પાંચ-પચીસ લાખની મૂડી હોય ને છોકરા મીઠાશથી બોલે- ‘બાપુજી,’ તો અજ્ઞાની ત્યાં ખુશી-ખુશી થઈ જાય છે; બહારની ચીજોમાં કુતૂહલ કરે છે. પણ અરે ભાઈ! એમાં તારું કાંઈ નથી. એ તો બધાં વેરી-રાગનાં નિમિત્તો છે, પરદ્રવ્યો છે; તારાથી વિરુદ્ધ સ્વભાવવાળાં તત્ત્વો છે. તેમાં તને રાજીપો અને કુતૂહલ થાય અને અનંત ગુણઋદ્ધિથી ભરેલી તારી ચીજને જાણવાનું તને કુતૂહલ નહિ? જરા વિચાર કર. વીતરાગ પરમેશ્વર ‘આત્મા, આત્મા’ નો પોકાર કરે છે તો તે શું છે તેનું કુતૂહલ તો કર. અંદર સ્વરૂપમાં જો તો ખરો, અંદર જોતાં જ તને તારાં દર્શન થશે, અતીન્દ્રિય આનંદ થશે. પરમાનંદની પ્રાપ્તિનો આ એક જ માર્ગ છે ભાઈ!
જુઓ, આ પંચમ આરાના મુનિરાજને અંદર દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન છે, પણ તેની પૂર્ણતા થઈ નથી. તેથી એક વાર ર્સ્વગમાં દેવના વૈભવ-કલેશમાં-દુઃખમાં અમારે જવું પડશે-એમ કહે છે. શુભનું ફળ પણ દુઃખ છે ને! પ્રવચનસારમાં કહ્યું છે કે- શુભ-અશુભ બન્ને ભાવનું ફળ દુઃખ છે. શુભ ઠીક અને અશુભ અઠીક -એમ બેમાં વિશેષતા નથી. શુભના ફળમાં સ્વર્ગાદિ મળે એ પણ કલેશ છે, આકુળતા છે. અંદર શાન્તિનો સાગર પોતે તું આત્મા છો. બાપુ! તારે બહાર બીજે ડોકિયું શા સારું કરવું પડે? અંદર ડોકિયું કરી ત્યાં જ થંભી જા, ઉપયોગને ત્યાં જ થંભાવી દે. અહાહા....! ચિન્માત્રચિંતામણિ દેવોનો દેવ ભગવાન! તું અંદર મહાદેવ છો. ત્યાં જ દ્રષ્ટિ કરી ત્યાં જ જામી જા; તને રત્નત્રય પ્રગટશે, અનાકુળ શાન્તિનાં નિધાન પ્રગટશે. આ એક જ માર્ગ છે. બાકી વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય -એમ ઉપચાર વચનને નિશ્ચય જાણી અજ્ઞાની વ્યવહારને ચોંટી પડે છે, પણ એનું ફળ સંસાર છે.
તો શ્રીમદે તો એમ કહ્યું છે કે-
એ અંતરંગ નિશ્ચય સાધન બાપુ! એક શુદ્ધ નિશ્ચયનું લક્ષ કરે એ જ સાધન ભાઈ! બીજું કયું સાધન? ત્યાં વિકલ્પ હોય તેને આરોપથી વ્યવહાર સાધન કહે છે એ તો કહેવામાત્ર છે. ભાઈ! કેવળ બાહ્ય સાધનથી કલ્યાણ થઈ જાય એવો માર્ગ નથી. સમોસરણમાં સાક્ષાત્ સર્વજ્ઞદેવ સીમંધરનાથ વિરાજે છે, તેમની ભક્તિનો ભાવ આવે ભલે, પણ એ બંધનનો ભાવ છે, મોક્ષમાર્ગ નથી. અરે! મહાવિદેહક્ષેત્રની કાંકરી-કાંકરીએ અનંત વાર જન્મ્યો-મર્યો ને અનંતવાર ભગવાનના સમોસરણમાં ગયો, પણ એવો ને એવો પાછો ફર્યો! શું થાય? વ્રત-ભક્તિ આદિ પોતે ગુંથેલી વિકલ્પની જાળમાં ગુંચાઈ ગયો, પણ સ્વસન્મુખ ન થયો!
અહીં કહે છે- જે આ એક નિયત નિશ્ચય મોક્ષમાર્ગ છે તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે, તેને જ નિરંતર ધ્યાવે છે, તેને જ ચેતે-અનુભવે છે તે પુરુષ સમયના