‘હવે, એ પ્રમાણે સર્વ પરદ્રવ્યો સાથે વ્યતિરેક વડે અને સર્વ દર્શનાદિ જીવસ્વભાવો સાથે અવ્યતિરેક વડે અતિવ્યાપ્તિને અને અવ્યાપ્તિને દૂર કરતું થકું, અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવા ધર્મ-અધર્મરૂપ (પુણ્ય-પાપરૂપ, શુભ-અશુભરૂપ) પરસમયને દૂર કરીને, પોતે જ પ્રવજ્યારૂપ પામીને (અર્થાત્ પોતે જ નિશ્ચયચારિત્રરૂપ દીક્ષાપણાને પામીને), દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, મોક્ષમાર્ગને પોતામાં જ પરિણત કરીને, જેણે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પ્રાપ્ત કર્યો છે એવું, ત્યાગ-ગ્રહણથી રહિત, સાક્ષાત્ સમયસારભૂત, પરમાર્થરૂપ શુદ્ધજ્ઞાન એક અવસ્થિત (-નિશ્ચળ રહેલું) દેખવું (અર્થાત્ પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવવું).’
અહાહા...! શું કહ્યું? કે સર્વ પરદ્રવ્યો સાથે જ્ઞાનને વ્યતિરેક અર્થાત્ જુદાઈ છે. આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય, આઠ કર્મ અને દેવ, ગુરુ, શાસ્ત્ર ઈત્યાદિ પર પદાર્થોથી જ્ઞાનને જુદાઈ છે, પૃથકતા છે; તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ જીવસ્વભાવો- નિજસ્વભાવો સાથે અવ્યતિરેક નામ અભિન્નતા છે, એકપણું છે. આ રીતે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિને દૂર કરતું શુદ્ધ એક પરમાર્થરૂપ જ્ઞાન, કહે છે, નિશ્ચળ રહેલું દેખવું, અર્થાત્ પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવવું. શું કરીને? તો કહે છે-
‘અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવા ધર્મ-અધર્મરૂપ-પુણ્ય-પાપરૂપ પરસમયને દૂર કરીને, પોતે જ પ્રવજ્યારૂપ પામીને....’
અહાહા...! પુણ્ય-પાપના ભાવ પોતાની-જીવની પર્યાયમાં થાય છે તેથી તેને આત્મા કહ્યો છે, પણ તે ભાવ સ્વસ્વરૂપના ભાન વિના પરમાં હું પણાના અનાદિ વિભ્રમથી ઉત્પન્ન થયા છે. જેમ શરીર, મન, વાણી, મકાન, પૈસા અત્યંત પૃથક્ છે તેમ પુણ્ય-પાપના ભાવ પૃથક્ છે એમ નહિ, તેઓ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે, તથાપિ તેની ઉત્પત્તિનું મૂળ આત્મા નથી પણ અનાદિ વિભ્રમ છે અને તેથી તેઓ પરસમય છે. સમજાણું કાંઈ...? ઝીણી વાત બાપા!
ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાનસ્વભાવથી ભરેલો દરિયો-સાગર છે. તેમાં એકાગ્ર થઈ પરિણમવાથી મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. કારણાંતરથી અર્થાત્ દયા, દાન આદિના શુભ વિકલ્પથી મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય એમ વસ્તુનું સ્વરૂપ નથી. અહીં કારણાંતરનો નિષેધ કરીને પ્રવજ્યા સિદ્ધ કરવી છે. આ શુભ કે અશુભ ભાવ થાય તે પ્રવજ્યા નથી. ભલે શુભાશુભ ભાવ પોતાની પર્યાયમાં થાય છે, પણ તેનું મૂળ શુદ્ધ ચૈતન્યમય આત્મા નથી, તેનું મૂળ અનાદિ વિભ્રમ છે.
સ્વસ્વરૂપમાં રમણતારૂપ વીતરાગી દશા થાય તે પ્રવજ્યા નામ નિશ્ચય ચારિત્ર છે, અને તે ધર્મ છે; અને ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. તેમ, અહીં કહે છે, પુણ્ય-પાપરૂપ ભાવનું મૂળ વિભ્રમ નામ પરમાં હુંપણાની મિથ્યા ભ્રમણા છે. અહાહા...! ‘दंसण मूलो