૧૮૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
જુઓ, આચારાંગમાં ૧૮૦૦૦ પદ છે, ને એકેક પદમાં એકાવન ક્રોડ જેટલા ઝાઝ્રેરા શ્લોક છે. તેનું જે જ્ઞાન થાય તે શબ્દજ્ઞાન છે. અહા! જે જ્ઞાન અતીન્દ્રિય નથી, જેમાં અતીન્દ્રિય આનંદ નથી તે જ્ઞાન જ્ઞાન નથી. પાંચ-પચાસ હજાર શ્લોક કંઠસ્થ થઈ જાય તેથી શું? અંદર ભગવાન જ્ઞાનસ્વભાવનો સાગર છે તેને સ્પર્શીને જે ન થાય તેને જ્ઞાન કહેતા નથી.
આચારાંગ આદિનું જ્ઞાન તે જ્ઞાન, નવ પદાર્થોનું શ્રદ્ધાન તે સમકિત અને છ જીવ નિકાયના રક્ષાના ભાવ તે ચારિત્ર-એમ વ્યવહાર નય છે (જુઓ ગાથા ૨૭૬), પરંતુ જેમાં આત્માનો આશ્રય ન હોય તે જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્રને નિશ્ચય જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્ર કહેતા નથી. આત્માના આશ્રયે પ્રગટ થાય તે જ પરમાર્થે જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્ર છે અને તે જ મોક્ષમાર્ગ છે. સમજાણું કાંઈ..?
આજે ભગવાન શ્રી મહાવીરના નિર્વાણનો દિવસ છે. આ કથન નૈગમનયથી સમજવું. ભગવાનનો જન્મ થતાં તેમના પિતાજીના ભંડારમાં લક્ષ્મીની એકદમ વૃદ્ધિ થઈ ગઈ, તેથી તેમનું નામ વર્દ્ધમાનકુમાર પડયું. તેમને આ છેલ્લો દેહ છે. પોતે તીર્થંકરનું દ્રવ્ય છે અને તે જ ભવમાં મોક્ષ જનાર છે.
માતાની કુખમાં હતા ત્યારે ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન સહિત હતા. મતિ-શ્રુત- અવધિ એ ત્રણ જ્ઞાન અને ચક્ષુ-અચક્ષુ-અવધિ એ ત્રણ દર્શન સહિત હતા. મતલબ કે તેઓ આત્મજ્ઞાન-અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય દર્શન સાથે જ લઈને ગર્ભમાં આવ્યા હતા.
તેમનો જન્મ થયા પછી, તેઓ બાળક-અવસ્થામાં હતા ત્યારે એક સંતમુનિવરને કોઈ શંકા પડવાથી સમજવા માટે ભગવાન (બાળક) પાસે ગયા. પોતે મુનિવર છે એટલે વંદન તો ન કરે, પણ આમ ભગવાનને જોયા કે તરત જ શંકાનું સમાધાન થઈ ગયું. જુઓ, આ નિમિત્ત-નૈમિત્તિક મેળ! મુનિ તો છઠ્ઠે ગુણસ્થાને છે, ને ભગવાન (-બાળક) ને ચોથું ગુણસ્થાન છે, પણ આમ નજર કરતાં જ સમાધાન થઈ ગયું તેથી તેમને સન્મતિનાથ નામ આપવામાં આવ્યું.
જક્ષ સાથે યુદ્ધ થતાં જક્ષને જીતી લીધો તેથી વીર નામ આપવામાં આવ્યું. મુનિદશામાં ઘોર ઉપસર્ગ પણ જીતી લીધા તેથી તેઓ ‘મહાવીર’ કહેવાયા. આ રીતે તેઓ પાંચ નામથી ઓળખાય છેઃ વર્દ્ધમાન, સન્મતિનાથ, વીર, અતિવીર ને મહાવીર. તેમણે સાડા બાર વર્ષ તપ કર્યું; થોડા દિવસ આહાર લીધો. ઘણા દિવસ તો ઈચ્છાઓનો નિરોધ કરી તપ કર્યું; બહારમાં આહાર સહજ છૂટી ગયો, અંદર અતીન્દ્રિય આનંદનું-અમૃતનું ભોજન કરવા લાગ્યા. જુઓ, આ તપ!
પછી ભગવાનને વૈશાખ સુદી દશમના દિને કેવળજ્ઞાન થયું; પણ તત્કાલ દિવ્યધ્વનિ