૧૯૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ धम्मो’ –જેમ ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે તેમ પુણ્ય-પાપરૂપ વિકારી ભાવોનું મૂળ અનાદિ વિભ્રમ છે, મિથ્યાદર્શન છે. અરે ભાઈ! અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે, પણ વિકાર ઉત્પન્ન કરે, પુણ્ય-પાપને ઉત્પન્ન કરે એવો કોઈ ગુણ એમાં નથી પુણ્ય-પાપની ઉત્પત્તિનું મૂળ અનાદિ વિભ્રમ છે. તેથી પુણ્ય-પાપના ભાવ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થવા છતાં પરસમય છે. આવી બહુ ઝીણી વાત છે ભાઈ!
તો સમ્યગ્દ્રષ્ટિ-ધર્મીને શુભાશુભ ભાવ થતા જોઈએ છીએ ને? સમ્યગ્દર્શન થયા પછી જે શુભાશુભ ભાવ થાય તે વિભ્રમજનિત નથી, અસ્થિરતા જન્ય છે, અને તે તો ધર્મીને જ્ઞાનના જ્ઞેય પણે છે, તેમાં તેને સ્વામિત્વ નથી. ધર્માત્માને એક શુદ્ધોપયોગની જ ભાવના છે, તેને શુભાશુભમાં રસ નથી. બેનશ્રીના વચનામૃતમાં આવે છે ને કે- અરે! આ શુભભાવ તે અમારો દેશ નહિ, આ પરદેશમાં અમે કયાં આવી ચડયા? શુભાશુભ ભાવ તે અમારો પરિવાર નહિ ઈત્યાદિ.
ભગવાન આત્મા નિત્ય જ્ઞાનાનંદ પ્રભુ સદા ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ સ્વભાવે અંતરંગમાં વિરાજે છે. તેની દ્રષ્ટિ વિના અનાદિથી એને પરમાં પોતાપણાનો વિભ્રમ છે અને તે વડે તેને નિરંતર સંસાર-પરિભ્રમણનું કારણ એવા પુણ્ય-પાપના ભાવ ઉત્પન્ન થયા જ કરે છે, તેથી કહે છે- ભાઈ! આ પુણ્ય-પાપના ભાવ અનાત્મા છે, પરસમય છે. અહો! આચાર્યદેવની ગજબ શૈલી છે.
આત્મા જેવો અને જેવડો છે તેવો અને તેવડો પર્યાયમાં પ્રાપ્ત થાય તેનું નામ મોક્ષ છે, અને મોક્ષનું કારણ વીતરાગીદશારૂપ નિર્મળ ચારિત્ર છે. આ ચારિત્ર કેમ પ્રગટે? તો કહે છે - અનાદિ વિભ્રમ જેનું મૂળ છે તેવા પુણ્ય-પાપભાવરૂપ પરસમયને દુર કરીને પોતે જ પ્રવજ્યારૂપ નિશ્ચયચારિત્રને પ્રાપ્ત થાય છે. અહાહા...! જોયું? શુભ ભાવ પણ કારણ નહિ, ને કોઈ નિમિત્ત (દેવાદિ) પણ કારણ નહિ; કહે છે- પોતે જ પ્રવજ્યારૂપ નિશ્ચયચારિત્રને પ્રાપ્ત થાય છે, અહાહા...! નિજ જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપમાં રમણતા-લીનતા વડે પોતે જ પુણ્ય-પાપને દુર કરીને નિર્મળ ચારિત્રભાવને પામે છે.
હવે આવી વાત બાપના (ભગવાન અરિહંતના) ચોપડા તપાસે તો ખબર પડે ને! દુકાનના ચોપડા રોજ તપાસે. એમ કે “પાનું ફરે ને સોનું ઝરે.” પણ ભાઈ! ત્યાં તો પૈસાની મમતામાં એકલું પાપ જ ઝરે (-મળે) છે. જ્યારે અહીં તો એકલું અમૃત- પરમામૃત ઝરે છે. અહાહા...! ભગવાન સર્વજ્ઞદેવની વાણીમાંથી ઝરેલું જન્મ-મરણના રોગને મટાડનારું આ પરમામૃત છે. આવે છે ને કે-
ઔષધ જે ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.