બધાય જીવો વીતરાગસ્વરૂપ ભગવાન છે. અભવિ જીવ પણ સ્વભાવથી તો જિનસ્વરૂપ છે. પણ તેથી શું? અહીં તો દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવમાં સ્થિતિ કરીને (પર્યાયપણે) સ્વસમય થાય એની વાત છે. દ્રવ્યરૂપ સ્વસમય છે તે પર્યાયરૂપ સ્વસમય થાય એની વાત છે. જેવું સ્વરૂપ છે તેવું દ્રવે-પ્રવહે છે. સ્વસ્વરૂપની સન્મુખ થઈ જ્ઞાનની પ્રતીતિ, જ્ઞાનનું જ્ઞાન અને જ્ઞાનની રમણતાપૂર્વક દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરે છે એમ વાત છે. આવો અલૌકિક મારગ છે ભાઈ!
ભાઈ! આ સમજવાનો અવસર છે હોં. જુઓને, આ પચીસ વર્ષનો ફુટડો જુવાન હોય ને ઘડીકમાં ફૂ થઈ જાય છે. ખબર ન મળે બધા સંજોગ ક્યાં ગયા? દેહ તો છૂટવાના કાળે છૂટી જ જાય; તેને કોણ રોકે? તો પહેલેથી જ તેની મમતા છોડી દે ને; દેહબુદ્ધિ છોડી દે ને. દેહબુદ્ધિ છૂટતાં પુણ્ય-પાપના ભાવ મટી જશે.
અહીં કહે છે- પુણ્ય-પાપરૂપ પરસમયને દૂર કરીને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિ કરવી તે મોક્ષમાર્ગ છે. મુનિરાજને જે વ્યવહારનો વિકલ્પ ઉઠે તે મોક્ષમાર્ગ નથી. એ તો એને રાગ-બોજો છે. એને છોડીને સ્વરૂપમાં રમણતા કરે તે મોક્ષમાર્ગ છે. મુનિરાજ નિર્મળ રત્નત્રયની પરિણતિરૂપ મોક્ષમાર્ગને પોતામાં જ પરિણમાવીને સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પ્રાપ્ત કરી લે છે. જુઓ, આ મોક્ષમાર્ગનું ફળ! સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવની પ્રાપ્તિ અર્થાત્ કેવળજ્ઞાન તે મોક્ષમાર્ગનું ફળ છે. હવે તે ત્યાગ- ગ્રહણથી રહિત થયો છે. સ્વસ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ એ પણ હવે ત્યાં રહ્યું નથી. તે સાક્ષાત્ સમયસારભૂત છે. વસ્તુ દ્રવ્ય છે તે તો સમયસાર છે અને હવે તે પર્યાયમાં સાક્ષાત્ પ્રગટ સમયસાર છે. સમયસાર નાટકમાં આવે છે ને કે-
નિજ નિજ કલા ઉદોત કરિ, મુક્ત હોઈ સંસાર.
દ્રવ્યસ્વભાવ તો અંતરંગમાં જિનસ્વરૂપ છે; રાગની એકતા તોડીને સ્વરૂપમાં રમણતા કરતાં તે પ્રગટ થાય છે. આ જ મારગ છે ભાઈ! કોઈ ક્રિયાકાંડનો આડંબર કે લેબાસ મારગ નથી.
પ્રશ્નઃ– હા, પણ દર્શન શુદ્ધિ તો સાવ સહેલી છે; ભગવાનનાં દર્શન, પૂજા કરીએ એટલે દર્શનશુદ્ધિ થઈ જાય.
ઉત્તરઃ– દર્શનશુદ્ધિ શું ચીજ છે બાપુ! તને ખબર નથી. જેમાં આત્માના અંતરંગ સ્વરૂપની ઓળખાણ-પહેચાન થતાં અનંતગુણોની અંશે વ્યક્તતા થઈ નિરાકુળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ પ્રત્યક્ષ આવે તેનું નામ દર્શનશુદ્ધિ છે. શુદ્ધિવંત-દ્રષ્ટિવંત પુરુષો ભગવાનનાં દર્શન આદિ રોજ નિયમથી કરે એ જુદી વાત છે. પણ એ કાંઈ દર્શનશુદ્ધિ નથી. જેમાં મોક્ષસુખનો નમુનો અંશે અનુભવાય અને હું પૂરણ