૧૮૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ પ્રરૂપણા કરે છે, કેવલજ્ઞાનથી નહિ; એ તો શ્રોતા પોતે અંદર સ્વરૂપમાં લક્ષ કરે છે ત્યારે તેને ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થાય છે, અને તેમાં વાણી નિમિત્ત છે બસ; માટે તેને ભાવશ્રુતથી પ્રરૂપણા કહી છે. ભગવાનને તો કેવળજ્ઞાન છે, પણ વાણીમાં ભાવશ્રુતનો ભાવ શ્રોતાને આવે છે તેથી ભાવશ્રુતથી પ્રરૂપણા કરે છે એમ કહેવાય છે. ત્યાં શબ્દ છે તે કાંઈ ભાવશ્રુત નથી; શબ્દ તો જડ અચેતન જ છે, ને શબ્દનું જ્ઞાન થાય તે પણ જડ અચેતન છે. જે જ્ઞાન અંદર ઝળહળ ચૈતન્યજ્યોતિસ્વરૂપ ભગવાન આત્મા છે તેના લક્ષે પ્રગટ થાય તે જ્ઞાન જ જ્ઞાન છે, તે આત્મજ્ઞાન છે. ભલે શબ્દ શ્રુતજ્ઞાન ન હોય, પણ ચૈતન્યના સ્વભાવઝરામાંથી પ્રગટ થાય તે સમ્યગ્જ્ઞાન છે. બાકી શબ્દના આશ્રયે- નિમિત્તે થયેલું જ્ઞાન અચેતન છે. પરલક્ષી જ્ઞાન તે વાસ્તવિક જ્ઞાન નથી. આવી વાત છે. હવે કહે છે-
‘રૂપ જ્ઞાન નથી, કારણ કે રૂપ (પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે) અચેતન છે; માટે જ્ઞાનને અને રૂપને વ્યતિરેક છે (અર્થાત્ બન્ને જુદાં છે.) .’
વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ તે ચારનું એકરૂપ તેને અહીં રૂપ કહ્યું છે. અહીં રૂપ એટલે રંગની વાત નથી; રંગની જુદી વાત કરશે. કહે છે-રૂપ તે જ્ઞાન નથી, કેમકે રૂપ પુદ્ગલની પર્યાય છે, અચેતન છે. માટે જ્ઞાન અને રૂપને વ્યતિરેક છે, ભિન્નતા છે. શાસ્ત્રમાં એમ આવે છે કે ભગવાનના શરીરનું પ્રભામંડળ એવું હોય છે કે તેને દેખનારને સાત ભવનું જ્ઞાન થાય છે. આ એક પુણ્ય પ્રકૃતિનો પ્રકાર છે. તે ભગવાનના ભામંડળના તેજથી કાંઈ જ્ઞાન થયું નથી, અને તેને જોતાં જે જ્ઞાન થયું તે જ્ઞાન નથી. ભવ વિનાનો આત્મા ભાળે તે જ્ઞાન છે). વસ્તુસ્થિતિ આવી છે. રૂપ અને જ્ઞાન જુદાં છે હવે રૂપના ચાર ભેદ પાડી કથન કરે છેઃ-
‘વર્ણ જ્ઞાન નથી, કારણ કે વર્ણ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે) અચેતન છે. માટે જ્ઞાનને અને વર્ણને વ્યતિરેક છે (અર્થાત્ જ્ઞાન અન્ય છે, વર્ણ અન્ય છે).
ભગવાનના શરીરના રંગની વાત શાસ્ત્રમાં આવે છે. તે શરીરના રંગથી અહીં જ્ઞાન થાય છે એમ નથી; રંગ તો નિમિત્તમાત્ર છે. રંગ તે જ્ઞાન નથી, અને રંગના નિમિત્તે જે જ્ઞાન થાય તે ય વાસ્તવમાં જ્ઞાન નથી. સુંદર સ્વરૂપવાન ચિદ્રૂપ અંદર ભગવાન આત્મા છે, તેના આશ્રયે જ્ઞાન થાય તે પરમાર્થ જ્ઞાન છે.
દર્શન, જ્ઞાન, ને ચારિત્ર-એ ત્રણ મળીને મોક્ષનો માર્ગ છે. તેમાં સમ્યગ્જ્ઞાન- આત્મજ્ઞાન તે મોક્ષમાર્ગનો એક અવયવ છે. જ્ઞાન સાથે અતીન્દ્રિય આનંદનો અનુભવ અવિનાભાવી છે. તે જ્ઞાન સ્વના લક્ષે થાય છે. પરના-રંગના લક્ષે જ્ઞાન થાય તે જ્ઞાન (આત્મજ્ઞાન) નથી, તે તો અચેતન છે. માટે રંગ જુદો અને જ્ઞાન જુદું છે. આવી વાત! સમજાણું કાંઈ...? હવે કહે છે-