૨પ૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ છે. બહારની મીઠાશની ભ્રમણામાં જીવ પોતાને ભૂલીને પરદ્રવ્ય એવા અસંખ્યાત પ્રકારના રાગ-દ્વેષના ને પુણ્ય-પાપના ભાવોમાં સ્થિત રહેલો છે. અહા! પોતે તો અંદર અમૃતનો સાગર પ્રભુ છે. પણ પોતાની પ્રજ્ઞાના દોષથી-કર્મના દોષથી એમ નહિ હોં- પોતાના જ દોષથી પોતાને ભૂલીને પુણ્ય-પાપરૂપ ઝેરના પ્યાલા પી રહ્યો છે. પુણ્ય-પાપના ભાવ ઝેરના પ્યાલા છે હોં, પુણ્યભાવ પણ ઝેર છે ભાઈ! પોતે જ તેમાં મૂર્છાઈને ભ્રમણા ઊભી કરી છે, અને પોતે જ ઝેર પીધા કરે છે.
અમાપ... અમાપ... અમાપ શક્તિથી ભરેલો ભગવાન આત્મા છે તે અજ્ઞાનીના માપમાં (-જ્ઞાનમાં) આવ્યો નહિ ને આ પુણ્ય-પાપના ભાવનાં માપ (-જ્ઞાન ને હોંશ) કરીને એમાં જ અનાદિથી સ્થિત થઈને એણે ઝેર પીધાં છે. આ દેવ શું, મનુષ્ય શું; નારકી શું, તીર્યંચ શું; ધનવાન શું નિર્ધન શું, રાય શું રંક શું; કીડી, કબુતર ને કાગડા શું; અરે! સર્વ સંસારી જીવો અનાદિથી પોતાની ચીજને ભૂલીને પુણ્ય-પાપરૂપ વિષમભાવના વિષના સેવનમાં પડેલા છે. ભાઈ! વ્યવહાર રત્નત્રયનો ભાવ પણ વિષમભાવ છે બાપુ! નિયમસારમાં કળશમાં કહ્યું છે કે- નામમાત્ર કારણ કહીએ એવા વ્યવહાર રત્નત્રયને ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં (-અનેક ભવોમાં) આચર્યું છે, અર્થાત્ એ સત્યાર્થ કારણ નથી, સમભાવ નથી, વિષમભાવ છે. સમજાણું કાંઈ...?
હમણાં હમણાં મોટા ભાગના જીવો તો પાપનાં પોટલાંનો ભાર ભરવામાં રોકાઈ ગયા છે, ત્યાંથી ખસી કદાચિત્ પુણ્યભાવમાં આવે તોય શું? પુણ્યભાવ પણ રાગ છે, દુઃખ છે, ઝેર છે. અહા! આમ દુઃખમય ભાવોમાં જ જીવ અનાદિથી સ્થિત છે; તે પોતાની પ્રજ્ઞાનો અપરાધ છે. આ શેઠીયા, રાજા ને દેવતા બધા પુણ્ય-પાપમાં સ્થિત રહ્યા થકા દુઃખમાં જ ગરકાવ છે. ભાઈ! તું સંયોગમાં સુખી છે એમ માને છે પણ બાપુ! તું દુઃખના સમુદ્રમાં સ્થિત છે; કેમકે પુણ્ય-પાપના ભાવ બધો દુઃખનો સમુદ્ર છે ભાઈ!
ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવ છે. સ્વમાં રહીને, પરને અડયા વિના, અનંતા સ્વપર પદાર્થોને પોતાના સ્વપરપ્રકાશક સ્વભાવના સામર્થ્યથી જાણે એવો જ એનો સ્વભાવ છે. અલ્પજ્ઞતા એનું સ્વરૂપ નથી. તથાપિ કોઈ કિંચિત્ ક્ષયોપશમની વિશેષતાનું અભિમાન કરે તો તે દુઃખમાં સ્થિત છે, વિષમભાવમાં સ્થિત છે. ભણતરનાં અભિમાન એ બધો રાગ-દ્વેષ જ છે. બેનશ્રીના વચનામૃતમાં આવે છે ને કે- “આવડતના માનથી દૂર રહેવું સારું છે. બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં લાભ છે, તે બધા પ્રસંગો નિઃસાર છે; સારભૂત એક આત્મસ્વભાવ છે.” ભાઈ! શાસ્ત્રના ભણતરના અભિમાન જો થયા તો મરી જઈશ તું હોં. એમ તો અગિયાર અંગ ને નવપૂર્વ અનંતવાર ભણી ગયો, પણ બધું ફોગટ ગયું, અજ્ઞાન ખાતે ગયું,; એનાથી કેવળ બંધન જ થયું.