એકલું પાપ છે. અહીં તો ધર્મી પુરુષોને (સહકારી) બહારમાં જે મહાવ્રતાદિનો વ્યવહાર- રાગ હોય છે એની વાત છે. કહે છે- ધર્મના નામે મહાવ્રતાદિનો જે વ્યવહાર તેમાં જેની બુદ્ધિ મોહિત છે તે પુરુષો પરમાર્થને જાણતા નથી અર્થાત્ ચૈતન્યમૂર્તિ નિજ સ્વરૂપને તેઓ ઓળખતા નથી. બિચારા વ્યવહાર ક્રિયાકાંડના ફંદમાં ફસાઈ ગયા છે તેઓને નિજ સ્વરૂપના અનુભવના રસનો રસાસ્વાદ પ્રાપ્ત થતો નથી. તેવા જીવો એમ ને એમ ૨૦૦૦ કંઈક અધિક સાગરની ત્રસની સ્થિતિ પૂરી કરીને ક્યાંય એકેન્દ્રિયમાં ચાલ્યા જાય છે. ત્રસમાં-આ કાગડા, કુતરા, કીડી, મકોડા ઈત્યાદિ દશામાં-રહેવાનો ઉત્કૃષ્ટ કાળ ૨૦૦૦ સાગરોપમ કાંઈક અધિક છે. આવો શાસ્ત્રમાં લેખ છે. સમજાણું કાંઈ....? દાખલો આપે છે. -
જેમ જગતમાં તુષના જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ મોહિત છે એવા પુરુષો તુષને જ જાણે છે, તંડુલને જાણતા નથી. આવે છે ને એમાં -દોહા પાહુડમાં-
હે પાંડે! હે પાંડે! હે પાંડે! તું કણને છોડી માત્ર તુષ જ ખાંડે છે. તું પરમાર્થ જાણતો નથી માટે મૂઢ જ છે. અહા! જેઓ પરમાર્થને જાણતા નથી તેઓ ચાવલ (ચોખા) છોડીને એકલાં ફોતરાં-ભૂંસું ખાંડે છે. એક બાઈ ઘેર ડાંગર ખાંડતી હતી. ચાવલ (-કણ) નીચે અને ઉપર ફોતરાં રહે. તે દેખીને બીજી એક બાઈ ફોતરાં ભેગાં કરીને ખાંડવા મંડી. તેને શું ખબર કે એકલાં ફોતરાં ખાંડવાથી કાંઈ ન મળે? તેથી કાંઈ ચાવલ મળે? ન મળે.
તેમ ધર્મી પુરુષો-ગણધરાદિ મહા મુનિવરો અંતર્દષ્ટિના અનુભવમાં પડયા હોય તેમને મહાવ્રતાદિના વિકલ્પો સાથે હોય છે, તે ફોતરાં સમાન છે. તેને દેખીને અજ્ઞાની મહાવ્રતાદિ ધારણ કરી તેને ધર્મ માની તેનું જ આચરણ કર્યા કરે છે. પણ તેથી શું લાભ? ખરેખર તે તંડુલ છોડીને તુષમાં જ રાજી થઈ ગયો છે. પંચમહાવ્રતાદિના પરિણામ તો ફોતરાં છે ભાઈ! ચૈતન્યરસના કસથી ભરેલી ચીજ તો અંદર છે. ને તે સ્વાનુભવમાં પ્રગટ થાય છે. અજ્ઞાની ફોતરાં સમાન મહાવ્રતાદિમાં મોહિત -મુગ્ધ છે. તે ગમે તેટલું બહારનું આચરણ કરવા છતાં સ્વસ્વરૂપને દેખતો-પામતો નથી.
અરે! એણે અનંત વાર દીક્ષા ગ્રહણ કરી ને અનંતવાર પંચમહાવ્રત પાળ્યાં. પણ એથી શું? એ ક્યાં મોક્ષમાર્ગ છે? વ્યવહારમાં મોહિતબુદ્ધિવાળા જીવ અંદર ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ છે તેને દેખતા-અનુભવતા નથી.
‘જેઓ ફોતરાંમાં મુગ્ધ થઈ રહ્યા છે, ફોતરાંને જ કૂટયા કરે છે, તેમણે તંડુલને જાણ્યા જ નથી; તેવી રીતે જેઓ દ્રવ્યલિંગ આદિ વ્યવહારમાં મુગ્ધ થઈ રહ્યા છે