૨પ૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ સમાધિ નથી. જેમ શરીર, મન, વાણી, ઈન્દ્રિય પરજ્ઞેય છે. તેમ શુભભાવના વિકલ્પ ઉઠે તે પરજ્ઞેય છે અને માટે તે ઉપાધિસ્વરૂપ છે. ભાઈ! તું પર તરફ જોઈશ તો તને ચોમેરથી વિકલ્પરૂપ ઉપાધિ ઊભી થશે, સમાધિ નહિ થાય. ભગવાન કહે છે-તું મારી સામે પણ જોઈશ તો રાગ જ થશે, ઉપાધિ થશે, ધર્મ નહિ થાય. જ્ઞાનીને પણ વ્યવહારના શુભભાવ આવે છે, પણ તે છે ઉપાધિ. માટે કહે છે-સર્વ તરફથી ફેલાતા પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર, પૂર્ણદશા ભણી જવું છે ને! તેથી કહે છે-શુદ્ધ ચૈતન્યના આલંબનથી પ્રગટ નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર, બીજે ન વિહર.
દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો-વિનય-ભક્તિનો ભાવ રાગ છે, વ્યવહાર છે; પંચમહાવ્રતના પરિણામ રાગ છે, વ્યવહાર છે; છકાયની રક્ષાના પરિણામ રાગ છે, વ્યવહાર છે; શાસ્ત્ર-ભણતરનો ભાવ રાગ છે, વ્યવહાર છે. આ બધો વ્યવહાર જ્ઞેયરૂપ ઉપાધિ છે; સ્વ-ભાવ નથી, પરદ્રવ્ય છે. તેમાં જરાપણ ન વિહર-એમ કહે છે. શુદ્ધ નિશ્ચય એકના જ આલંબને પ્રાપ્ત શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર. લ્યો, આ પ્રભુનો માર્ગ છે આ શૂરવીરનાં કામ છે બાપા!
આ કાયરનું કામ નહિ. કાયરનાં તો કાળજાં કંપી જાય એવું આ કામ છે. અહો! શું અલૌકિક ગાથા! ગાથા તો ગાથા છે! બાર અંગનો સાર! ભગવાન ગણધરદેવે આગમ રચ્યાં એનો આ સાર છે. આ સાંભળીને ભવ્ય જીવો સંશય નિવારો.
‘પરમાર્થરૂપ આત્માના પરિણામ દર્શન-જ્ઞાન-ચારિત્ર છે; તે જ મોક્ષમાર્ગ છે.’ પરમાર્થ એટલે પરની દયા પાળવી તે પરમાર્થ-એમ નહિ, પણ પરમ અર્થ અર્થાત્ પરમ પદાર્થ ચૈતન્યચિંતામણિ પ્રભુ પોતે આત્મા છે તે પરમાર્થ છે. અહો! બધા આત્મા અંદર પરમાર્થરૂપ ભગવાન છે. આ દેહને, રાગને ને પર્યાયને ન જુઓ તો અંદર બધા ભગવાનસ્વરૂપે વિરાજે છે. અહીં કહે છે-આવા પરમાર્થરૂપ આત્માના પરિણામ દર્શન- જ્ઞાન-ચારિત્ર છે. પુણ્ય-પાપના પરિણામ તે પરમાર્થે આત્માના પરિણામ નથી. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે આત્માના પરિણામ નથી. માટે જ ભગવાન કહે છે- તું મારા સામું ન જો, જોઈશ તો તને રાગ જ થશે, કેમકે અમે પરદ્રવ્ય છીએ, અમે તારું દ્રવ્ય નથી. અમારા લક્ષે તારું કલ્યાણ નહિ થાય. રાગની રુચિ છે તે તો ભવની રુચિ છે. માટે અંદર ચિદાનંદસ્વરૂપ પ્રભુ તું છે તેની રુચિ કર, તેની દ્રષ્ટિ કરી તેમાં જ રમણતા-લીનતા કર. બસ, આ જ ધર્મ છે, આ જ મોક્ષમાર્ગ છે, આ જ આત્માના વાસ્તવિક પરિણામ છે. સમજાણું કાંઈ...? હવે કહે છે-