૧૮૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ બન્ને જુદાં છે; અર્થાત્ જ્ઞાનનું (-આત્માનું) આકાશ નથી. આકાશથી પાતાળ સુધી અમારું છે એમ કહે છે ને? અરે! ધૂળેય નથી સાંભળને. બે ચીજ જ જુદી છે ત્યાં તારું શું હોય? હવે કહે છે-
અધ્યવસાન જ્ઞાન નથી, કારણકે અધ્યવસાન અચેતન છે; માટે જ્ઞાનને અને (કર્મના ઉદયની પ્રવૃત્તિરૂપ) અધ્યવસાનને વ્યતિરેક છે.’
રાગમાં એકતાબુદ્ધિ તે અધ્યવસાન છે. રાગ અને આત્મા એક છે એવો ભ્રમ તે અધ્યવસાન છે. આ અધ્યવસાન, કહે છે, જ્ઞાન નથી, કેમકે અધ્યવસાન અચેતન છે. માટે કર્મના ઉદયની પ્રવૃત્તિરૂપ અધ્યવસાન અને જ્ઞાન જુદાં છે.
જુઓ, અહીં અધ્યવસાન આત્મા નથી એમ કહ્યું છે ને! હવે પછી નીચે જ્ઞાન જ પુણ્ય-પાપ છે એમ કહેશે. આવી અટપટી વાત! એકકોર પુણ્ય-પાપને અનાત્મા કહે અને વળી પાછા તેને આત્મા કહે-આ કેવી વાત!
એ તો ભાઈ! પુણ્યપાપ એની પર્યાયમાં થાય છે માટે તેને ત્યાં (નીચે) આત્મા કહેલ છે. પોતાની પર્યાય છે તો તેને આત્મા કહ્યો. પ્રવચનસારમાં ૪૭ નયના અધિકારમાં પુણ્ય-પાપનો અધિષ્ઠાતા આત્મા છે એમ કહ્યું છે. જ્યારે સમયસારની ૭૩મી ગાથામાં પુણ્ય-પાપના ભાવોનો સ્વામી પુદ્ગલ દ્રવ્ય છે એમ કહ્યું છે ભાઈ! આ તો અનેકાન્ત માર્ગ છે. દ્રવ્યથી વાત આવે તેય અને પર્યાયથી વાત આવે તેય યથાસ્થિત જાણવી જોઈએ. એકલા દ્રવ્યને માને અને પર્યાયને જાણેય નહિ તો એ તો મિથ્યા એકાન્ત થઈ જાય.
પુણ્ય-પાપના ભાવ જીવની પર્યાયમાં થાય છે તેથી તેને જીવ કહ્યા, પણ તે જીવનો સ્વભાવ નથી (વિભાવ છે) અને પર્યાયમાંથી નીકળી જાય છે માટે તેને પુદ્ગલના પરિણામ કહીને પુદ્ગલ દ્રવ્ય કહ્યું છે. એ તો ત્યાં પર્યાયની-પુણ્ય-પાપની રુચિ છોડાવી દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ કરાવવાના પ્રયોજનથી વાત છે. પણ તેથી કોઈ પુણ્ય-પાપના ભાવ પુદ્ગલમાં થાય છે એમ માને તો તે બરાબર નથી, તથા કોઈ તેને પોતાનો સ્વભાવ જ માને તો તે પણ વિપરીત જ છે. આવી ઝ્રીણી વાત છે.
‘આમ આ રીતે જ્ઞાનનો સમસ્ત પરદ્રવ્યો સાથે વ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો.’ શું કીધું? કે આત્મા નિશ્ચયથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન છે એમ દેખવું-અનુભવવું. આ આત્માની પરદ્રવ્યથી નાસ્તિ કહી, હવે અસ્તિથી વાત કરે છે-
‘હવે, જીવ જ એક જ્ઞાન છે; કારણ કે જીવ ચેતન છે; માટે જ્ઞાનને અને જીવને જ અવ્યતિરેક (-અભિન્નતા) છે. વળી જ્ઞાનનો જીવની સાથે વ્યતિરેક જરાપણ શંકનીય નથી (અર્થાત્ જ્ઞાનની જીવથી ભિન્નતા હશે એમ જરાય શંકા કરવાયોગ્ય નથી), કારણ કે જીવ પોતે જ જ્ઞાન છે.’