‘જો દેહમય દ્રવ્યલિંગ મોક્ષનું કારણ હોત તો અર્હંતદેવ વગેરે દેહનું મમત્વ છોડી દર્શનજ્ઞાનચારિત્રને શા માટે સેવત? દ્રવ્યલિંગથી જ મોક્ષને પામત! માટે એ નક્કી થયું કે-દેહમય લિંગ મોક્ષમાર્ગ નથી, પરમાર્થે દર્શનજ્ઞાનચારિત્રરૂપ આત્મા જ મોક્ષનો માર્ગ છે.’
શું કીધું? આ શરીરની નગ્નદશા, પાંચ મહાવ્રત અને અટ્ઠાવીસ મૂલગુણને ધારણ કરવું-એવું જે દ્રવ્યલિંગ તે જો મોક્ષનું કારણ હોત તો અર્હંત ભગવંતો અને મુનિવરો દેહ અને શુભરાગનું મમત્વ છોડી દર્શન-જ્ઞાન-ચારિત્રને શા માટે સેવત? જો દ્રવ્યલિંગથી મુક્તિ થતી હોત તો તેઓ દર્શન-જ્ઞાન-ચારિત્રને કેમ સેવત? આ અટ્ઠાવીસ મૂલગુણનો બાહ્ય વ્યવહાર તે વાસ્તવિક મુનિપણું નથી ભાઈ! એ તો ભાવલિંગી સંત-મુનિવરને સહચરપણે હોય છે, નિમિત્તપણે હોય છે તેથી તેને દ્રવ્યલિંગ કહ્યું છે. અહાહા...! દ્રવ્યલિંગ નથી એમ પણ નહિ, ને દ્રવ્યલિંગ સત્યાર્થ મોક્ષમાર્ગ છે એમ પણ નહિ. ભાઈ! મારગ જેમ છે તેમ યથાર્થ જાણવો જોઈએ. બાકી વસ્ત્રાદિ રાખે એ તો ભાવલિંગેય નહિ ને દ્રવ્યલિંગેય નહિ, એ તો કુલિંગ છે. છહઢાલામાં આવે છે ને કે-
“ધારૈ કુલિંગ લહી મહતભાવ, તે કુગુરુ જન્મજલ ઉપલનાવ.” આવી વાત છે. પ્રશ્નઃ– પણ અમે તો બાપદાદા કરતા’ તા એમ કરીએ. ઉત્તરઃ– એમ ન હોય ભાઈ! અહીં મોક્ષમાર્ગમાં બાપદાદાનું (કુલપદ્ધતિનું) શું કામ છે? બાપદાદા માને તેમ માનવું ને કરવું તે માર્ગ નથી. જેને અંતરમાં નિર્મળ દર્શન- જ્ઞાન-ચારિત્રમય ભાવલિંગ પ્રગટે તેને બહારમાં અટ્ઠાવીસ મૂલગુણના વિકલ્પરૂપ દ્રવ્યલિંગ હોય છે, પરંતુ એ તો બધો રાગ છે ભાઈ! મુનિરાજ તો એને છેદીને પરમ મુક્તિપદને પામે છે. મારગ બહુ ઝીણો છે ભાઈ!
અરે! એણે નિજ શુદ્ધ ચૈતન્યની ભાવના ભાવીને કદી સમ્યગ્દર્શન પ્રગટ કર્યું નથી! ભજનમાં આવે છે ને કે-
“શુદ્ધ બુદ્ધ સુખકંદ મનોહર, ચેતનભાવ ન ભાયે-હમ તો કબહૂ ન નિજઘર આયે” અરે! એ કદી નિજઘરમાં-ચૈતન્યઘરમાં પ્રવેશ્યો નથી! શાસ્ત્રનું ભણતર કરે ને કંઈક શાસ્ત્ર-જ્ઞાન થાય ત્યાં માને કે મને જ્ઞાન પ્રગટ થયું છે. પણ એ તો શબ્દજ્ઞાન-શબ્દશ્રુત બાપા! એ ક્યાં આત્મજ્ઞાન છે. વીતરાગ પરમેશ્વરની વાણી જે જિનવાણી તેના નિમિત્તથી ઉપજેલું જ્ઞાન એ શબ્દશ્રુત છે. એને શબ્દનો આશ્રય છે ને? શબ્દના આશ્રયે જ્ઞાન થાય તેને શબ્દશ્રુત કહ્યું છે. આ તો વીતરાગની વાણીની વાત હોં; બાકી શ્વેતાંબરાદિનાં