જુઓ, શું કહે છે? કે-જીવ જ એક જ્ઞાન છે, કારણ કે જીવ ચેતન છે. અહીં જ્ઞાન અને જીવની અભિન્નતા-એકતા બતાવવી છે. જ્ઞાન અને જીવ-એમ બે શબ્દનો ધ્વનિ ઉઠે છે માટે જ્ઞાન અને જીવ બે જુદા હશે એમ, કહે છે, શંકા ન કરવી. ભગવાન આત્મા ભાવવાન અને જ્ઞાન ભાવ-એમ ભાવ અને ભાવવાન ભિન્ન છે એમ જરાય શંકા ન કરવી, કેમકે બન્ને વસ્તુપણે એક જ છે. બેનાં નામ જુદાં છે, પણ બે વસ્તુ જુદી નથી. ગુણ અને ગુણી બે પૃથક્ વસ્તુ નથી, બન્ને તાદાત્મ્યપણે એક જ છે.
સમયસાર ગાથા ૬૯-૭૦ માં આવી ગયું કે-“જેમને તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે એવાં આત્મા અને જ્ઞાનમાં વિશેષ (તફાવત, જુદાં લક્ષણો) નહિ હોવાથી તેમનો ભેદ (જુદાપણું) નહિ દેખતો થકો, નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે અને ત્યાં (જ્ઞાનમાં પોતાપણે) વર્તતો તે, જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છે, જાણવારૂપ પરિણમે છે.” જુઓ, આમાં નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે એમ કહ્યું એનો અર્થ જ એ છે કે જ્ઞાન અને પોતે-આત્મા એક જ છે, અર્થાત્ આત્મામાં જ પોતે વર્તે છે, અને તે જ સ્વભાવભૂત જ્ઞાનક્રિયા નામ સમ્યગ્જ્ઞાનની ક્રિયા છે. અહીં પણ કહે છે- “જીવ જ એક જ્ઞાન છે” અર્થાત્ જીવ પોતે જ જ્ઞાન છે. અહાહા..! અભેદથી કહેતાં પોતે જ્ઞાનસ્વરૂપ જ છે; નામ, લક્ષણથી ભેદ હો, પણ વસ્તુસ્વરૂપથી બન્ને નિઃશંક એક જ છે. હવે કહે છે-
‘આ પ્રમાણે (જ્ઞાન જીવથી અભિન્ન) હોવાથી, જ્ઞાન જ સમ્યગ્દ્રષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગપૂર્વરૂપ સૂત્ર છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ (અર્થાત્ પુણ્ય-પાપ) છે, જ્ઞાન જ પ્રવ્રજ્યા (દીક્ષા, નિશ્ચયચારિત્ર) છે- એમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો (અર્થાત્ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો- અનુભવવો).’
અહા! કહે છે- જ્ઞાન જ સમ્યગ્દ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિ છે તે આત્મા છે કે નહિ? છે ને? તો કહે છે-જ્ઞાન નામ આત્મા જ સમ્યગ્દ્રષ્ટિ છે, કેમકે આત્માથી જુદું કાંઈ સમ્યગ્દર્શન તો છે નહિ. અહાહા...! આત્મા પૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છે. તે જ્ઞાનમાં જ્ઞેય થતાં તેની જે પ્રતીતિ થઈ કે- ‘આ હું’ - તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન આત્મસ્વરૂપ છે. કાંઈ સમ્યગ્દર્શન જુદું ને આત્મા જુદો છે એમ નથી. માટે કહેે છે- જ્ઞાન જ સમ્યગ્દ્રષ્ટિ છે. અહીં જ્ઞાન શબ્દે અભેદપણે આત્મા કહેવો છે. સમજાણું કાંઈ...!
વળી ‘જ્ઞાન જ સંયમ છે.’ શું કીધું? જ્ઞાન નામ આત્મા જ સંયમ છે. પાંચ ઈન્દ્રિયના વિષય અને મનથી પાછા ફરવું તે સંયમ-એ તો નાસ્તિથી વાત છે, અસ્તિથી કહીએ તો જ્ઞાન નામ આત્મા આત્મામાં જ રમે તે સંયમ, અને તે આત્મા જ છે.