૧૮૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ આત્મા અંદર અબદ્ધસ્પૃષ્ટ છે; સ્વરૂપથી આત્મા અકર્મ-અસ્પર્શ છે. અહા! આવા અકર્મસ્વરૂપ પ્રભુનો અંતઃસ્પર્શ કરી પ્રવર્તે તે જ્ઞાનને જ્ઞાન કહીએ.
હવે બીજે તો આનાથી વિરુદ્ધ સાંભળવા મળે આવી ચૈતન્યની અવિરુદ્ધ વાત સાંભળવાય ન મળે એ બિચારા ધર્મ કે દિ’ પામે? અહા! જેને ચોવીસ કલાકમાં કલાક- બે કલાક સત્ શ્રવણ દ્વારા પુણ્યનો પ્રસંગ પણ નથી તેને અંદર ઊંડા તળમાં ભગવાન બિરાજમાન છે તેનો અંતઃસ્પર્શ કેમ થાય? અરે! કેટલાકને તો નિરંતર પાપની પ્રવૃત્તિ આડે આવી સત્ય વાત સાંભળવાનીય ફુરસદ ન મળે! અહીં તો સત્સમાગમે સત્શ્રવણ આદિ જે પુણ્યનો ભાવ એનાથી અંદર પોતાનો ભગવાન ભિન્ન છે તેનું જ્ઞાન (- સ્વસંવેદન જ્ઞાન) કરવું તે જ્ઞાન છે એમ વાત છે. હવે આવો વીતરાગનો મારગ છે, એમાં લોકો કાંઈ ને કાંઈ માની બેઠા છે.
કર્મની ૧૪૮ પ્રકૃતિ જડ છે. મિથ્યાદ્રષ્ટિને બધી ૧૪૮ પ્રકૃતિ ન હોય. આ વાત પહેલાં આવી ગઈ છે. તીર્થંકર નામકર્મ, આહારક શરીર, આહારક અંગોપાંગ આદિ, સમ્યક્મોહનીય, મિશ્રમોહનીય એ પ્રકૃતિ કાંઈ બધાને ન હોય. આહારક પ્રકૃતિ કોઈ મુનિને હોય છે, તો તીર્થંકર પ્રકૃતિ પણ કોઈ સમ્યગ્દ્રષ્ટિને દર્શનવિશુદ્ધિ આદિ સહિત હોય તેને બંધાઈ જાય છે. આ તીર્થંકર પ્રકૃતિ પણ ઝ્રેરનું ઝાડ છે. ભગવાન આત્મા અમૃતનું કલ્પવૃક્ષ છે. પુણ્ય અને પુણ્યના ભાવથી જડ પ્રકૃતિ બંધાય તે આત્માથી વિરુદ્ધ ઝ્રેરનું ઝાડ છે. ધર્મી જીવ તો કહે છે કે ઝ્રેરનું ઝાડ એવા કર્મના ફળને અમે ભોગવતા નથી, કર્મના ફળ પ્રત્યે અમારું વલણ નથી; અમે તો અંદર આનંદનો નાથ પ્રભુ અમારો છે તેને અનુભવીએ છીએ. અંદર પૂરણ પ્રભુતા ભરી પડી છે તે તરફ અમારું વલણ અને ઢલણ છે.
હા, પણ કર્મ હેરાન તો કરે છે ને? ભાઈ! તારી એ માન્યતા ખોટી છે. તું વિકારના પરિણામ સેવીને હેરાન થાય છે; બાકી કર્મ શું કરે? કર્મ તો વિકારી પર્યાયને અડતાંય નથી. આવે છે ને કે-
ભાઈ! કર્મ છે એવું શાસ્ત્ર કહે, અને એવો તને ખ્યાલ (જ્ઞાનમાં) આવે તો પણ તે કર્મ સંબંધીનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. કર્મ અચેતન છે; માટે જ્ઞાન જુદું અને કર્મ જુદાં છે. આત્મા પોતાની સત્તાએ બિરાજમાન છે, કર્મ કર્મની સત્તાએ ત્યાં પડયું છે; બન્નેને વ્યતિરેક નામ ભિન્નતા છે. આવી વાત! સમજાણું કાંઈ...? હવે કહે છે-
‘ધર્મ (ધર્મદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે ધર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને ધર્મને વ્યતિરેક છે.’