એનાથી સહિત તે દુઃખી જ છે. શું થાય? અનાદિથી અજ્ઞાની જીવોને આ હઠ છે કે આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહારના ભાવોથી મુક્તિ થશે. તે વ્યવહારના-રાગના ઘોડે આરૂઢ થયો છે, રાગમાં આરૂઢ થયેલો તે નિજચૈતન્યપદ પર અનારૂઢ છે. અહા! આવા વ્યવહાર-વિમૂઢ જીવો, અહીં કહે છે, પરમાર્થ સત્ય ભગવાન સમયસારને દેખતા નથી. અનુભવતા નથી.
પ્રશ્નઃ– તો ધર્મી ને -શ્રાવક અને મુનિને-વ્રતાદિનો શુભરાગ તો હોય છે? સમાધાનઃ– હા, હોય છે; ધર્મીને તે પૂર્ણપણે સ્વભાવ પર આરૂઢ ન થાય ત્યાં સુધી યથાસંભવ વ્રતાદિનો શુભરાગ હોય છે, પણ તેને તે સત્યાર્થ મોક્ષમાર્ગ જાણતા નથી. તે આદરણીય છે એમ તે માનતા નથી. ભાઈ! જે શુભરાગ આવે છે તેને તું વ્યવહાર તરીકે બસ જાણ, પણ તેનાથી પોતાનું કલ્યાણ થાય એમ માનવું છોડી દે.
વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ વ્યવહારથી સ્થાપન કરવામાં આવ્યું છે, પરંતુ તે સાચો મોક્ષમાર્ગ ક્યાં છે? વાસ્તવમાં તો તે રાગ જ હોવાથી બંધનના કારણરૂપ છે. તે શુભભાવ સાધકદશામાં આવે છે તેને જાણવો જોઈએ, પરંતુ એનાથી જીવનું કલ્યાણ થાય એમ માનવાનું છોડી દેવું જોઈએ. અજ્ઞાની તો દયા, દાન, વ્રત આદિનો શુભભાવ જ મારું સર્વસ્વ છે એમ તેમાં મૂઢ થઈ ગયો છે. અહા! પ્રૌઢ વિવેકથી પ્રાપ્ત થવા-યોગ્ય શુદ્ધ નિશ્ચય નિજ ચૈતન્યપદ પર તે અનારૂઢ વર્તતો થકો નિજ સમયસારને પ્રાપ્ત થતો નથી- અનુભવતો નથી. આવી વાત! સમજાણું કાંઈ......?
વ્યવહાર સમકિતીને હોય છે, અવશ્ય હોય છે, પરંતુ તેમાં તે આરૂઢ નથી, તે તો શુદ્ધ એક નિજ ચૈતન્યપદ પર આરૂઢ છે. વ્યવહાર છે-એમ બસ ધર્મી તેનો જાણનાર અને દેખનાર છે, એનાથી મારું ભલું થશે એમ તે વ્યવહારમાં મોહિત-મૂઢ નથી. ભાઈ! ધર્મીને શુભભાવ આવે છે એટલી મર્યાદા છે, પરંતુ એ કાંઈ એના કલ્યાણનું કારણ નથી.
અહો! વીતરાગી સંતો-કેવળીના કેડાયતીઓ ભગવાનના આડતિયા થઈને આ માલ જગતને જાહેર કરે છે. ભાઈ! તારું ચૈતન્યપદ જ્ઞાન અને આનંદના સ્વભાવથી પૂરણ ભરેલું છે. તેના પર આરૂઢ થા તો તને નિરાકુળ આનંદની પ્રાપ્તિ થશે. જેઓ નિજ ચૈતન્યપદ પર અનારૂઢ વર્તતા થકા વ્યવહારમાં મૂઢ થઈ પ્રવર્તે છે તેઓ ચાર ગતિના પરિભ્રમણના કારણમાં-માર્ગમાં પડેલા છે. પ્રવચનસારમાં કહ્યું છે કે-શુભ કે અશુભમાં- બન્નેમાં કાંઈ તફાવત નથી એમ જેઓ માનતા નથી તેઓ મોહથી મૂર્છિત થયા થકા અપાર ઘોર સંસારસાગરમાં ડૂબેલા છે. ભાઈ! શુભ-અશુભ બન્નેય જગપંથ છે.
હા, પણ અમે નિવૃત્તિ લઈ બ્રહ્મચર્યથી રહીએ છીએ ને?