અહીં કહે છે- તને પુણ્ય-પાપના ભાવ થાય તેનું મૂળ અનાદિ વિભ્રમ છે, મિથ્યા ભ્રમણા છે. તેનાથી રહિત થઈને તું સ્વસ્વરૂપમાં રમણતા-લીનતા કરીને પરિણમે તે પ્રવજ્યા છે, તે ચારિત્ર છે, ધર્મ છે.
જરીક ફરીથી- શરીર, મન, વાણી, આઠ કરમ ઈત્યાદિ પરદ્રવ્યથી આત્માને વ્યતિરેક એટલે ભિન્નતા છે, અને દર્શન આદિ જીવસ્વભાવોથી અવ્યતિરેક અર્થાત્ અભિન્નતા છે. અહીં દયા, દાન વગેરે પુણ્ય-પાપના ભાવને જીવસ્વભાવ કહ્યા છે કેમકે તે જીવની પર્યાયનો સ્વભાવ છે. તેની સાથે જીવને અવ્યતિરેક એટલે અભિન્નપણું છે. તે ભાવો જો પરમાં પણ હોય તો અતિવ્યાપ્તિ દોષ આવે, અને તે ભાવો જો પોતામાં (-અવસ્થામાં) ન હોય તો અવ્યાપ્તિ દોષ આવે. પણ તેઓ પરદ્રવ્યમાં નથી તેથી અતિવ્યાપ્તિ નથી અને પોતાની અવસ્થામાં છે માટે અવ્યાપ્તિ નથી આ પ્રમાણે શુભાશુભ ભાવ આત્માની પર્યાયમાં છે માટે આત્મા છે એમ પહેલાં સિદ્ધ કર્યું.
દ્રવ્યદ્રષ્ટિના વિષયની અપેક્ષાએ વાત હોય ત્યારે પુણ્ય-પાપના પરિણામ પુદ્ગલના પરિણામ છે એમ કહે, પણ તેથી કોઈ એકાન્તે એમ માની લે કે તેઓ જીવની પર્યાયમાં થયા નથી તો તે બરાબર નથી. દ્રવ્યદ્રષ્ટિની અપેક્ષાએ તેઓ જડ-અજીવ છે એમ કહીને પુદ્ગલ તેમનું સ્વામી છે એમ કહ્યું તો પર્યાયની અપેક્ષા તે જીવની પર્યાયમાં વ્યાપેલા છે માટે જીવ છે એમ કહ્યું-આમ અનેકાન્ત છે. પણ અપેક્ષા સમજ્યા વિના જ એકાન્તે કોઈ તેને પુદ્ગલના માને તો તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે.
હવે કહે છે- તે પુણ્ય-પાપના ભાવનું મૂળ શુદ્ધ ચૈતન્યમય આત્મા નથી પણ અનાદિ વિભ્રમ છે, મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે શું? કે પરમાં હુંપણાની જૂઠી કલ્પના- માન્યતા, જૂઠો ભાવ. શરીર હું છું, રાગ હું છું એવી જૂઠી માન્યતા તે મિથ્યાત્વ છે અને તે પુણ્ય-પાપના ભાવનું મૂળ છે. પુણ્ય-પાપના ભાવનું મૂળ મિથ્યાત્વ છે અને તેનું ફળ ચતુર્ગતિ-પરિભ્રમણરૂપ સંસાર છે. તેથી કહ્યું કે તે ભાવો પરસમય છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...?
પૂર્ણાનંદનો નાથ જ્ઞાનાનંદસ્વરૂપ પોતે છે તેની સન્મુખ થઈ તેની પ્રતીતિ કરવી, અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે. તેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ ભેગો હોય જ છે. સમ્યગ્દર્શનની સાથે આનંદનો અંશ, શાન્તિનો અંશ, ચારિત્રનો અંશ-એમ અનંત ગુણનો અંશ પ્રગટ હોય જ છે. સર્વ ગુણાંશ તે સમકિત. અહા! આવું સમ્યગ્દર્શન તે ધર્મનું પહેલું પગથિયું છે, ધર્મનું મૂળ છે. આ (-સમ્યગ્દર્શન) સિવાય પંચપરમેષ્ઠીની ભક્તિ, શાસ્ત્રનું અધ્યયન કે પંચમહાવ્રતનું પાલન-એ બધું