‘ગંધ જ્ઞાન નથી, કારણ કે ગંધ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે) અચેતન છે; માટે જ્ઞાનને અને ગંધને વ્યતિરેક (-ભેદ, ભિન્નતા) છે.’
આ કેટલાકને શ્વાસ ગંધાતો નથી હોતો? ભગવાનને શ્વાસ સુગંધિત હોય છે. શરીરના પરમાણુઓમાં સુગંધ-સુગંધ હોય છે. અહા! તેના નિમિત્તે જે ગંધનું જ્ઞાન થાય તે, અહીં કહે છે, જ્ઞાન નથી; ગંધને અને જ્ઞાનને ભિન્નતા છે. ગંધ તે જ્ઞાન નહિ, ને ગંધનું જ્ઞાન થાય તેય જ્ઞાન નહિ. આત્મજ્ઞાન જ એક જ્ઞાન છે. હવે કહે છે-
‘રસ જ્ઞાન નથી, કારણકે રસ (પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે) અચેતન છે; માટે જ્ઞાનને અને રસને વ્યતિરેક છે.’
જુઓ, ખાટો, મીઠો ઈત્યાદિ ભેદપણે જે રસ છે તે જ્ઞાન નથી, અને તે રસનું જ્ઞાન થાય તેય જ્ઞાન નથી. રસ તો બાપુ! જડ છે, ને જડનું જ્ઞાન થાય તેય જડ છે. ભગવાન આત્મા ચૈતન્યજ્યોતિસ્વરૂપ પ્રભુ છે તેનું જ્ઞાન થાય તે જ્ઞાન છે; અહાહા...! સ્વસંવેેદન જ્ઞાન તે જ્ઞાન છે, તે સમ્યગ્જ્ઞાન છે અને તેને મોક્ષમાર્ગમાં ગણ્યું છે. સમજાય છે કાંઈ...? હવે કહે છે-
‘સ્પર્શ જ્ઞાન નથી, કારણ કે સ્પર્શ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે) અચેતન છે; માટે જ્ઞાનને અને સ્પર્શને વ્યતિરેક છે.’
શરીરના સ્પર્શનું જ્ઞાન થાય તે જ્ઞાન નથી; તેનાથી જે જ્ઞાન થાય તે તો જડનું જ્ઞાન છે, એ ક્યાં આત્માનું જ્ઞાન છે? ભાઈ! જેના પાતાળના ઉંડા તળમાં ચૈતન્યપ્રભુ પરમાત્મા બિરાજે છે તે ધ્રુવના આશ્રયે જ્ઞાન થાય. તે વાસ્તવિક જ્ઞાન છે. અહાહા...! અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની પર્યાય અંદર ઉંડે ધ્રુવ તરફ જઈને પ્રગટ થાય તે જ્ઞાન છે, તે ધર્મ છે. આવી વાત!
પ્રશ્નઃ– હા, પણ કેટલે ઊંડે એ (-ધ્રુવ) છે? ઉત્તરઃ– અહાહા...! અનંત અનંત ઉંડાણમય જેનું સ્વરૂપ છે તેની મર્યાદા શું? દ્રવ્ય તો બેહદ અગાધ સ્વભાવવાન છે, તેના સ્વભાવની મર્યાદા શું? અહાહા...! આવું અપરિમિત ધ્રુવ-દળ અંદરમાં છે ત્યાં પર્યાયને લઈ જવી (કેન્દ્રિત કરવી) તેનું નામ સમ્યગ્જ્ઞાન છે. ઈન્દ્રિયોથી પ્રવર્તતું જ્ઞાન કાંઈ જ્ઞાન નથી. હવે કહે છે-
‘કર્મ જ્ઞાન નથી, કારણ કે કર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને કર્મને વ્યતિરેક છે.’ જુઓ, શું કીધું? કે આઠ કર્મ જે છે તે જ્ઞાન નથી, કેમકે કર્મ અચેતન છે. કર્મ તરફનું જ્ઞાન થાય તેય જ્ઞાન નથી, કર્મનો બંધ, સત્તા, ઉદય, ઉદીરણા ઈત્યાદિ કર્મ સંબંધી જે જ્ઞાન થાય તે જ્ઞાન નથી. કર્મ સંબંધી જ્ઞાન થાય પોતામાં પોતાથી, કર્મ તો તેમાં નિમિત્તમાત્ર છે; પણ તે જ્ઞાન આત્માનું જ્ઞાન નથી. અહાહા...! ભગવાન