‘તેમાં જ (-દર્શનજ્ઞાનચારિત્રમાં જ) આત્માને સ્થાપ. તેનું જ ધ્યાન કરવું, તેનો જ અનુભવ કરવો અને તેમાં જ વિહરવું-પ્રવર્તવું, અન્યદ્રવ્યોમાં ન પ્રવર્તવું. અહીં પરમાર્થે એ જ ઉપદેશ છે કે-નિશ્ચય મોક્ષમાર્ગનું સેવન કરવું, કેવળ વ્યવહારમાં જ મૂઢ ન રહેવું.’
ધર્મીને યથાસંભવ બાહ્ય વ્યવહાર હોય ખરો, પણ એનાથી કલ્યાણ થશે એમ મૂઢપણું તેને હોતું નથી. અહીં કહે છે- કેવળ વ્યવહારમાં જ મૂઢ ન રહેવું. વ્રત-ભક્તિથી મારું કલ્યાણ થશે એમ મૂઢતા ન કરવી; બલ્કે તેની ઉપેક્ષા કરી સ્વસ્વભાવમાં જ પ્રવર્તવું.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘द्रग्–ज्ञप्ति–वृत्ति–आत्मकः यः एषः एकः नियतः मोक्षपथः’ દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ જે આ એક નિયત મોક્ષમાર્ગ છે. ‘तत्र एव यः स्थितिम् एति’ તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે અર્થાત્ સ્થિત રહે છે, ‘तं अनिशम् ध्यायेत्’ તેને જ નિરંતર ધ્યાવે છે, ‘तं चेतति’ તેને જ ચેતે-અનુભવે છે, ‘च द्रव्यान्तराणि अस्पृशन् तस्मिन् एव निरन्तरम् विहरति’ અને અન્યદ્રવ્યોને નહિ સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે, ‘सः नित्य–उदयं समयस्य सारम् अचिरात् अवश्यं विन्दति’ તે પુરુષ, જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને (અર્થાત્ પરમાત્માના રૂપને) થોડા કાળમાં જ અવશ્ય પામે છે- અનુભવે છે.
ઓહો! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ અંદર અનંત અતીન્દ્રિય ગુણોનું નિધાન છે અહા! આવું જે નિજસ્વરૂપ તેને પકડી ને તેનાં પ્રતીતિ, જ્ઞાન અને રમણતા કરવાં તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિયત મોક્ષમાર્ગ છે. વ્યવહાર હોય છે ખરો, પણ તે મોક્ષમાર્ગ નથી. ભાઈ! પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી વ્યવહાર હોય છે, પણ તે બંધનું જ કારણ છે, મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ એક જ છે, બે નથી. તેનું નિરૂપણ બે પ્રકારે છે, માર્ગ બે નથી; માર્ગ તો એક જ છે. એક યથાર્થ અને બીજું આરોપથી-એમ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે, પણ મોક્ષનો માર્ગ તો એક જ છે. મોક્ષનું સાધન કહો, કારણ કહો, મોક્ષનો ઉપાય કહો, માર્ગ કહો-એ બધું એક જ છે.
આ દેહ તો ક્ષણિક નાશવંત ચીજ છે, તે જોતજોતામાં ક્ષણમાં જ છૂટી જાય; તેનો શું ભરોસો? પણ અંદર ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ ત્રિકાળ નિત્ય ટકી રહેલું તત્ત્વ -જે