‘શ્રુત (અર્થાત્ વચનાત્મક દ્રવ્યશ્રુત) જ્ઞાન નથી. કારણ કે શ્રુત અચેતન છે; માટે જ્ઞાનને અને શ્રુતને વ્યતિરેક (અર્થાત્ ભિન્નતા) છે.’
શું કીધું આ? કે દ્રવ્યશ્રુત એટલે શાસ્ત્રના શબ્દો એ જ્ઞાન નથી, જુઓ ભગવાનની દિવ્યધ્વનિ તે દ્રવ્યશ્રુત, કહે છે, જ્ઞાન નથી, આત્મા નથી. કેમ? કારણ કે તે અચેતન છે, જડ છે; અને જ્ઞાન નામ આત્મા ચેતન છે.
તો ભગવાનની વાણીમાં ભાવશ્રુતથી ઉપદેશ કર્યો છે એમ ધવલમાં આવે છે ને? હા, વાણી તો જડ છે, પણ વાણીના સાંભળનારાઓ વાણી સાંભળીને, અંતર્મુખ થઈને ભાવશ્રુતપણે પરિણમે છે. તેથી ભગવાનની વાણીમાં ભાવશ્રુતથી ઉપદેશ છે એમ કહ્યું છે વાણી કાંઈ ભાવશ્રુત નથી, વાણીમાં કેવળજ્ઞાનેય નથી; વાણી તો દ્રવ્યશ્રુત અચેતન જ છે. સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-દ્રવ્યશ્રુત તે જ્ઞાન નથી, કેમકે દ્રવ્યશ્રુત અચેતન છે; માટે જ્ઞાન અને શ્રુતને ભિન્નતા છે, જુદાઈ છે. એટલે શું? કે દ્રવ્યશ્રુતથી અહીં (-આત્મામાં) જ્ઞાન થાય છે એમ નથી. તો કેવી રીતે છે? સાંભળનાર-શ્રોતાને પોતાના ઉપાદાનની યોગ્યતાથી જ્ઞાન થાય છે, અને દ્રવ્યશ્રુત તો ત્યારે નિમિત્તમાત્ર છે. વળી દ્રવ્યશ્રુતનું જ્ઞાન તે પરલક્ષી જ્ઞાન છે, સ્વલક્ષી નથી; માટે દ્રવ્યશ્રુતનું જ્ઞાન પણ ખરેખર અચેતન છે.
પરમાર્થવચનિકામાં આવે છે કે જે જેટલું પરસત્તાવલંબી જ્ઞાન છે તે જ્ઞાનને વાસ્તવમાં મોક્ષમાર્ગ કહેતા નથી. દ્રવ્યશ્રુત-વાણી જે છે તે જડ છે, તે આત્મા નથી અને તેને સાંભળવાથી આત્મા (-જ્ઞાન) પ્રગટે છે એમ પણ નથી. પણ જે શ્રુતવિકલ્પ છે તેનું લક્ષ મટાડી અંદર જ્ઞાનનો દરિયો પ્રભુ આત્મા છે તેને સ્પર્શીને જે જ્ઞાન પ્રગટ થાય તે વાસ્તવિક જ્ઞાન છે. આ સિવાય અગિયાર અંગ અને નવ પૂર્વ ભણી જાય તોય તે જ્ઞાન નથી.
અહાહા...! દ્રવ્યશ્રુત તે જ્ઞાન નથી, આત્મા નથી; એનાથી આત્મા ભિન્ન છે. વળી દ્રવ્યશ્રુતનું જે જ્ઞાન થાય એનાથી પણ આત્મા ભિન્ન છે. પ્રવચનસારમાં આવે છે કે દ્રવ્યશ્રુતને બાદ કરીએ તો એકલું જ્ઞાન રહી જાય છે. અહા! સમયસાર, પ્રવચનસાર આદિ શાસ્ત્રોમાં ગજબની રામબાણ વાતો છે. બાપુ! શબ્દોનું જ્ઞાન તે વાસ્તવિક જ્ઞાન નથી- (આત્મજ્ઞાન નથી).