યાદિ જે રાગ એ હું છું એવો તારો અનુભવ ત્યારે જ વ્યાજબી ગણાય કે ભગવાન આત્મા પોતાનો ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવ છોડીને રાગરૂપે થઈ જાય. પણ એમ તો કોઈ રીતે બનતું નથી. ભગવાન આત્મા તો કાયમ અખંડ એકરૂપ જ્ઞાયકભાવસ્વરૂપે અનાદિઅનંત રહેલો છે; અને રાગ રાગપણે ભિન્ન જ રહે છે.
હવે ‘એમ તો કોઈ રીતે બનતું નથી’ એ વાત દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છેઃ-‘જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ પાણીરૂપ થતું દેખાય છે અને દ્રવત્વ (પ્રવાહીપણું) જેનું લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે કારણ કે ખારાપણું