સ્વભાવમાં જવું-વિહરવું એ ધર્મ છે. જુઓ, અહીં શું કહે છે? કે અનંતશક્તિનો એકરૂપ પિંડ એવું જે શુદ્ધ આત્મદ્રવ્ય તે એકને જ અચળપણે અવલંબતો થકો, સમસ્ત પરદ્રવ્યમાં જરાપણ ન વિહર. કથંચિત્ દ્રવ્યનું અવલંબન અને કથંચિત્ શુભરાગનું અવલંબન એમ વાત નથી; જ્ઞાનરૂપને એકને જ અવલંબતો -એમ કહ્યું છે. અહો! પદે પદે આચાર્યદેવ વ્યવહારના આલંબનનો નિષેધ કરે છે. વ્યવહાર હોય છે એ જુદી વાત છે ને વ્યવહારનું આલંબન જુદી વાત છે. વ્યવહારનું આલંબન તો મિથ્યાત્વ છે.
અરે ભાઈ! તારે ક્યાં સુધી આમ ને આમ દુઃખમાં રહેવું છે? ઘરમાં બે એક વર્ષથી માંદગીનો ખાટલો હોય તેને કાંઈક ઠીક થાય ત્યાં તો બીજો માંદો પડી જાય. તેને ઠીક થાય ત્યાં વળી ત્રીજો ખાટલે પડે. આમ ઉપરાઉપરી ઘરમાં માંદગી ચાલે એટલે કંટાળે ને રાડુ પાડે કે-રોગનો ખાટલો ખાલી જ થતો નથી. એમ અજ્ઞાની જીવે અનંતકાળમાં એક સમય પણ દુઃખનો ખાટલો ખાલી કર્યો નથી, અનાદિથી રાગરૂપી રોગના ખાટલે પડયો પારાવાર દુઃખ ભોગવે છે. સંતો અહીં કરુણા લાવી કહે છે- જાગ નાથ! એક વાર જાગ; અંદર ચૈતન્યસ્વરૂપ ભગવાન છે તે એકનું જ આલંબન લે; નિમિત્તના-દેવ-ગુરુ- શાસ્ત્રના-રાગના આલંબનમાં મત જા, કેમકે પરના ને રાગના અવલંબને ધર્મ નહિ થાય, પણ એક ધ્રુવ જ્ઞાનસ્વરૂપના અવલંબને જ ધર્મ થશે. અરે! વિશેષ શું કહીએ? આ નિર્મળ પર્યાય જે પ્રગટી તે પર્યાયના અવલંબને પણ નવી નિર્મળ પર્યાય નહિ થાય. બસ, એક ધ્રુવને ધ્યાતાં જ ધર્મ થાય છે. સમજાણું કાંઈ.....?
અહા! આ ૐધ્વનિનો પોકાર છેઃ પ્રભુ! તું એકવાર તારા ત્રિકાળી આનંદના નાથનું અવલંબન લે. પૂજા-વ્રત-ભક્તિ આદિ વ્યવહારનું આલંબન તને શરણરૂપ નહિ થાય, કેમકે તે બંધનું કારણ છે. અહા! જેમ પાતાળમાં સદાય પાણી ભર્યાં છે તેમ તારા ધ્રુવના પાતાળમાં અનંત-અનંત જ્ઞાન ને આનંદ ભર્યાં છે. તે પાતાળમાં પ્રવેશતાં પર્યાયમાં અતીન્દ્રિય આનંદના ધોધ ઉછળશે. તું ન્યાલ થઈ જઈશ પ્રભુ! અંદર ધ્રુવને ધ્યાનનું ધ્યેય બનાવતાં ધર્મ-જૈનધર્મ પ્રગટશે. એક ધ્રુવના અવલંબને જ ધર્મ થાય છે આવો સમ્યક્ એકાન્તવાદ છે; એક ધ્રુવના આશ્રયે (ધર્મ) થાય અને વ્યવહારથી ન થાય એનું નામ સમ્યક્ અનેકાન્ત છે. ભાઈ! પર્યાયમાં પરમેશ્વરપદ પ્રગટે ક્યાંથી? અંદર પરમેશ્વરપદ પડયું છે તેને એકને જ અચળપણે અવલંબતા પર્યાયમાં પરમેશ્વરપદ પ્રગટ થાય છે. આવી સાર-સાર વાત છે.
વળી કહે છે- ‘જેઓ જ્ઞેયરૂપ હોવાથી ઉપાધિસ્વરૂપ છે એવાં સર્વ તરફથી ફેલાતાં સમસ્ત પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર.’ જુઓ, પુણ્યના પરિણામ થાય તે પરજ્ઞેયરૂપ ઉપાધિભાવ છે. પુણ્યભાવ ધર્મીને આવે ભલે. પણ તે ઉપાધિભાવ છે, સ્વ-ભાવ નથી.