Pravachan Ratnakar (Gujarati). Gatha: 412.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3698 of 4199

 

ગાથા–૪૧૨
मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेय।
तत्थेव विहर णिच्चं मा विहरसु अण्णदव्वेसु।। ४१२।।
मोक्षपथे आत्मानं स्थापय तं चैव ध्यायस्व तं चेतयस्व।
तत्रैव विहर नित्यं मा विहार्षीरन्यद्रव्येषु।। ४१२।।
હવે આ જ ઉપદેશ ગાથા દ્વારા કરે છેઃ-
તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને;
તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે. ૪૧૨.
ગાથાર્થઃ– (હે ભવ્ય!) [मोक्षपथे] તું મોક્ષમાર્ગમાં [आत्मानं स्थापय] પોતાના

આત્માને સ્થાપ, [तं च एव ध्यायस्व] તેનું જ ધ્યાન કર, [तं चेतयस्व] તેને જ ચેત- અનુભવ અને [तत्र एव नित्यं विहर] તેમાં જ નિરંતર વિહાર કર; [अन्यद्रव्येषु मा विहार्षीः] અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર.

ટીકાઃ– (હે ભવ્ય!) પોતે અર્થાત્ પોતાનો આત્મા અનાદિ સંસારથી માંડીને પોતાની પ્રજ્ઞાના (-બુદ્ધિના) દોષથી પરદ્રવ્યમાં-રાગદ્વેષાદિમાં નિરંતર સ્થિત રહેલો હોવા છતાં, પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ તેમાંથી પાછો વાળીને તેને અતિ નિશ્ચળપણે દર્શન- જ્ઞાન-ચારિત્રમાં નિરંતર સ્થાપ; તથા સમસ્ત અન્ય ચિંતાના નિરોધ વડે અત્યંત એકાગ્ર થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ધ્યા; તથા સમસ્ત કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગ વડે શુદ્ધજ્ઞાનચેતનામય થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત-અનુભવ; તથા દ્રવ્યના સ્વભાવના વશે (પોતાને) જે ક્ષણે ક્ષણે પરિણામો ઊપજે છે તે-પણા વડે (અર્થાત્ પરિણામીપણા વડે) તન્મય પરિણામવાળો (-દર્શનજ્ઞાનચારિત્રમય પરિણામવાળો) થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર; તથા જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, જેઓ જ્ઞેયરૂપ હોવાથી ઉપાધિસ્વરૂપ છે એવાં સર્વ તરફથી ફેલાતાં સમસ્ત પરદ્રવ્યોમાં જરા પણ ન વિહર.

ભાવાર્થઃ– પરમાર્થરૂપ આત્માના પરિણામ દર્શન-જ્ઞાન-ચારિત્ર છે; તે જ મોક્ષમાર્ગ છે. તેમાં જ (-દર્શનજ્ઞાનચારિત્રમાં જ) આત્માને સ્થાપવો, તેનું જ ધ્યાન કરવું, તેનો જ અનુભવ કરવો અને તેમાં જ વિહરવું-પ્રવર્તવું, અન્ય દ્રવ્યોમાં ન પ્રવર્તવું.