પારિણામિક ભાવે યોગ્યતારૂપે વિલીન થઈ છે, જે ભવિષ્યમાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયો થવાની છે તે અંદર યોગ્યતાપણે રહેલી છે. આવી જેમ છે તેમ વસ્તુ યથાર્થ સમજવી પડશે ભાઈ!
અહાહા...! ભગવાન! આ તારી લીલા તો જો ભાઈ! કોઈ લોકો ઈશ્વરની લીલા કહે છે તે નહિ, આ તો તારી લીલા પ્રભુ! અનાદિ વિકારમાં રહ્યો તેય તું, અને નિર્વિકારમાં આવ્યો તેય તું! અદ્ભુત ચમત્કારી વસ્તુ બાપુ! એની કેવળદર્શનની એક સમયની પર્યાય આખા લોકાલોકના પદાર્થોને આ જીવ કે અજીવ એમ ભેદ પાડયા વિના સામાન્ય અવલોકે, જ્યારે તે જ સમયે પ્રગટ કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકના પ્રત્યેક પદાર્થને ભિન્ન-ભિન્ન-ભિન્ન કરીને જાણે. વળી પ્રત્યેક સમય કેવળજ્ઞાનની પર્યાય અનંતકાળ પર્યંત થયા કરે તોય દ્રવ્ય તો એવું ને એવું રહે, કાંઈ વધઘટ વિનાનું. અહો! દ્રવ્યનો ચૈતન્ય-ચમત્કારી સ્વભાવ કોઈ પરમ અદ્ભુત છે.
અહો! આવો જ જ્ઞાનસ્વભાવ છે સ્વભાવમાં તર્ક શું? સર્વજ્ઞ પરમાત્માનું જ્ઞાન અદ્ભુત અલૌક્કિ્ છે. તેનો પાર સમ્યગ્જ્ઞાન જ પામી શકે. કેવળજ્ઞાનની પર્યાયમાં અનંતા અવિભાગ પ્રતિચ્છેદ છે. અનંતા કેવળીને તે એક સમયમાં જાણે છે. શ્રુતજ્ઞાનની પર્યાય પણ એવડી જ છે, પ્રત્યક્ષ-પરોક્ષનો ફેર છે. અહાહા...! જે પર્યાયમાં અનંત દ્રવ્ય-ગુણ- પર્યાય પ્રત્યક્ષ જણાય તે પર્યાયનું સ્વરૂપ જેટલું છે તેટલું જ બીજે સમયે, ત્રીજે સમયે- એમ અનંતકાળ પર્યંત રહે છે. અહો! આવો કોઈ ચૈતન્યવસ્તુનો અદ્ભુત-અદ્ભુત સ્વભાવ છે. સમયસાર, કળશ ૨૭૩ માં આવે છે કે- આત્માનો સહજ અદ્ભુત વૈભવ છે. ષટ્ગુણહાનિવૃદ્ધિ કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે. જે સમયે અનંત-ગુણવૃદ્ધિ તે જ સમયે અનંતગુણહાનિ થાય છે, કેવળજ્ઞાનમાં બધું પ્રત્યક્ષ જણાય છે.
બેનશ્રીના વચનામૃતમાં આવ્યું છે કે- આત્માના સ્વભાવમાં ઉણપ, અશુદ્ધિ કે આવરણ નથી. આ તો ત્રિકાળી સ્વભાવની વાત છે. પણ પર્યાય અપેક્ષાથી જોતાં પર્યાયમાં (સંસારીને) ભાવ આવરણ છે. પ્રવચનસારની ૧૬ મી ગાથામાં દ્રવ્ય-ભાવ ઘાતિકર્મની વાત છે. જડ કર્મ તે દ્રવ્ય ઘાતિકર્મ છે અને પોતાની પર્યાયમાં વિકાર થવાની યોગ્યતા તે ભાવ ઘાતિકર્મ છે.
અહીં સિદ્ધ કરવું છે કે- જ્ઞાન નામ આત્મા જ પુણ્ય-પાપ છે; કેમકે ત્રિકાળી જે અંશી તેના અંશમાં આ ભાવો ઉત્પન્ન થાય છે. ત્રિકાળી દ્રવ્ય તે એનું સામાન્ય સ્વરૂપ છે, અને નિર્મળ અને મલિન પર્યાયો તે એનું વિશેષ સ્વરૂપ છે. સામાન્ય અને વિશેષ બન્ને થઈને આખી વસ્તુ છે. તેનો એક અંશ (-પર્યાય) કાઢી નાખો તો વસ્તુ જ આખી સિદ્ધ ન થાય. અહીં દ્રવ્ય-પર્યાય બન્ને જીવનું સ્વરૂપ છે એમ સિદ્ધ કરવું છે. તેથી કહ્યું કે - આત્મા જ સંયમ છે, આત્મા જ પુણ્ય-પાપ છે. આવી વાત! સમજાણું કાંઈ...? હવે કહે છે-