છૂટી નહિ. ભગવાનની દિવ્યધ્વનિ છૂટે ને ધર્મ પામનારા ન હોય એમ કદી બને નહિ. પૂર્વે વિકલ્પ ઉઠયો હતો કે- અહો! જગતના જીવો ધર્મને પામો; એમાં તીર્થંકર પ્રકૃતિ બંધાઈ ગઈ. છાસઠ દિવસ વાણી ન છૂટી. વાણી છૂટવાનો કાળ આવ્યો ત્યાં વેદાંતના પારગામી ગૌતમસ્વામી સભામાં પધાર્યા. માનસ્થંભ જોયો ત્યાં જ માન ગળી ગયું. સમવસરણમાં આવતાં જ સ્વયં સ્વતઃજ સમ્યગ્દર્શન પામ્યા. તરત જ મુનિદશા અંગીકાર કરી. અશાડ વદી ૧ ના દિને ભગવાનની ૐધ્વનિ છૂટી. તે વાણી સાંભળી ગૌતમસ્વામીએ બાર અંગની રચના કરી. અહા! તે વાણીની પરંપરામાં આ તત્ત્વ આવ્યું છે. આ સમયસાર આદિ શાસ્ત્ર એ ભગવાનની વાણીની પરંપરામાં રચાયેલું શાસ્ત્ર છે.
ભગવાન કેવળજ્ઞાન પામ્યા પછી ૩૦ વર્ષ સુધી અરિહંતપદમાં રહી આજે આસો વદી ચૌદસની પાછલી રાત્રે એકદમ ચૌદમા ગુણસ્થાનની અકંપ દશાને પામ્યા. તેરમા ગુણસ્થાને એક સમય પરમાણુ આવીને ખરી જતા, ઈર્યાપથ આસ્રવ હતો. ચૌદમે ગુણસ્થાને અકંપ દશા રહી, થોડો કાળ અસિદ્ધ દશા રહી. પછી ચૌદસની રાત્રિના પાછલા પહોરમાં દેહથી છૂટી ચૈતન્ય ગોળો સમશ્રેણીએ લોકાગ્રે બિરાજમાન થઈ સિદ્ધદશાને પામ્યો. હાલ જે ક્ષેત્રે દેહ છૂટયો ત્યાંથી સમશ્રેણીએ ભગવાન ઉપર લોકાગ્રે સિદ્ધાલયમાં બિરાજે છે. પાવાપુરી જલમંદિર ઉપર સમશ્રેણીએ ભગવાન લોકાગ્રે બિરાજે છે. તે ક્ષેત્રે જતાં તેમનું સ્મરણ થવા માટે જાત્રા છે.
ઇન્દ્રોએ દિવાની રોશની કરી ભગવાનનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો, તેથી આ દિન દિવાળી-દીપાવલી કહેવામાં આવે છે.
આ દિવસે ભગવાનના સ્મરણનો વિચાર આવે તે છે તો વિકલ્પ; એમ કે ‘આવા સિદ્ધ’ -એમ સ્મરણ માટે આ દિવસે મહોત્સવ ઉજવવામાં આવે છે. બાકી અંદર પોતાના સ્વરૂપમાં ઠરે તેને પર સંબંધી વિકલ્પથી શું છે? કોઈ પ્રયોજન નથી, કોઈ અપેક્ષા નથી.
ભગવાનને સિદ્ધદશા થઈ તે થઈ. “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં”- ભગવાન અનંતકાળ પર્યંત અનંત સુખના ભોગવટામાં સિદ્ધપદમાં બિરાજે છે. ભાઈ! બાહ્યઅભ્યંતર નિર્ગ્રંથ દશા થયા વગર કેવળજ્ઞાન અને સિદ્ધદશા થાય નહિ. આ પ્રમાણે કેવળજ્ઞાનનું કારણ ચારિત્ર, અને ચારિત્રનું મૂળ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શનનો વિષય શું-એની અહીં વાત ચાલે છે.
અહીં કહે છે-શબ્દ જ્ઞાન નથી, કેમકે શબ્દ પુદ્ગલ દ્રવ્યનો પર્યાય છે. માટે જ્ઞાનને અને શબ્દને વ્યતિરેક એટલે ભિન્નતા છે. ભાઈ! ભગવાનની ૐધ્વનિ નીકળે તે જ્ઞાન નથી, અચેતન પુદ્ગલની પર્યાય છે. ધવલમાં પાઠ છે કે-ભગવાન ભાવશ્રુતથી