જ્ઞાન નથી. તેમ દેવ-ગુરુ આદિમાં પણ આ (-પોતાનું) જ્ઞાન નથી. તેથી તેમાં (જ્ઞાનલક્ષણમાં) અતિવ્યાપ્તિ દોષ આવતો નથી. વળી જ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપેલું છે. જીવની કોઈ અવસ્થા જ્ઞાન-ઉપયોગ વિના હોતી નથી. તેથી તેમાં અવ્યાપ્તિ દોષ પણ આવતો નથી. આ પ્રમાણે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષોથી રહિત જીવનું જ્ઞાનલક્ષણ યથાર્થ છે.
લોકો બિચારા વેપાર-ધંધામાં ગરી ગયા હોય ત્યાં ધંધાની ધમાલ આડે તેમને આ અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ ને એ બધું સમજવાની ફુરસદ-નવરાશ કયાંથી મળે? પણ ભાઈ! આ તો ખાસ નવરાશ લઈને સમજવાની ચીજ છે હોં.
પણ આપ કહો તો વ્રત-પચખાણ લઈ લઈએ. પણ એ તો કાંઈ આપ કહેતા નથી?
વ્રત? કોને કહીએ વ્રત? અહાહા...! સચ્ચિદાનંદસ્વરૂપ જ્ઞાનાનંદસ્વરૂપ ત્રિકાળ પોતે છે તેનું ભાન થઈ તેમાં જ રમણતા કરે, નિજાનંદસ્વરૂપમાં જ વિંટાઈને લીન થઈ જાય તેનું નામ વ્રત-નિશ્ચયવ્રત છે. વ્રત કહો કે પચખાણ કહો, બધું આત્મા જ છે ભાઈ! આ સિવાય વ્યવહારના વિકલ્પ બધો રાગ છે, દુઃખ છે, નિશ્ચયે વ્રત નથી. આવી વાત! સમજાણું કાંઈ...? હવે કહે છે-
‘અહીં જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનો અધિકાર છે, કારણ કે જ્ઞાનલક્ષણથી જ આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અનુભવગોચર થાય છે. જો કે આત્મામાં અનંત ધર્મો છે, તોપણ તેમાંના કેટલાક તો છદ્મસ્થને અનુભવગોચર જ નથી; તે ધર્મોને કહેવાથી છદ્મસ્થ જ્ઞાની આત્માને કઈ રીતે ઓળખે? વળી કેટલાક ધર્મો અનુભવગોચર છે, પરંતુ તેમાંના કેટલાક તો- અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ તો-અન્ય દ્રવ્યો સાથે સાધારણ અર્થાત્ સમાન છે માટે તેમને કહેવાથી જુદો આત્મા જાણી શકાય નહિ, અને કેટલાક (ધર્મો) પરદ્રવ્યોના નિમિત્તથી થયેલા છે તેમને કહેવાથી પરમાર્થભૂત આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવી રીતે જણાય? માટે જ્ઞાનને કહેવાથી જ છદ્મસ્થ જ્ઞાની આત્માને ઓળખી શકે છે.’
જુઓ, એમ તો આત્મામાં અનંત ધર્મો છે, પણ જ્ઞાનલક્ષણે જ આત્મા અનુભવ- ગોચર થાય છે. અહીં પં. શ્રી જયચંદજીએ ત્રણ વાત કીધી છે.
૧. આત્મામાં કેટલાક ધર્મો તો છદ્મસ્થને અનુભવગોચર જ નથી. હવે જે અનુભવમાં-સમજમાં જ આવતા નથી તેને લક્ષણ કહીએ તો તે વડે આત્મા કઈ રીતે ઓળખી શકાય? તે વડે છદ્મસ્થ અલ્પજ્ઞાની આત્માને-પોતાને કેવી રીતે ઓળખે? ન જ ઓળખે.