૨૭૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
બ્રહ્મચર્ય કોને કહીએ બાપુ? બ્રહ્મ નામ આત્મા શુદ્ધ ચિદાનંદ ચૈતન્યચિંતામણિ પ્રભુને ચર્ય નામ ચરવું; શુદ્ધ ચૈતન્યમાં ચરવું તેનું નામ બ્રહ્મચર્ય છે. શરીરથી બ્રહ્મચર્ય પાળવાનો વિકલ્પ એ તો શુભભાવ છે, એનાથી પુણ્ય બંધાય, ધર્મ ન થાય. એનાથી ધર્મ થવાનું માને એ તો મિથ્યાત્વનું મહાપાપ છે. અરે! આવા મિથ્યાત્વને સેવીને તો ભગવાન તું રઝળી મર્યો છે.
અરે! કદીક એ અનેક પ્રકારની સાંસારિક ચિંતાઓથી, કુટુંબ-પરિવાર આદિથી નિવૃત્ત થયો તો શુભભાવ ને શુભભાવના નિમિત્તોને ચોંટી પડયો, એનાથી જ મારું કલ્યાણ થશે એમ માનવા લાગ્યો. પણ ભાઈ રે! મોક્ષપાહુડમાં ભગવાન કુંદકુંદાચાર્ય ફરમાવે છે કે- ‘पर दव्वादो दुग्गइ’ પરમાનંદમય નિજ ચૈતન્યપ્રભુ છે તેને છોડીને જેટલું પરદ્રવ્ય-કુંટુંબ-પરિવાર કે દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ લક્ષ જાય તે બધોય રાગ દુર્ગતિ છે, તે આત્માની-ચૈતન્યની ગતિ નથી. શુભભાવથી સ્વર્ગગતિ મળે, પણ તે દુર્ગતિ છે. જેનાથી ગતિ મળે તે ભાવ દુર્ગતિ છે ને તે ગતિ દુર્ગતિ છે. અહાહા....! ભગવાન કહે છે- અમે તારા માટે પરદ્રવ્ય છીએ. અમારા લક્ષે તને રાગ થશે. સ્વરૂપમાં રમવું છોડીને તું અમારું લક્ષ કરે તે દુર્ગતિ છે.
આ નગ્નદશા, પંચમહાવ્રતનું પાલન, ૨૮ મૂળગુણની ક્રિયા-આવી ક્રિયા બધી શુભભાવ છે. એમાં કોઈ માને કે -આ મારો ધર્મ ને આ મારું મુનિપણું તેને સંતો કહે છે- પ્રભુ! તું એકવાર સાંભળ. બાપુ! તું બીજે અવળે પાટે ચઢી ગયો છે. મોક્ષમાર્ગનો- આત્માના હિતનો -આ માર્ગ નથી. અહીં ત્રણ બોલ કહ્યા છેઃ અનાદિરૂઢ, વ્યવહારમૂઢ, ને નિશ્ચય સ્વભાવમાં અનારૂઢ. અહો! આ તો ગાથામાં એકલું માખણ ભર્યું છે. કોઈ ભાગ્યવંતને પ્રાપ્ત થશે. કહ્યું છે ને કે-
અહા! અંતરીક્ષમાં ભગવાન બિરાજે ત્યાંથી ૐધ્વનિના ધોધ છૂટયા. ભવ્યોના કાન પર વાણી પડી, તે વાણીમાંથી ચૈતન્યતત્ત્વરૂપ માખણ નીકળ્યું. તે કોઈ વિરલ ભાગ્યવંતને પ્રાપ્ત થયું અને જગત તો વ્યવહારની છાશમાં જ ભરમાઈ ગયા, રાજી.... રાજી....થઈ ગયા. ભાઈ! મહાવ્રતાદિના પરિણામ એ તો છાશ એટલે કાંઈ નથી. ભાઈ! તને ખબર નથી પણ એ રાગથી આત્મપ્રાપ્તિ નહિ થાય. આવો મારગ પ્રભુ! એમાં તું શત્રુંજય ને સમ્મેદશિખરની જાત્રા કરીને માની લે કે મને ધર્મ થયો, પણ ધૂળેય ધર્મ નહિ થાય સાંભળને. ધર્મ તો કોઈ જુદી અંતરની અલૌકિક ચીજ છે બાપુ!