૨૩૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ શરીરાશ્રિત દ્રવ્યલિંગનો ત્યાગ કરીને દર્શનજ્ઞાનચારિત્રને મોક્ષમાર્ગ તરીકે સેવતા જોવામાં આવે છે).’
જોયું? શું કહ્યું? કે બધાય ભગવાન અર્હંતદેવોને શુદ્ધજ્ઞાનમયપણું છે. અહાહા...! ભગવાન આત્મા તો સદા શુદ્ધજ્ઞાનમય જ્ઞાતાદ્રષ્ટા પ્રભુ છે. તેના આશ્રયે ઉત્પન્ન આત્માની નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમય પરિણતિ તે મોક્ષમાર્ગ છે. અહીં કહે છે-બધાય ભગવાન અર્હંતદેવોને દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના મમકારનો ત્યાગ છે અને તેથી શરીરાશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે તેઓને શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રની મોક્ષમાર્ગપણે ઉપાસના જોવામાં આવે છે. જુઓ, શરીરની ક્રિયા અને રાગની ક્રિયાનો ત્યાગ-અભાવ કરી દર્શનજ્ઞાન- ચારિત્રની ઉપાસના કરવી તે જિનમાર્ગ છે, મોક્ષમાર્ગ છે. બધાય ભગવાન અર્હંતદેવોએ આ મોક્ષમાર્ગની ઉપાસના કરી મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે. ભાઈ! દ્રવ્યલિંગ હો, પણ તે મોક્ષમાર્ગરૂપ નથી, આકરી વાત બાપા! કાયરનાં કાળજાં કંપે એવી વાત છે, પણ આ સત્ય વાત છે. અરે! લોકોએ બહારની તપસ્યા અને બાહ્ય ત્યાગમાં (દ્રવ્યલિંગમાં) ધર્મ માન્યો છે, પણ ભાઈ! તે માર્ગ નથી, જિનમાર્ગ નથી. સ્વસ્વરૂપમાં ઉગ્ર રમણતા કરવી તેનું નામ ચારિત્ર ને તે ધર્મ ને તે તપ છે. ભગવાને આવી તપશ્ચર્યા કરી મોક્ષની સાધના કરી છે. સમજાણું કાંઈ...!
અહીં દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉપાસના કરવી કહી તે નિર્મળ રત્નત્રયના પરિણામને પ્રાપ્ત કરવાની અપેક્ષાએ વાત છે, બાકી સેવના-ઉપાસના તો ત્રિકાળી શુદ્ધજ્ઞાનમય દ્રવ્યની કરવાની છે. ત્રિકાળી શુદ્ધ નિજ જ્ઞાયકસ્વરૂપની દ્રષ્ટિપૂર્વક તેમાં જ રમણતા કરવાથી નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રની વીતરાગી દશા પ્રગટ થાય છે અને તેને રત્નત્રયની સેવના-ઉપાસના કહે છે, કાંઈ પર્યાયની દ્રષ્ટિ અને ઉપાસના કરવાં છે એમ અર્થ નથી. પર્યાયને સેવતા જોવામાં આવે છે એમ કેમ કહ્યું? કે નગ્નદશા અને રાગની સેવાનો અભાવ છે તો નિર્મળ રત્નત્રયને સેવે છે એમ કહ્યું; બાકી સેવના તો ત્રિકાળી દ્રવ્યની જ છે; ધ્યાનનું ધ્યેય તો શુદ્ધ જ્ઞાયક જ છે. દર્શન-જ્ઞાન-ચારિત્રની દશા તે ધ્યાનની પર્યાય છે, ને ધ્યાનનું ધ્યેય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. ધ્યાનની પર્યાયનું દ્રવ્ય જ ધ્યેય હોવાથી, રાગ ધ્યેય નહિ હોવાથી, ધ્યાનની પર્યાયને સેવે છે એમ અહીં કહ્યું છે.
ખરેખર તો નગ્નતા અને રાગના ત્યાગનું કર્તાપણું પણ એને નથી, એને તો સ્વસ્વરૂપનાં દ્રષ્ટિ-રમણતા છે. સ્વસ્વરૂપમાં દ્રષ્ટિ-રમણતા કરતાં શુદ્ધ દર્શન-જ્ઞાન- ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે; તેને તે સેવે છે એમ અહીં કહ્યું છે, અને ત્યારે દ્રવ્યલિંગનો ત્યાગ તો સહજ જ છે. આ વાતને ‘તેઓ શરીરાશ્રિત દ્રવ્યલિંગનો ત્યાગ કરીને દર્શનજ્ઞાનચારિત્રને મોક્ષમાર્ગ તરીકે સેવતા જોવામાં આવે છે’ - આ શબ્દોમાં કહી છે. સમજાણું કાંઈ....?