‘જેઓ ખરેખર “હું શ્રમણ છું, હું શ્રમણોપાસક (-શ્રાવક) છું” એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ (અનાદિકાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ (મોહી) વર્તતા થકા......’
અહા! કોઈ નગ્ન દિગંબર મુનિલિંગ ધારે, પંચમહાવ્રતાદિ ક્રિયાઓ પાળે અને તે વડે દ્રવ્યલિંગમાં મમત્વ કરી મિથ્યા અહંકાર કરે કે-હું શ્રમણ છું, મુનિ છું તો અહીં કહે છે કે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે, બહુ આકરી વાત બાપા! પણ આ હિતની વાત છે પ્રભુ! તને ખબર નથી પણ વીતરાગનો માર્ગ તો ચૈતન્યના વીતરાગી પરિણામથી ઉત્પન્ન થાય છે, રાગથી ઉત્પન્ન થતો નથી. પંચમહાવ્રત આદિ જેવાં ભગવાને કહ્યાં છે તેવાં ચોકખાં પાળે તોય એ રાગ જ છે, ધર્મ નહિ. એ રાગ વડે તું માને કે હું સાધુ-મુનિ થઈ ગયો છું પણ એ તારો દુરભિનિવેશ છે, મિથ્યા માન્યતા છે.
તે જ પ્રમાણે કોઈ શ્રાવકનું નામ ધારણ કરી બાર વ્રત પાળે ને દયા, દાન, ભક્તિ-પૂજા ઈત્યાદિમાં પ્રવર્તે અને તે વડે મિથ્યા અહંકાર કરે કે હું શ્રાવક છું તો તેને પણ આત્માની ખબર નથી. તે પણ મૂઢ અજ્ઞાની જ છે. આજ કારતકી પૂનમ છે ને! હજારો માણસો શત્રુંજયની જાત્રાએ જશે. ત્યાં જો રાગની મંદતા થાય તો પુણ્યબંધ થશે, પણ ધર્મ નહિ. તેમાં ધર્મ માને એ તો નરી મૂઢતા છે ભાઈ! અરે! શ્રાવક કોને કહીએ? જેને સ્વપરનો અંતર-વિવેક જાગ્યો હોય અને જે રાગથી છૂટો પડી સ્વરૂપમાં રમે તેને શ્રાવક કહીએ. અને મુનિદશા તો એથીય અધિક ઊંચી પ્રચુર આનંદની દશા છે.
અહાહા.....! ભગવાન આત્મા અનાકુળ આનંદરસનો-ચૈતન્યરસનો કંદ પ્રભુ છે. અંતર્મુખ થઈ તેને જાણતો-અનુભવતો નથી અને વ્યવહાર ક્રિયાકાંડમાં પોતાનું હિત માને છે, તેમાં ધર્મ અને મુનિપણું -શ્રાવકપણું માને છે તે અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ છે. શુભભાવનો આવો વ્યવહાર તો અનાદિથી ચાલ્યો આવે છે, અનંતવાર કર્યો છે. અહા! નવમી ગ્રૈવેયકના સ્વર્ગમાં જાય એવા શુભભાવ અત્યારે તો છે નહિ, પણ એવા શુભભાવ પણ એણે અનંતવાર કર્યા છે. એમાં નવું શું છે? શુભ-અશુભ ભાવ તો નિગોદના જીવ પણ નિરંતર કરે છે. આ લસણ-ડુંગળી નથી આવતાં? તેની રાઈ જેટલી એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે, અને એક શરીરમાં અનંતા નિગોદના જીવ છે. સર્વજ્ઞ પરમેશ્વરે જ્ઞાનમાં આ જોયા છે. અહા! તે નિગોદના જીવોને પણ ક્ષણમાં