૨૦૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ વિજ્ઞાનઘનસ્વભાવમય આત્મા છું એવી પ્રતીતિ જાગ્રત થાય એ દર્શનશુદ્ધિ કોઈ અલૌકિક ચીજ છે ભાઈ!
અહીં કહે છે- નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને પોતામાં જ પરિણત કરીને, જેણે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવ પ્રાપ્ત કર્યો છે એવું, ત્યાગ-ગ્રહણથી રહિત, સાક્ષાત્ સમયસારભૂત, પરમાર્થરૂપ શુદ્ધજ્ઞાન એક અવસ્થિત-નિશ્ચલ રહેલું દેખવું. દેખવું નામ પ્રત્ય ક્ષ અનુભવવું. પૂર્ણ વિજ્ઞાનઘનદશા પ્રાપ્ત થઈ તેને પ્રત્યક્ષ અનુભવવું તેનું નામ મોક્ષ. દેખવું એટલે જાણવું અને અનુભવવું. ત્રણકાળ ત્રણલોકને જાણે માટે કેવળજ્ઞાન એમ નહિ, પણ પૂરણ દશાને સંપૂર્ણ પ્રત્યક્ષ વેદે-અનુભવે એનું નામ કેવળજ્ઞાન છે.
‘અહીં જ્ઞાનને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અને પોતાના પર્યાયોથી અભિન્ન બતાવ્યું, તેથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નામના જે લક્ષણના દોષો તે દૂર થયા.’
અહીં જ્ઞાન એટલે આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અને પોતાની પર્યાયોથી અભિન્ન છે. મતલબ કે પુણ્ય-પાપના ભાવ પોતાની પર્યાય છે એમ પહેલાં સિદ્ધ કરવું છે. જુઓ, પોતામાં વ્યાપે અને બીજામાં પણ વ્યાપે તો અતિવ્યાપ્તિ દોષ કહેવાય. જેમકે- અરૂપીપણું જીવનું લક્ષણ કહીએ તો તેમાં અતિવ્યાપ્તિ દોષ આવે, કેમકે અરૂપીપણું જેમ જીવમાં છે તેમ ધર્મ-અધર્મ આદિ બીજા દ્રવ્યોમાં પણ છે. માટે અરૂપીપણું એ જીવનું વાસ્તવિક લક્ષણ નથી. વળી કેવળજ્ઞાન જીવનું લક્ષણ કહીએ તો તેમાં અવ્યાપ્તિ દોષ આવે, કેમકે કેવળજ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતું નથી. જે લક્ષણ લક્ષ્યના એક ભાગમાં વ્યાપે તેને અવ્યાપ્તિ દોષ કહે છે. કેવળજ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતું નથી, માટે કેવળજ્ઞાન જીવનું લક્ષણ ઘટતું નથી. અહીં જ્ઞાનને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન બતાવ્યું એટલે અતિવ્યાપ્તિ દોષ દૂર થયો અને જ્ઞાનને પોતાની પર્યાયોથી અભિન્ન બતાવ્યું તેથી અવ્યાપ્તિ દોષ દૂર થયો. એજ કહે છે-
‘આત્માનું લક્ષણ ઉપયોગ છે, અને ઉપયોગમાં જ્ઞાન પ્રધાન છે; તે (-જ્ઞાન) અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે અતિવ્યાપ્તિવાળું નથી, અને પોતાની સર્વ અવસ્થાઓમાં છે તેથી અવ્યાપ્તિવાળું નથી. આ રીતે જ્ઞાનલક્ષણ કહેવાથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષો આવતા નથી.’
આત્માનું લક્ષણ ઉપયોગ છે. તે લક્ષણથી લક્ષ્ય આત્મા જાણી શકાય છે. જુઓ, વ્યવહાર રત્નત્રયના રાગથી જાણી શકાય એવો ભગવાન આત્મા નથી; એ તો જ્ઞાનલક્ષણ વડે જ જણાય છે. અહીં ઉપયોગમાં જ્ઞાનની મુખ્યતા લીધી છે. દર્શનની અહીં વાત કરી નથી. કહે છે-જ્ઞાન અન્ય અચેતન દ્રવ્યમાં નથી. શરીર, મન, વાણી આદિમાં