૨૭૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
અહો! અંદર વસ્તુ તો પોતે ત્રિકાળી એક જ્ઞાયક ચૈતન્યના આનંદનું પૂર પ્રભુ છે. અહા! આવી નિજ વસ્તુની અંતર્દષ્ટિ વડે તેના આશ્રયે જે પ્રચુર આનંદની દશા પ્રગટ થાય તે મોક્ષમાર્ગ છે, અને પૂર્ણ આનંદની દશા પ્રગટ થાય તે મોક્ષ છે. અરે! પણ એણે અંદર નજર કરી નથી, પરદ્રવ્યના આશ્રયે પરિણમ્યા કરે છે. ત્યાં અવ્રતના પરિણામ થાય તે પાપ છે, ને વ્રતના પરિણામ થાય તે પુણ્ય છે. ત્યાં પુણ્યભાવમાં મોહિત-મૂર્છિત થઈને એનાથી મારો મોક્ષ થશે એમ તે માને છે. વળી ભેદાભ્યાસ કરીને જેનાથી ભેદજ્ઞાન થાય એવા નિશ્ચયને તે જાણતો નથી. શુભભાવના મોહપાશથી બંધાયેલા તેને નિશ્ચય વસ્તુને જાણવાની દરકાર નથી. તેથી બહિરાત્મદ્રષ્ટિ એવો તે સત્યાર્થસ્વરૂપ નિજ સમયસારને પામતો નથી-અનુભવતો નથી.
અહા! રાગની-આસ્રવની ક્રિયાઓ તો અનાદિકાળથી જીવ કરતો આવ્યો છે, અવ્રતના પાપભાવ પણ અનાદિથી કર્યા છે, ને વ્રતના પુણ્યભાવ પણ અનાદિથી અનંતવાર કર્યા છે. તેમાં નવું શું છે? તે સઘળા-પુણ્ય અને પાપના-વિકારી સંયોગીભાવ બંધપદ્ધતિ છે, મોક્ષપદ્ધતિ નથી. તેથી તો શુભભાવ અનંતવાર કર્યા છતાં ચતુર્ગતિ- પરિભ્રમણ ઉભું છે, તેથી તો અનંતકાળથી તું ચોરાસીના અવતારમાં રઝળી મર્યો છે. ભાઈ! તું આ વ્યવહારના શુભભાવ મને મોક્ષની પ્રાપ્તિ કરાવશે એમ તું માને છે પણ તારી માન્યતા બરાબર નથી. તારી એ માન્યતાએ જ તને રઝળાવી માર્યો છે, પછી તે ઠીક કેમ હોય? માટે જો તને મોક્ષની ઈચ્છા છે તો અંતર્મુખ દ્રષ્ટિ કરી ભેદજ્ઞાન કર. અંતર્મુખ દ્રષ્ટિ વડે જ ભેદજ્ઞાન થાય છે. ભેદજ્ઞાન વડે જ અંદર શુદ્ધ નિશ્ચય પરમાર્થ વસ્તુ પોતે છે તેનો અનુભવ થાય છે. આનું જ નામ ધર્મ ને આનું જ નામ મોક્ષનો ઉપાય છે. અનાદિકાળનું ભવભ્રમણ મટાડવાનો આ જ એક ઉપાય છે.
આ સિવાય શુભરાગની ક્રિયાઓમાં ધર્મ માનનારા વ્યવહારમાં વિમોહિત પુરુષો, અનેક પ્રકારના ક્રિયાકાંડ આચરવા છતાં શુદ્ધજ્ઞાનમય નિજ સમયસારને દેખતા નથી. અનુભવતા નથી. આવી બહુ ચોક્ખી વાત છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘व्यवहार–विमूढ–द्रष्टयः जनाः परमार्थ नो कलयन्ति’ વ્યવહારમાં જ જેમની દ્રષ્ટિ (બુદ્ધિ) મોહિત છે એવા પુરુષો પરમાર્થને જાણતા નથી, ‘इह तुष–बोध–विमुग्ध–बुद्धयः तुषं कलयन्ति, न तण्डुलम्’ જેમ જગતમાં તુષના જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ મોહિત છે (-મોહ પામી છે) એવા પુરુષો તુષને જ જાણે છે, તંડુલને જાણતા નથી.
જુઓ, આ સંસારીઓના લૌકિક વ્યવહારની વાત નથી. એ લૌકિક વ્યવહાર તો