‘જ્ઞાન પરદ્રવ્યને કાંઈ પણ (જરાપણ) ગ્રહતું નથી તથા છોડતું નથી, કારણ કે પ્રાયોગિક (અર્થાત્ પર નિમિત્તથી થયેલા) ગુણના સામર્થ્યથી તેમ જ વૈસ્રસિક (અર્થાત્ સ્વાભાવિક) ગુણના સામર્થ્યથી જ્ઞાન વડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે.’
શું કહે છે? કે જ્ઞાન નામ આત્મા પરદ્રવ્યને ગ્રહતો કે છોડતો નથી. આ આહારને ગ્રહે કે છોડે એવું આત્માનું સ્વરૂપ નથી. એવો રાગ આવે, પણ પરદ્રવ્યને ગ્રહી કે છોડી શકાતું નથી. આહારનાં રજકણ, વાણીનાં રજકણ કે કર્મ-નોકર્મનાં રજકણને આત્મા ગ્રહી કે છોડી શકતો નથી. આત્મામાં આવી ત્યાગ-ઉપાદાન-શૂન્યત્વ શક્તિ છે; પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગથી શૂન્ય એવો ભગવાન આત્મા છે.
અહાહા...! ભગવાન આત્મા પરદ્રવ્યને, એક રજકણને પણ, ગ્રહી કે છોડી શકતો નથી એવું જ એનું સ્વરૂપ છે, કારણ કે પ્રાયોગિક અર્થાત્ પરના નિમિત્તથી થયેલા ગુણના સામર્થ્યથી તેમજ વૈસ્રસિક ગુણના સામર્થ્યથી આત્મા વડે પરદ્રવ્યનું ગ્રહવું-છોડવું અશક્ય છે. લ્યો, પરદ્રવ્યના નિમિત્તથી થતા રાગ વડે આત્માને પરદ્રવ્યનું ગ્રહવું કે છોડવું અશક્ય છે એમ કહે છે. પરદ્રવ્યના નિમિત્તથી રાગ થાય છે એટલે શું? કે રાગ થાય છે તો પોતાથી પોતામાં, તેમાં પરદ્રવ્ય માત્ર નિમિત્ત છે બસ. વિકારી પર્યાયનો આશ્રય તો દ્રવ્ય પોતે જ છે અર્થાત્ વિકાર જીવની પર્યાયમાં એટલે જીવમાં જ થાય છે; કર્મના નિમિત્તથી થાય છે એમ કહીએ એ તો વ્યવહારનું કથન છે. ખરેખર તો વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં આત્માના આશ્રયે થાય છે. પ્રવચનસાર અને પંચાસ્તિકાયની-બન્નેની ગાથા ૧૦માં આ વાત આવેલી છે કે વિકારી પર્યાય પોતાના આશ્રયે થાય છે, પરના કારણે નહિ. હવે આમ છે ત્યાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ વીતરાગી પર્યાય આત્માના આશ્રયે થાય એ તો સહજ સિદ્ધ છે, કર્મના અભાવથી નિર્મળ પર્યાય થઈ એમ કહીએ એ તો વ્યવહારનું કથન છે; વાસ્તવમાં કર્મના અભાવની એને અપેક્ષા નથી.
વળી કોઈ કહે કે આકાશાદિનો ઈશ્વર કર્તા છે. તેને પૂછીએ કે આ સર્વવ્યાપી અનંત અનંત આકાશ છે તે નહોતું ને ઈશ્વરે કર્યું તો ઈશ્વરે ક્યાં ઊભા રહીને કર્યું? જો ઈશ્વર ક્યાંક હતો તો જગાનો-આકાશનો તે કર્તા સિદ્ધ થતો નથી. અરે ભાઈ! સર્વવ્યાપક અનંત આકાશનું સ્વયંસિદ્ધ અસ્તિત્વ છે; તેને કરે કોણ? કોઈ જ નહિ.