૨૮૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ ગતિમાં અવતરશે. અરે ભાઈ! તું બહારનું કરી-કરીને મરી જઈશ બાપુ! આ શુભરાગની ક્રિયા તો પરદ્રવ્યના સંયોગથી થતી ઉપાધિ છે. તેમાં જે મમકાર કરે છે તેને પોતાના સ્વરૂપનો ઈન્કાર છે; જે પોતાનું સ્વરૂપ નથી તેને પોતાનું માને છે તે ચોરાસીના અવતારમાં ક્યાંય રઝળશે. અરે! દ્રવ્યલિંગના મમકાર વડે તેનાં નેત્ર બીડાઈ ગયાં છે, તે અંધ થઈ ગયો છે. ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપી પ્રભુને જોવાની આંખો તેણે બંધ કરી છે. હવે આવી વાત-આ જૈનમાં જન્મેલાને પણ જૈન પરમેશ્વર શું કહે છે એની ખબર નથી, પોતાની મતિ-કલ્પનાથી દ્રવ્યલિંગથી ધર્મ માને-મનાવે છે. પણ અહીં કહે છે- ‘समयसार एव न द्रश्यते’ તેઓ સમયસારને જ દેખતા નથી.
સમયસાર એટલે શું? અહાહા.....! શરીરથી, કર્મથી, રાગથી રહિત એકલું ચૈતન્યનું ધ્રુવ દળ -એનું નામ સમયસાર છે. હવે રાગને જ દેખનાર રાગના રસિયા રાગ વિનાના ભગવાનને કેમ દેખે? -દેખતો નથી. થોડા શબ્દે કેટલું ભર્યું છે?
અરે! આ શેઠિયા બધા બહારની ધૂમધામમાં રોકાઈ ગયા છે. બિચારાઓને આ બધું વિચારવાનો વખત નથી. એમાંય પાંચ-દસ કરોડની પુંજી થઈ જાય એટલે જોઈ લ્યો, જાણે હું પહોળો ને શેરી સાંકડી. અરે, પાગલ થયો છો કે શું? અંદર અનંતી ચૈતન્યલક્ષ્મીનો ભંડાર ભગવાન સમયસાર છે તેને દેખતો નથી અને વિષયના-રાગના રસમાં ચઢી ગયો છે? જાણે બકરાંના ટોળામાં સિંહ ગરી ગયો ને સિંહને થયું કે હું બકરૂં છું! અરે, તું બકરું નથી ભાઈ! તું સિંહ છો, અનંતા વીર્યનો સ્વામી ભગવાન ચૈતન્યસિંહ છો. અંતર્દ્રષ્ટિરૂપ ગર્જના કર ને તને ખાત્રી થશે. ચૈતન્યસ્વભાવની સમીપ જઈ વિશ્વાસ કર, તને ભગવાનના ભેટા થશે અર્થાત્ તું પર્યાયમાં પૂરણ વીર્યનો સ્વામી થઈશ.
હિંસાદિ પાપના પરિણામ તો દૂર રહ્યા, અહીં કહે છે-અહિંસા, સત્ય, અચૌર્ય, અપરિગ્રહ ને બ્રહ્મચર્ય આ પાંચ વ્રત ચૈતન્યસ્વભાવથી વિપરીત ભાવ છે. આ પાંચમાં મમકાર કરી પોતાનું અસ્તિત્વ માને તે નિજ-સમયસારને જાણતો નથી, માનતો નથી. ભગવાન સર્વજ્ઞદેવનો આ પોકાર છે. જેમાં આનંદનો અનુભવ થાય તે ‘મમ’ (-મારું, ભોજન) છે. છોકરાં મા ને કહે- ‘મમ’ આપ. અહીં સંતો કહે છે- તારા નિત્યાનંદસ્વભાવનો અંતર્મુખ થઈ અનુભવ કર, તે તારું ‘મમ’ (સ્વ વા ભોજન) છે. ભાઈ! એ નિરાકુલ આનંદની અધુરી (-એકદેશ) દશા તે સાધન અને તેની પૂર્ણ દશા તે સાધ્ય છે. બધી રમત અંદર છે બાપુ! બહાર તારે કાંઈ જ સંબંધ નથી, રાગના કણથીય નહિ ને શરીરના રજકણથીય નહિ; એ બધી રાગની ને શરીરની ક્રિયા તો બહાર જ છે. ભાઈ! તું રાગની ક્રિયામાં અંજાયો છે પણ એ તારા ચૈતન્યને સ્પર્શતી જ નથી પછી એનાથી ચૈતન્યની પ્રાપ્તિ કેમ થશે? રાગની ક્રિયામાં અંજાઈ જાય તેને ‘સમયસાર’ જોતાં આવડતું નથી, તે ભગવાન સમયસારને દેખતો જ નથી.